લૂકની લખેલી સુવાર્તા
લેખક
પ્રાચીન લેખકોની એકસમાન માન્યતા છે કે પુસ્તકનો લેખક લૂક વૈદ છે અને તેના લખાણ પરથી તે બીજી પેઢીનો ખ્રિસ્તી વ્યક્તિ જણાય છે. પરંપરાગત રીતે તેને બિનયહૂદી ગણવામાં આવે છે. તે આ સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યો પુસ્તક લખતો તથા મિશનરી કાર્યમાં પાઉલ સાથે જતો મૂળભૂત રીતે એક સુવાર્તા પ્રચારક વ્યક્તિ હતો. (ક્લોસ્સી 4:14; 2 તિમોથી 4:11; ફિલેમોન 24).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 80 ની આસપાસનો છે.
લૂકે તેના લખવાની શરૂઆત કાઈસારિયામાં કરી અને તેને રોમમાં પૂર્ણ કર્યું હતું. લખાણના ચાવીરૂપ સ્થળો બેથલેહેમ, ગાલીલ, યહૂદિયા તથા યરુશાલેમ હોય શકે છે.
વાંચકવર્ગ
લૂકનું પુસ્તક થિયોફિલને સમર્પિત છે જેના નામનો અર્થ ઈશ્વરપ્રેમી એવો થાય છે. એ સ્પષ્ટ નથી કે તે એક ખ્રિસ્તનો અનુયાયી હતો કે તે ખ્રિસ્તનો અનુયાયી બનવાનું વિચારતો હતો. લૂક તેને નેકનામદાર તરીકે ઓળખાવે છે (1:3) તે તથ્ય સૂચિત કરી શકે છે કે તે એક રોમન અધિકારી હતો. ઘણા પૂરાવાઓ બિનયહૂદી શ્રોતાગણ નિર્દેશિત કરે છે અને લૂકનું મુખ્ય ધ્યાન મનુષ્યપુત્ર તથા ઈશ્વરનું રાજ્ય એવી વ્યક્તિઓ પર કેન્દ્રિત હતું (5:24, 19:10, 17:20-21, 13:18).
હેતુ
હેતુ ઈસુનું જીવન વર્ણન કરવાનો છે. લૂક ઈસુને મનુષ્યપુત્ર તરીકે પ્રસ્તુત કરે છે. તેણે આ પુસ્તક થિયોફિલને લખ્યું કે જેથી જે બાબતો તેને શીખવવામાં આવી હતી તેની સંપૂર્ણ સમજ તે પ્રાપ્ત કરી શકે (1:4). સતાવણીના સમય દરમ્યાન, ઈસુના અનુયાયીઓમાં કશું જ ઉપદ્રવકારી કે વિચિત્ર ન હતું તે થિયોફિલને જણાવતાં લૂક ખ્રિસ્તી વિશ્વાસનો બચાવ કરી રહ્યો હતો.
મુદ્રાલેખ
ઈસુ સંપૂર્ણ મનુષ્ય
રૂપરેખા
1. ઈસુનો જન્મ તથા શરૂઆતનું જીવન — 1:5-2:52
2. ઈસુના સેવાકાર્યની શરૂઆત — 3:1 – 4:13
3. ઉદ્ધારના નિર્માતા ઈસુ — 4:14-9:50
4. ઈસુનું વધસ્તંભ પ્રતિ પ્રયાણ — 9:51-19:27
5. યરુશાલેમમાં ઈસુનો વિજયવંત પ્રવેશ, ક્રૂસારોહણ અને જીવનોત્થાન — 19:28-24:53
1
પ્રસ્તાવના
આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે, આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાંએ સ્વીકાર્યું છે; માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું, કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.
યોહાન બાપ્તિસ્તનાં જન્મની આગાહી
યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું. તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં. તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.
તે છતાં ઝખાર્યા પોતાના યાજક વર્ગના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો, એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો. 10 ધૂપ સળગાવતા સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.
11 તે સમય દરમિયાન યજ્ઞવેદીની જમણી બાજુમાં જ્યાં ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો. 12 સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. 13 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.
14 તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે; 15 કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.
16 તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવાહ તરફ ફેરવશે. 17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.
18 ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’ ” 19 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’ ” 20 એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
21 લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા. 22 તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઇશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ. 23 તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.
24 તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે, 25 ‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’ ”
ઈસુના જન્મની જાહેરાત
26 છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. 27 દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. 28 સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’ 29 પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!
30 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31 જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. 32 તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33 તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’ ”
34 મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’ ” 35 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.
36 જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37 ‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’ 38 મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો. 39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
મરિયમ એલિસાબેતને મળવા જાય છે
40 ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. 41 એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
42 તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ 43 એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44 કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45 જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
મરિયમનું સ્તુતિગાન
46 મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47 અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48 કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49 કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 50 જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે. 51 તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે. 52 તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે. 53 તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે. 54 આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર 55 સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’ ”
56 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.
યોહાન બાપ્તિસ્તનો જન્મ
57 હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો. 58 તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓએ તેની સાથે આનંદ કર્યો.
59 આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા; 60 પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’ ”
61 તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’ ” 62 તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’ ” 63 તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’ ”
64 તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. 65 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી. 66 જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
ઝખાર્યાનું પ્રબોધ
67 તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે, 68 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. 69 જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, 70 તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે, 71 એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે; 72 એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે, 73 એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે; 74 એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ 75 પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ. 76 અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે, 77 તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે. 78 અને આપણી માફી એ માટે થઈ કેમ કે આપણા ઈશ્વરની ઘણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઊગતાં સૂર્ય સમાન આપણી પાસે આવે છે, 79 એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.
80 પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાનાં દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.