7
લગ્નનું દૃષ્ટાંત
ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે. હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.
એ જ પ્રમાણે, મારા ભાઈઓ તથા બહેનો, ખ્રિસ્તના શરીરની સાથે જ તમારા જૂના શરીરનું મૃત્યુ થયું છે. હવે તમે નિયમના બંધનમાંથી મુક્ત થયા છો. હવે તમે એક માત્ર એવા ખ્રિસ્તના શિષ્ય થયા છો, જે મૃત્યુમાંથી ઊભો થયો હતો. હવે આપણે ખ્રિસ્તના શિષ્ય થયા છીએ. જેથી કરીને દેવની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે. ભૂતકાળમાં તો આપણે જ્યારે દૈહિક હતા, ત્યારે પાપ વાસનાઓને આધીન હતા. અને આપણે જે પાપ કર્યા તે આપણા માટે આધ્યાત્મિક મૃત્યુ નોતરતા હતા. ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.
પાપની વિરૂદ્ધ આપણે સંઘર્ષ
ત્યારે આપણે શું કહીએ, શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ના હોત, કારણ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ના હોત. “તમારે બીજાઓની માલિકીની વસ્તુઓની ઈચ્છા કરવી જોઈએ નહિ.” પણ પાપને તક મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારની અનિષ્ટ ઈચ્છાઓ પૂર્ણ કરવા મને લલચાવ્યો. મારામાં પાપ પેઠું. કારણ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું. 10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો. 11 મને પાપે આજ્ઞાનો ઉપયોગ કરી મૂર્ખ બનાવવાનો રસ્તો શોધ્યો. પાપે મારા આત્મિક મરણને માટે આજ્ઞાનો ઉપયોગ કર્યો.
12 આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે. 13 તો આનો અર્થ શું એવો થાય કે જે કઈક સારું છે તે જ મારા માટે મૃત્યુ લાવ્યું? ના! પરંતુ પાપે જે મારું મૃત્યુ લાવી શકે તેવા સારાપણાનો ઉપયોગ કર્યો. આમ એટલા માટે બન્યું કે પાપનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ શકે. અને તેના બધા અનિષ્ટોમાં પાપ બતાવી શકાય આ બધું આજ્ઞા દ્વારા જ થયું હતું.
માનવ (હૃદય) માં સંઘર્ષ
14 આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે. પરંતુ હું આધ્યાત્મિક નથી. જાણે કે હું તેનો સેવક હોઉં તેમ પાપ મારા પર સત્તા ચલાવે છે. 15 હું જે કોઈ કામો કરું છું, તે સમજી શકતો નથી. તેથી જે સારાં કામો કરવાની મારી ઈચ્છા છે, તે હું કરી શકતો નથી. અને જે ખરાબ કામો કરવાનું હું ધિક્કારું છું તે હું કરું છું. 16 ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે. 17 પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે. 18 હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી. 19 મારે જે સારાં કામો કરવાં છે તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ કામો જે મારે નથી કરવાં તે મારાથી થઈ જાય છે. 20 તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે.
21 તેથી મેં આ સિદ્ધાંત શોધ્યો. જ્યારે હું સારું કરવા ઈચ્છું છું ત્યારે ભૂડું જ ઉપલબ્ધ હોય છે. 22 દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું. 23 પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે. 24 તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે? 25 દેવ જ મને બચાવશે! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું તેનો આભાર માનું છું!
આમ મારા મનમાં હું મારી જાતે દેવના નિયમને અનુસરું છું. પણ મારા પાપમય સ્વભાવથી હું પાપના નિયમનો દાસ છું.