9
મૂર્તિપૂજા માટે ઇઝરાયલને શિક્ષા
હે ઇઝરાયલ,
બીજા લોકોની જેમ આનંદ ન કર.
કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને
યહોવાહને વિશ્વાસુ નથી રહ્યો.
દરેક ખળીમાં તેં વેતન આપવા ચાહ્યું છે.
પણ ખળીઓ તથા દ્રાક્ષકુંડો તેઓનું પોષણ કરશે નહિ;
તેને નવા દ્રાક્ષારસની ખોટ પડશે નહિ.
તેઓ યહોવાહના દેશમાં રહી શકશે નહિ;
પણ એફ્રાઇમ ફરીથી મિસર જશે.
આશ્શૂરમાં તેઓ અપવિત્ર અન્ન ખાશે* 9:3 “મૂસાએ આપેલા નિયમ પ્રમાણે અમુક ખોરાક ઔપચારિક રીતે અશુદ્ધ છે અને તેથી તેને ખાવવું નહિ..
તેઓ યહોવાહને દ્રાક્ષારસના અર્પણો ચઢાવશે નહિ,
કે તેઓનાં અર્પણો તેઓને ખુશ કરશે નહિ.
તેઓનાં બલિદાનો શોક કરનારાઓનાં ખોરાક જેવાં થઈ પડશે.
જેઓ તે ખાશે તેઓ અપવિત્ર થશે.
કેમ કે તેઓનું અન્ન ફક્ત તેઓના પૂરતું છે;
તે યહોવાહના ઘરમાં દાખલ થશે નહિ.
તમે ઠરાવેલા પર્વના દિવસોમાં
એટલે યહોવાહના ઉત્સવોના દિવસોમાં શું કરશો?
કેમ કે, જો તેઓ વિનાશમાંથી જતા રહ્યા છે,
તોપણ મિસર તેઓને એકત્ર કરશે,
મેમ્ફિસ તેમને દફનાવશે.
તેઓના સુંદર ચાંદીના દાગીના
કાંટાળા છોડને હવાલે થશે,
તેઓના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.
શિક્ષાના દિવસો આવ્યા છે,
બદલો લેવાના દિવસો આવ્યા છે;
ઇઝરાયલ તે જાણશે;
તારા પુષ્કળ અન્યાયને કારણે
તારા મોટા વૈરને કારણે
“પ્રબોધક મૂર્ખ ગણાય છે,
અને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ઘેલો છે.”
પ્રબોધક જે મારા ઈશ્વરની સાથે છે તે એફ્રાઇમનો ચોકીદાર છે,
પણ તેના બધા માર્ગોમાં પક્ષીઓની જાળ છે,
તેના ઈશ્વરના ઘરમાં વૈર છે.
ગિબયાહના દિવસોમાં થયા હતા તેમ,
તેઓ અતિ ભ્રષ્ટ થયા છે.
ઈશ્વર તેઓના અપરાધોને યાદ કરીને,
તેઓનાં પાપોની સજા કરશે.
ઇઝરાયલનું પાપ અને પરિણામ
10 યહોવાહ કહે છે કે, “જેમ અરણ્યમાં દ્રાક્ષા મળે તે જ રીતે મને ઇઝરાયલ મળ્યું.
અંજીરીની મોસમમાં જેમ પ્રથમ અંજીર મળે તેમ મેં તમારા પૂર્વજોને જોયા.
પણ તેઓ બઆલ-પેઓર પાસે ગયા,
તેઓ શરમજનક વસ્તુને સમર્પિત થયા.
તેઓ પોતાની પ્રિય મૂર્તિઓના જેવા ધિક્કારપાત્ર થયા.
11 એફ્રાઇમની ગૌરવ પક્ષીની જેમ ઊડી જશે.
ત્યાં કોઈ જન્મ, કોઈ ગર્ભવતી અને કોઈ ગર્ભાધાન થશે નહિ.
12 જોકે તેઓ બાળકો ઉછેરે,
તોપણ એકપણ પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ.
જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ!
13 મેં તૂરને જોયું છે તેવી રીતે એફ્રાઇમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે,
પણ એફ્રાઇમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.”
14 હે યહોવાહ, તેઓને આપો. તમે તેઓને શું આપશો?
ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા દૂધ વગરનાં સ્તન તેઓને આપો.
ઈશ્વરને હાથે ઇઝરાયલનો ન્યાય
15 ગિલ્ગાલમાં તેઓનાં બધાં દુષ્ટ કાર્યોને કારણે.
ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો.
તેઓનાં દુષ્કૃત્યોને કારણે,
હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ.
હવે પછી હું તેઓના પર પ્રેમ નહિ રાખું.
તેઓના બધા સરદારો બંડખોર છે.
16 એફ્રાઇમ રોગગ્રસ્ત છે,
તેઓનું મૂળ સુકાઈ ગયું છે;
તેમને ફળ આવશે નહિ.
જોકે તેઓને સંતાન થાય,
તો પણ હું તેઓના વહાલાં સંતાનનો સંહાર કરીશ.
પ્રબોધક ઇઝરાયલ અંગે કહે છે
17 મારા ઈશ્વર તેઓને તરછોડી નાખશે
કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નથી.
તેઓ પરદેશીઓ મધ્યે ભટકનારા થશે.

*9:3 9:3 “મૂસાએ આપેલા નિયમ પ્રમાણે અમુક ખોરાક ઔપચારિક રીતે અશુદ્ધ છે અને તેથી તેને ખાવવું નહિ.