38
ગોગનું ઇઝરાયલ સામે આક્રમણ અને ઇશ્વરથી તેનો નાશ
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું, “હે મનુષ્યપુત્ર, માગોગ દેશનો ગોગ, જે મેશેખ તથા તુબાલનો મુખ્ય સરદાર છે તેની તરફ તારું મુખ ફેરવ અને તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કર. તેને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.
હું તને પાછો ફેરવીશ અને તારા જડબામાં આંકડી નાખીને તને બહાર ખેંચી કાઢીશ અને તારાં સર્વ સૈન્ય, ઘોડા, ઘોડેસવારો, પૂરા શસ્ત્રસજ્જ, નાનીમોટી ઢાલોથી સજ્જ થયેલો મોટો સમુદાય, જેમાંના બધા હાથમાં તલવારો છે તેઓ, તેઓની સાથે ઇરાન, કૂશ તથા પૂટના માણસો બધા ઢાલ તથા ટોપથી સજ્જ છે. ગોમેર તથા તેના સર્વ સૈનિકો, ઉત્તરનો ઘણો દૂરનો ભાગ બેથ તોગાર્મા તથા તેનું આખું સૈન્ય! ઘણાં લોકો પણ તારી સાથે છે તે બધાંને હું બહાર કાઢીશ.
તૈયારી કર, હા, તું તથા તારી સાથે એકત્ર થયા છે તેઓને તૈયાર કરીને, તું તેઓનો સેનાપતિ થા. લાંબા સમય પછી તને યાદ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું તલવારથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા લોકોના દેશમાં, એટલે ઇઝરાયલના ઉજ્જડ પડેલા પર્વતો પર આવશે. પણ દેશના લોકોને વિદેશીઓમાંથી બહાર કાઢી લાવેલા છે, તેઓ નિર્ભય રહેશે! તું, તારું સઘળું સૈન્ય તથા તારી સાથેના ઘણા સૈનિકો આવશે, તું તોફાનની જેમ આવશે, દેશમાં વાદળની જેમ છવાઈ જશે.
10 પ્રભુ યહોવાહ આમ કહે છે; તે સમયે તારા મનમાં કેટલાક વિચારો આવશે અને તું દુષ્ટ યોજના યોજીને.’ 11 તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું. 12 કે જેથી હું તેઓને લૂંટી લઉં તથા પકડી લઉં, જે ઉજ્જડ નગરોમાં વસ્તી થયેલી છે, પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા લોકો જેઓને જાનવર તથા મિલકત પ્રાપ્ત કરવામાં આવેલા છે અને જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે તેઓના વિરુદ્ધ હું મારો હાથ લાવું.
13 શેબા, દેદાન, તાર્શીશના વેપારીઓ તથા તેઓના જુવાન યોદ્ધાઓ તને પૂછશે, ‘શું તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી, જાનવરો તથા સંપત્તિ લઈ જવાને, ભારે લૂંટ કરવાને તારું સૈન્ય એકત્ર કર્યું છે?’ ”
14 તેથી હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને ગોગને કહે, પ્રભુ યહોવાહ કહે છે: જ્યારે મારા ઇઝરાયલી લોકો સુરક્ષિત રહેશે, તે દિવસે તને ખબર નહિ પડે. 15 તું ઉત્તરના સૌથી દૂર આવેલા સ્થાનેથી આવશે, તું તથા મોટું સૈન્ય, સર્વ ઘોડેસવાર મોટો સમુદાય થઈને તથા મોટું સૈન્ય બનીને આવશે. 16 તું મારા ઇઝરાયલી લોકો ઉપર દેશને ઢાંકી દેનાર વાદળની જેમ ચઢી આવશે. પાછલા દિવસોમાં હું તને મારા દેશની વિરુદ્ધ મોકલીશ, ત્યારે ગોગ મારી પવિત્રતા જોશે અને પ્રજાઓ મને જાણશે.
ગોગને ઈશ્વરની સજા
17 પ્રભુ યહોવાહ આમ કહે છે: મારા સેવકો, ઇઝરાયલના પ્રબોધકો, જેઓ તે સમયે એવું ભવિષ્ય કહેતા હતા કે વર્ષો સુધી હું તને તેઓના પર આક્રમણ કરાવીશ, તેઓની મારફતે પ્રાચીન કાળમાં હું જેના વિષે બોલ્યો હતો તેઓમાંનો તું એક નથી? 18 યહોવાહ મારા પ્રભુ કહે છે: તે દિવસે, જ્યારે ગોગ ઇઝરાયલ પર હુમલો કરશે, ત્યારે મારા રોષનો ધુમાડો ઊંચે ચઢીને મારા નસકોરામાં પેસશે.
19 મારા રોષમાં તથા મારા ક્રોધાગ્નિમાં હું પ્રતિજ્ઞા કરું છું કે, તે દિવસે ઇઝરાયલમાં ભયંકર ધરતીકંપ થશે. 20 સમુદ્રની માછલીઓ, આકાશના પક્ષીઓ, જંગલનાં પશુઓ તથા પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરનાં બધાં માણસો મારી આગળ ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે અને ખડકો ધસી પડશે અને ભીંત પડીને જમીનદોસ્ત થઈ જશે.
21 કેમ કે હું તલવારને આજ્ઞા આપીને મારા સર્વ પર્વતો પર તેની વિરુદ્ધ બોલાવીશ, એવું પ્રભુ યહોવાહ કહે છે; ‘દરેક માણસની તલવાર તેના ભાઈની વિરુદ્ધ થશે. 22 હું મરકી, લોહી, પૂર તથા અગ્નિના કરાથી તેને શિક્ષા કરીશ. હું તેની ઉપર તેના સૈન્ય ઉપર, તેની સાથેના બધા લોકો ઉપર ગંધક વરસાવીશ. 23 “હું મારું માહાત્મય તથા મારી પવિત્રતા બતાવીશ અને ઘણી પ્રજાઓની દ્રષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”