2
રૂથ બોઆઝના ખેતરમાં કણસલાં વીણે છે
નાઓમીના પતિ અલીમેલેખનો એક સંબંધી, બોઆઝ, ખૂબ શ્રીમંત માણસ હતો. અને મોઆબી રૂથે નાઓમીને કહ્યું, “મને અનાજ લણાયા પછી રહી ગયેલાં કણસલાં એકત્ર કરવા ખેતરમાં જવા દે. મારા પર જેની કૃપાદ્રષ્ટિ થાય તેના ખેતરમાં હું જઈશ. “અને તેણે તેને કહ્યું કે “મારી દીકરી જા.”
રૂથ ગઈ અને ખેતરમાં આવીને તે પાક લણનારાઓની પાછળ કણસલાં વીણવા લાગી. અને જોગાનુજોગ અલીમેલેખના સંબંધી બોઆઝના ભાગનું એ ખેતર હતું. જુઓ, બોઆઝે બેથલેહેમથી આવીને લણનારાઓને કહ્યું, “ઈશ્વર તમારી સાથે હો. “અને તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, “ઈશ્વર તને આશીર્વાદ આપો.”
પછી બોઆઝે લણનારાઓ પર દેખરેખ રાખવા નીમેલા ચાકરોને પૂછ્યું કે, “આ કોની સ્ત્રી છે?” ત્યારે લણનારાઓ પર દેખરેખ રાખનારા ચાકરે ઉત્તર આપ્યો, “એ સ્ત્રી તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી સ્ત્રી છે.” તેણે મને કહ્યું, ‘કૃપા કરી મને લણનારાઓની પાછળ પૂળીઓ બાંધતાં રહી ગયેલાં કણસલાં વીણવા દે. ‘તે અહીં આવીને સવારથી તો અત્યાર સુધી સતત કણસલાં વીણવાનું કામ કરતી રહી છે, ફક્ત હમણાં જ ઘરમાં આરામ કરવા આવી છે.”
ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “મારી દીકરી, શું તું મને સાંભળે છે? હવે પછી મારું ખેતર મૂકીને બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ. પણ અહીં જ રહેજે અને મારા ત્યાં કામ કરતી સ્ત્રીઓની સાથે જ રહીને કામ કરજે. જે ખેતરમાં તેઓ લણે છે તેમાં રહેલા અનાજ પર જ તારી નજર રાખજે અને એ સ્ત્રીઓની પાછળ ફરજે. અહીંના જુવાનો તને કશી હરકત ના કરે એવી સૂચના મેં તેઓને આપી છે. અને જયારે તને તરસ લાગે જુવાનોએ પાણીથી ભરી રાખેલાં માટલાં પાસે જઈને તેમાંથી પાણી પીજે.”
10 ત્યારે રૂથે દંડવત્ પ્રણામ કરીને તેને કહ્યું, “હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારા પર આટલી બધી કૃપાદ્રષ્ટિ કરીને શા માટે મારી કાળજી રાખો છો.” 11 અને બોઆઝે તેને ઉત્તર આપ્યો, “તારા પતિના મૃત્યુ પછી તારી સાસુ સાથે તેં જે સારો વર્તાવ રાખ્યો છે અને તારા પિતા, માતા અને જન્મભૂમિને છોડીને તારે માટે અજાણ્યા હોય એવા લોકોમાં તું રહેવા આવી છે તે વિશેની વિગતવાર માહિતી મને મળી છે. 12 ઈશ્વર તારા કામનું ફળ તને આપો. જે ઇઝરાયલના ઈશ્વરની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તે ઈશ્વર તરફથી તને પૂર્ણ બદલો મળો.”
13 પછી તેણે કહ્યું, “મારા માલિક, મારા પર કૃપાદ્રષ્ટિ રાખો; કેમ કે તમે મને દિલાસો આપ્યો છે અને જો કે હું તમારી દાસીઓમાંની એકયના જેવી નથી છતાં તમે મારી સાથે માયાળુપણે વાત કરી છે.”
14 ભોજન સમયે બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવીને રોટલી ખા અને તારો કોળિયો દ્રાક્ષારસના સરકામાં બોળ. “ત્યારે લણનારાઓની પાસે તે બેઠી; અને તેમણે તેને પોંક આપ્યો. તે ખાઈને તે તૃપ્ત થઈ અને તેમાંથી થોડો વધ્યો.
15 જયારે તે કણસલાં વીણવા ઊઠી, ત્યારે બોઆઝે પોતાના માણસોને આજ્ઞા આપી કે, “એને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો, તેને ધમકાવતા નહિ. 16 અને પૂળીઓમાંથી કેટલુંક પડતું મૂકીને તેને તેમાંથી તેને કણસલાં વીણવા દેજો. તેને કનડગત કરશો નહિ.”
17 તેણે સાંજ સુધી ખેતરમાં કણસલાં વીણ્યાં. પછી વીણેલાં કણસલાંને તેણે મસળ્યા તેમાંથી આશરે એક એફાહ લગભગ વીસ કિલો જવ નીકળ્યા. 18 તે લઈને તે નગરમાં ગઈ. ત્યાં તેની સાસુએ તેનાં વીણેલાં કણસલાં જોયાં. રૂથે પોતાના બપોરના ભોજનમાંથી જે પોંક વધ્યો હતો તે પણ રૂથે તેને આપ્યો.
19 ત્યારે તેની સાસુએ તેને કહ્યું, “આજે તેં, ક્યાંથી કણસલાં વીણ્યાં? અને તું ક્યાં કામ કરવા ગઈ હતી? જેણે તારી મદદ કરી તે આશીર્વાદિત હો.” અને જેની સાથે તેણે કામ કર્યું હતું તે ખેતરના માલિક વિષે પોતાની સાસુને તેણે કહ્યું કે, “જેના ખેતરમાં મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે.” 20 નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું,” જે ઈશ્વરે, જીવતાં તથા મૃત્યુ પામેલાંઓ પ્રત્યે પોતાની વફાદારી ત્યજી દીધી નથી તે ઈશ્વરથી તે માણસ, આશીર્વાદિત થાઓ.” વળી નાઓમીએ તેને કહ્યું, “એ માણસને આપણી સાથે સગાઈ છે, તે આપણો નજીકનો સંબંધી છે.”
21 ત્યારે મોઆબી રૂથે કહ્યું, “વળી તેણે મને કહ્યું, મારા જુવાનો મારી બધી કાપણી પૂરી કરે ત્યાં સુધી તારે મારા જુવાન મજૂરો પાસે રહેવું.” 22 ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધૂ રૂથને કહ્યું, “મારી દીકરી, એ સારું છે કે તું તેની જુવાન સ્ત્રીઓ સાથે જા, જેથી બીજા કોઈ ખેતરવાળા તને કનડગત કરે નહી.”
23 માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે કણસલાં વીણવા માટે બોઆઝની સ્ત્રી મજૂરો પાસે રહી; અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.