10
ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે.
તેણે ફળની અધિકતા પ્રમાણે,
વધારે અને વધારે વેદીઓ બાંધી છે.
તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં,
તેણે સુશોભિત પવિત્રસ્તંભો બનાવ્યા છે.
તેઓનું હૃદય કપટી છે;
હવે તેઓ પોતાના અપરાધની સજા ભોગવશે.
યહોવાહ તેઓની વેદીઓ તોડી નાખશે;
તે તેઓનાં ભજનસ્તંભોનો નાશ કરશે.
કેમ કે હવે તેઓ કહેશે,
“અમારે કોઈ રાજા નથી,
કેમ કે અમે યહોવાહનો ભય રાખતા નથી.
અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે?”
તેઓ મિથ્યા વચનો બોલે છે
કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે.
તેઓના ચુકાદાઓ
ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડ જેવા હોય છે.
બેથ-આવેનના વાછરડીઓને કારણે,
સમરુનના લોકો ભયભીત થશે.
કેમ કે તેના માટે શોક કરે છે,
તેઓના દબદબાને લીધે,
વ્યભિચારી યાજકો આનંદ કરતા હતા,
પણ તેઓ ત્યાં રહ્યા નથી.
કેમ કે મહાન રાજાને માટે બક્ષિસ તરીકે
તેને* આશ્શૂર લઈ જવામાં આવશે.
એફ્રાઇમ બદનામ થશે,
ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.
પાણીની સપાટી પરના લાકડાના પાટિયાની જેમ,
સમરુનનો રાજા
નાશ પામ્યો છે
ઇઝરાયલના પાપના કારણે
ભક્તિસ્થાનો નાશ પામશે.
તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે.
લોકો પર્વતોને કહેશે કે, “અમને ઢાંકી દો!”
અને ડુંગરોને કહેશે કે, અમારા પર પડો!”
ઈશ્વર ઇઝરાયલ સામે ચુકાદો જાહેર કરે છે
“ઇઝરાયલ,
ગિબયાહના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે;
શું ગિબયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ સામે યુદ્ધ કરવું ન પડે એ મતલબથી
તેઓ ત્યાં પડી રહ્યા છે!
10 મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ.
જ્યારે તેઓ પોતાના બે અન્યાયને કારણે બંધનમાં હશે
ત્યારે પ્રજાઓ તેઓની વિરુદ્ધ એકત્ર થશે.
11 એફ્રાઇમ એક તાલીમ પામેલી વાછરડી કે જેને અનાજ મસળવાના ખળામાં ફરવાનું ગમે છે તેના જેવો છે,
મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી મૂકી છે.
હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ;
યહૂદા ખેડશે;
યાકૂબ કઠણ જમીન તોડશે.
12 પોતાને સારુ નેકી વાવો,
વિશ્વાસનીયતાનાં ફળ લણો.
તમારી પડતર જમીન ખેડો,
કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી,
યહોવાહને શોધવાનો સમય છે.
13 તમે દુષ્ટતા ખેડી છે;
તમે અન્યાયના ફળની કાપણી કરી છે.
તમે કપટનાં ફળ ખાધાં છે.
કેમ કે તેં તારી યોજનાઓ પર,
તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે.
14 તારા લોકો મધ્યે કોલાહલ થશે,
જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલનો નાશ કર્યો,
તેમ તારા કિલ્લેબંધ નગરોનો નાશ થશે.
માતાઓ તેઓનાં બાળકોને પછાડીને તેઓના ચૂરેચૂરા કરશે.
15 કેમ કે, તારી અતિશય દુષ્ટતાને કારણે,
હે બેથેલ, તારી સાથે પણ એવું જ કરશે.
જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇઝરાયલના રાજાનો સંપૂર્ણ નાશ થઈ જશે.
* 10:6 10:6 લાકડાની મૂર્તિ