આમોસ
લેખક
આમોસ પુસ્તક આમોસ પ્રબોધકને લેખક તરીકે ઓળખાવે છે. આમોસ પ્રબોધક તકોઆમાં ગોવાળોના એક જૂથ સાથે રહેતો હતો. આમોસે પોતાના લખાણોમાં એ સ્પષ્ટ કર્યું હતું કે તે પ્રબોધકોના કુટુંબમાંથી આવ્યો નહોતો અને તે પોતાને પ્રબોધક માનતો પણ નહોતો. ઈશ્વરે તીડો તથા અગ્નિ દ્વારા ન્યાયશાસનની ધમકી આપી, પણ આમોસની પ્રાર્થનાઓએ ઇઝરાયલને બચાવ્યું.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 760 થી 750 વચ્ચેનો છે.
આમોસે ઉત્તરના ઇઝરાયલના રાજ્યમાં બેથેલ તથા સમરૂનમાંથી સંદેશાઓ આપ્યા.
વાંચકવર્ગ
આમોસના મૂળ શ્રોતાઓ ઉત્તરનું ઇઝરાયલનું રાજ્ય હતું અને બાઇબલના ભવિષ્યના વાંચકો છે.
હેતુ
ઈશ્વર અભિમાનને ધિક્કારે છે. લોકો માનતા હતા કે તેઓ સ્વપોષિત છે અને તેઓ ભૂલી ગયા હતા કે તેઓ પાસે જે કંઈ હતું તે ઈશ્વર પાસેથી આવ્યું હતું. ઈશ્વર બધા જ લોકોને મહત્ત્વ આપે છે અને ગરીબો પ્રત્યેના દુર્વ્યવહાર વિરુદ્ધ ચેતવણી આપે છે. અંતે, ઈશ્વર પોતાને માન આપતા વર્તન સાથે પ્રામાણિક આરાધના માંગે છે. આમોસ દ્વારા અપાયેલું ઈશ્વરનું વચન વિશેષાધિકારો ધરાવતા લોકો એટલે કે એવા લોકો જેમને પોતાના પાડોશીઓ પર પ્રેમ નહોતો, જેઓ બીજાઓનો ફાયદો ઉઠાવતા હતા અને જેઓ ફક્ત પોતાની જ કાળજી કરતા હતા તેઓ વિરુદ્ધ નિર્દેશિત હતું.
મુદ્રાલેખ
ન્યાય
રૂપરેખા
1. દેશનો વિનાશ — 1:1-2:16
2. પ્રબોધકનું તેડું — 3:1-8
3. ઇઝરાયલનો ન્યાય — 3:9-9:10
4. પુનઃસ્થાપના — 9:11-15
1
યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે. તેણે કહ્યું,
યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે;
યરુશાલેમમાંથી પોકાર કરશે;
ભરવાડો શોકાતુર થઈ જશે,
અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.”
ઇઝરાયલના પડોશી દેશો સામે ઈશ્વરનો ચુકાદો-સિરિયા (દમસ્કસ)
યહોવાહ આ પ્રમાણે કહે છે;
દમસ્કસના ત્રણ ગુનાને લીધે,
હા ચાર ગુનાને લીધે,
હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ.
કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.
પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ,
અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.
વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ
અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ,
બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ;
અને અરામના લોકો* 1:5 રાજા કીરમાં ગુલામગીરીમાં જશે,”
એમ યહોવાહ કહે છે.
પલિસ્તીઓ
યહોવાહ આ પ્રમાણે કહે છે કે;
“ગાઝાના ત્રણ ગુનાને લીધે,
હા, ચારને લીધે,
તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ,
કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે,
તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.
હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ,
અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે.
હું આશ્દોદના બધા રહેવાસીઓને મારી નાખીશ,
અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ.
હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ,
અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,”
એવું પ્રભુ યહોવાહ કહે છે.
તૂર
યહોવાહ આ પ્રમાણે કહે છે;
તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે,
હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,
તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે,
અને સમગ્ર પ્રજાને અદોમને સોંપી દીધી.
10 હું તૂરની દીવાલોને આગ લગાડીશ,
અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે.”
અદોમ
11 યહોવાહ આ મુજબ કહે છે;
અદોમના ચાર ગુનાને લીધે,
હા ત્રણને લીધે,
હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ,
કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો,
અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો.
તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો,
અને તેનો રોષ કદી શમી ગયો નહિ.
12 હું તેમાન પર અગ્નિ મોકલીશ,
અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે.”
અદોમ
13 યહોવાહ આ પ્રમાણે કહે છે,
“આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ,
કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે
તેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.
14 પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ,
અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત,
અને વાવાઝોડાં તથા તોફાનસહિત,
તેના મહેલોને ભસ્મ કરશે.
15 તેઓનો રાજા પોતાના સરદારો સાથે
ગુલામગીરીમાં જશે,”
એમ યહોવાહ કહે છે.

*1:5 1:5 રાજા