10
મહોર મારેલા કરાર પર:
 
હખાલ્યાનો પુત્ર પ્રશાશક નહેમ્યા અને સિદકિયાના નામ છે; સરાયા, અઝાર્યા, યમિર્યા; પાશહૂર, અમાર્યા, માલ્કિયા, હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ, હારીમ મરેમોથ ઓબાદ્યા, દાનિયેલ, ગિન્નથોન, બારૂખ, મશુલ્લામ, અબિયા, મીયામીન માઆઝયા, બિલ્ગાય, અને શમાયા; આ બધા યાજકો છે.
 
અને લેવીઓ:
 
યેશૂઆ, તે અઝાન્યાનો પુત્ર, બિન્નૂઇ, હેનાદાદના પુત્રોમાંનો એક કાદ્મીએલ, 10 અને તેમના સગાંવહાંલા, શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન, 11 મીખા, રહોબ, હશાબ્યા, 12 ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા, 13 હોદિયા, બાની અને બનીનુ,
 
14 લોકોના આગેવાન:
 
પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની, 15 બુન્ની, આઝગાદ, બેબાય, 16 અદોનિયા, બિગ્વાય, આદીન, 17 આટેર, હિઝિક્યા, અઝઝૂર, 18 હોદિયા, હાશુમ, બેસાય, 19 હારીફ, અનાથોથ, નેબાય, 20 માગ્પીઆશ, મશૂલ્લામ, હેઝીર, 21 મશેઝાબએલ, સાદોક, યાદૂઆ, 22 પલાટયા, હાનાન, અનાયા, 23 હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, 24 હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, 25 રહૂમ, હશાબ્નાહ, માઅસેયા, 26 અહિયા, હાનાન, આનાન, 27 માલ્લૂખહારીમ તથા બાઅનાહ.
 
28 બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, મંદિરના સેવકો અને તે દરેક જેણે ભૂમિના લોકોથી પોતાને જુદા પાડ્યાં હતાં, તેમની પત્નીઓ, તેમના પુત્રો, અને પુત્રીઓ સાથે અને જેમનામાં જ્ઞાન અને સમજણ છે. 29 તેઓએ પોતાના સગાંવહાંલા અને ઉમરાવો સાથે મળીને, દેવના નિયમ પ્રમાણે ચાલવાના સમ ખાધા, જે દેવના સેવક મૂસાએ આપ્યા હતા કે, અમે યહોવા અમારા દેવની આજ્ઞા અને નિયમોનું આદેશ અનુસાર પાલન કરીશું અને તેમના હુકમોને માનીશું.
30 “અમે અમારી પુત્રીઓ બીજી ભૂમિના લોકોને આપીશું નહિ, તેમ તેમની પુત્રીઓ અમારા પુત્રો માટે લઇશું નહિ.
31 “વળી જો ભૂમિના લોકો કંઇ વેચવા માટે અથવા અનાજ લાવશે, તો અમે તે સાબ્બાથના દિવસે કે બીજા કોઇ પવિત્ર દિવસે ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વષેર્ અમે ભૂમિને ખેડશું નહિ અને અમારું બધું લેણું માફ કરીશું.
32 “અમે અમારા પોતાના દેવના મંદિરની પૂરતી કાળજી રાખવા માટે પ્રતિવર્ષ 1/3 શેકેલ* આપવાનો નિયમ કર્યો. 33 પવિત્ર રોટલી, નિત્યના ખાદ્યાર્પણો માટે, નિત્યના દહનાર્પણો માટે, સાબ્બાથ અને ચંદ્રદર્શન માટે, તે ઉત્સવો માટે જે ઉજવવા માટે અમને નિયમશાસ્રમાં જણાવાયું છે, અને પવિત્ર અર્પણો માટે પૈસાની જરૂર છે, આ ઇસ્રાએલ માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાપણો અને દેવના મંદિરનાં સર્વ કામો કરવા માટે જરૂરી છે.
34 “ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.
35 “અમે પ્રતિવર્ષ, અમારી ભૂમિનો પ્રથમ પાક અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાના મંદિરમાં લાવવા માટે નિયમ પણ બનાવીએ છીએ.
36 “વળી, નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારાં પુત્રોમાંના પ્રથમજનિત, અને પશુઓ અને ઢોરઢાંખરનાઁ તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાના મંદિરમાં, અમારા દેવના મંદિરનાં યાજકો પાસે લાવીશું.
37 “અમે અમારા યાજકોને તથા દેવનાં મંદિરની ઓરડીમાં અમારા બાંધેલા લોટનો પહેલો ભાગ, અને દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલનું અર્પણ લાવીશું. વળી અમારી ભૂમિની પેદાશમાંથી પ્રત્યેક વસ્તુનો દશમો ભાગ અમે લેવીઓ માટે લાવીશું. કારણ કે અમારા સર્વ દેશના નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે. 38 અમારા બધાં ખેતીવાડીવાળાં ગામોમાંથી ઊપજનો દશમો ભાગ ઉઘરાવવા આવનાર લેવીઓને અમારી જમીનની ઊપજનો દશમો ભાગ આપીશું. દશમો ભાગ ઉઘરાવતી વખતે હારુનના વંશના એક યાજક લેવીઓની સાથે રહેશે, અને લેવીઓએ ઉઘરાવેલા દશમા ભાગનો દશમો ભાગ દેવના મંદિરનાં ભંડારમાં લઇ જશે અને એક ઓરડામાં મુકશે. 39 તેથી ઇસ્રાએલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલ વગેરે ભંડારના ઓરડાઓમાં લાવવાં, જ્યાં મંદિરની સેવાની સામગ્રી રાખવામાં આવે છે, અને જ્યાં તે વખતે સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે.
“આમ અમે સૌ અમારા દેવનાં મંદિરની અવગણના નહિ કરીએ.”
* 10:32 1/3 શેકેલ લગભગ 4 ગ્રામ. 10:33 પવિત્ર રોટલી આ પવિત્ર રોટલી તે મંદિરમાં લેવાતી ખાસ રોટલી હતી, આ રોટલી કેવી રીતે બનાવાતી હતી અને કેવી રીતે વપરાતી હતી તે લેવીય. 24:5-9 વિભાગમાં સમજાવવામાં આવ્યું છે. આ રોટલી ‘દાઉદ અને તેના લોકો’ 1 શમુએલ 21:1-6 માટે પણ મહત્વની હતી.