કલોસ્સીઓને પત્ર
1
ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હું પ્રેરિત છું. કારણ કે દેવ જ તેમ ઈચ્છતો હતો. ખ્રિસ્તમાં આપણા ભાઈ તિમોથી તરફથી પણ સલામ.
કલોસ્સામાં રહેતા ખ્રિસ્તમાં આપણા પવિત્ર અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને આપણા દેવ બાપ તરફથી કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
હંમેશા અમે અમારી પ્રાર્થનામાં તમારે સારું દેવનો આભાર માનીએ છીએ. દેવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે. અમે દેવનો આભાર માનીએ છીએ કારણ કે તમે જે વિશ્વાસ ખ્રિસ્ત ઈસુમાં ધરાવો છો અને દેવના સર્વ સંતો માટે તમને જે પ્રેમ છે તેના વિષે અમે સાભંળ્યું છે. તમને ખ્રિસ્તમાં વિશ્વાસ છે. તમારી આશાને કારણે તમે દેવના સંતોને પ્રેમ કરો છો. તમે જાણો છો કે જે વસ્તુની તમે આશા રાખો છો, તે આકાશમાં સલામત છે. તમે તેની આશા જાણવા આવ્યા છો. જ્યારે તમે સત્યના ઉપદેશને સાંભળ્યો, સત્ય સંદેશ એ જ સુર્વાતા છે. જ્યારે તમને સુવાર્તા આપવામાં આવી ત્યારે સુવાર્તા આશીર્વાદ વરસાવી રહી છે. જ્યારે તમે તે સુવાર્તા પ્રથમ સાંભળી અને દેવની કૃપાની (દયા) સત્યતા તમે સમજયા તે સમયે પણ આમ જ બન્યું હતું. એપાફ્રાસ પાસેથી તમે દેવની કૃપા વિષે જાણ્યું. એપાફ્રાસ અમારી સાથે જ કાર્ય કરે છે, અને અમે તેને ચાહીએ છીએ. તે અમારા માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. પવિત્ર આત્મા તરફથી તમને જે પ્રેમ પ્રાપ્ત થયો છે તે પણ એપાફ્રાસે અમને જણાવ્યું છે.
જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:
 
કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.
 
પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે.
જ્યારે આપણે ખ્રિસ્ત તરફ દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે આપણે દેવને નિહાળીએ છીએ
15 કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી.
પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ,
જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે.
16 તેના સાર્મથ્ય વડે દરેક વસ્તુનું સર્જન કરવામાં
આવ્યું-આકાશની વસ્તુઓ, પૃથ્વીની વસ્તુઓ, દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓ,
સમગ્ર આત્મીય સત્તા, અધિકારીઓ,
દરેક વસ્તુનું સર્જન ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ કરવામાં આવ્યું.
 
17 કોઈ પણ વસ્તુના સર્જન પહેલા ખ્રિસ્ત હતો.
અને તેના જ કારણે દરેક વસ્તુમાં સાતત્ય છે.
18 ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે.
તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે;
કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.
 
19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો.
20 દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો
પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ.
દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી.
 
21 એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા. મનમાં તો તમે દેવના શત્રું હતા, કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુંદ્ધ હતું. 22 પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે. જ્યારે તે તેના શરીરમાં હતો, ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે. 23 જો તમે સાંભળેલ સુવાર્તામાં વિશ્વાસ ધરાવતા રહેશો, તો ખ્રિસ્ત આમ કરશે. તમારે તમારા વિશ્વાસમાં સ્થાપિત અને દ્રઢ બનવાનું ચાલુ રાખવું જોઈએ. સુવાર્તાએ જે આશા તમને પ્રદાન કરી છે તેમાંથી તમારે કદાપિ ચલિત થવું જોઈએ નહિ. અને તે સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થઈ છે. હું પાઉલ, તે સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરું છું.
મંડળી માટે પાઉલનું કાર્ય
24 તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર, મંડળી, દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર, મંડળી માટે યાતના સહું છું. 25 દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપેલું તેથી હું મંડળીનો સેવક બન્યો. આ કાર્ય તમને મદદરૂપ થવાનું છે. મારું કાર્ય સંપૂર્ણપણે દેવની વાત જણાવવાનું છે. 26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે. 27 તેના લોકો આ સમૃદ્ધિ અને મહિમાનું સત્ય જાનો તેવો નિર્ણય દેવે કર્યો. તે મહિમાની આશા તમામ લોકો માટે છે. તે સત્ય જે તમારામાં છે, તે ઈસુ ખ્રિસ્ત પોતે જ છે જે મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બધા જ લોકોને અમે દેવ સમક્ષ એવા પ્રસ્તુત કરવા માંગીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં આત્મિક રીતે સંપૂર્ણ થયેલા છે. 29 આમ કરવા માટે, ખ્રિસ્તે મને પ્રદાન કરી છે તે મહાન શક્તિનો હું કાર્ય અને સંઘર્ષ કરવામાં ઉપયોગ કરું છું. તે શક્તિ મારા જીવનમાં કાર્યાન્વિત બની છે.