3
અયૂબની અંતરવેદના
એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો.
અયૂબે કહ્યું;
“જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે;
તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો,
તે દિવસે અજવાળું ન થાઓ.
તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ;
તે પર વાદળ ઠરી રહો;
તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો.
તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો,
વર્ષના દિવસોમાં તે ન ગણાઓ,
મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય.
તે રાત્રી એકલવાયી થઈ રહો,
તે રાત્રે કંઈ હર્ષનાદ ન થાઓ.
તે દિવસને શાપ દેનારા,
તથા જેઓ વિકરાળ પ્રાણી અજગરને જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.
તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,
તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ;
તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ.
10 કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ.
અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ.
11 હું ગર્ભસ્થાનમાં જ કેમ ન મરી ગયો?
જનમતાં જ મેં પ્રાણ કેમ ન છોડ્યો?
12 તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો.
અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું?
13 કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત,
હું ઊંઘતો હોત અને મને આરામ હોત.
14 પૃથ્વીના જે રાજાઓ અને મંત્રીઓએ,
પોતાને વાસ્તે તેઓની સાથે એકાંત નગરો બાંધ્યાં હતાં;
15 જે ઉમરાવો સોનાના માલિક હતા,
તથા ચાંદીથી પોતાનાં ઘરો ભરી દીધેલાં છે તેઓની સાથે,
16 કદાચ હું અધૂરો ગર્ભ હોત,
તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ;
17 ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે
ત્યાં થાકેલાં આરામ પામે છે.
18 ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે.
ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.
19 બધા જ લોકો ત્યાં સમાન છે.
ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.
20 દુ:ખી આત્માવાળાને પ્રકાશ,
અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે?
21 તેઓ મરવાની ઇચ્છા રાખે છે.
છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી.
22 જ્યારે તેઓ કબરમાં જાય છે,
ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે.
23 જેનો માર્ગ ઘેરાઈ ગયો છે,
અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે?
24 કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે.
અને મારો વિલાપ પાણીની જેમ રેડાય છે.
25 કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે.
જેનો મને ભય છે તે જ મને મળે છે.
26 મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી;
પણ વેદના આવી પડ્યા કરે છે.”