15
સામસૂનનાં પરાક્રમ
કેટલાક દિવસો પછી, ઘઉંની કાપણીના સમયમાં, સામસૂન એક લવારું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો. તેણે પોતાને કહ્યું, “હું મારી પત્નીની ઓરડીમાં જઈશ.” પણ તેના પિતાએ તેને અંદર જવાની પરવાનગી આપી નહિ. તેના પિતાએ કહ્યું, “મને નિશ્ચે લાગ્યું કે તું તેને ધિક્કારે છે, તેથી મેં તેને તારા મિત્રને આપી દીધી. તેની નાની બહેન શું તેના કરતા વધારે સુંદર નથી? તેના બદલે તેને લે.”
સામસૂને તેઓને કહ્યું, “આ સમયે હું પલિસ્તીઓને કંઈ ઉપદ્રવ કરું તો તે વિષે હું નિર્દોષ ઠરીશ.” સામસૂન ચાલ્યો ગયો તેણે ત્રણસો શિયાળ પકડયાં અને મશાલો લઈને બબ્બે શીયાળોની પૂંછડીઓ ભેગી કરીને બબ્બે પૂંછડીઓ વચ્ચે એક એક મશાલ બાંધી.
પછી તેણે મશાલો સળગાવી, અને તેણે શિયાળોને પલિસ્તીઓના ઊભા પાકમાં છોડી મૂકી. અને તેઓએ પૂળા અને ઊભા પાકને જૈતૂનવાડીઓ સહિત બાળી મૂક્યાં. પલિસ્તીઓએ પૂછ્યું, “આ કોણે કર્યું છે?” તેઓને કહેવામાં આવ્યું, “તિમ્નીના જમાઈ સામસૂને આ કર્યું છે, કેમ કે તિમ્નીએ સામસૂનની પત્નીને લઈને તેને તેના મિત્રને આપી દીધી.” ત્યારે પલિસ્તીઓ આવ્યા અને તેને તથા તેના પિતાને બાળી મૂક્યા.
સામસૂને તેઓને કહ્યું, “જો તમે આમ કરો છો, તો હું નિશ્ચે તમારા પર વેર વાળીશ તે પછી જ હું જંપીશ.” પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો. પછી તે જઈને એટામ ખડકની ગુફામાં રહ્યો.
સામસૂન પલિસ્તીઓને હરાવે છે
ત્યારે પલિસ્તીઓ ચઢી આવ્યા અને તેઓએ યહૂદામાં યુદ્ધ માટે તૈયારી કરી અને તેઓનું સૈન્ય લેહીમાં ફેલાઈ ગયું. 10 યહૂદાના માણસોએ કહ્યું, “શા માટે તમે અમારા પર હુમલો કરવા આવ્યા છો?” તેઓએ કહ્યું, “અમે સામસૂનને પકડવા માટે હુમલો કર્યો છે, જેથી તેણે અમારી સાથે જે કર્યું છે તેવું અમે તેને કરીએ.”
11 ત્યારે યહૂદિયાના ત્રણ હજાર માણસોએ એટામ ખડકની ગુફામાં જઈને સામસૂનને કહ્યું, “શું તું જાણતો નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? આ તેં શું કર્યું?” સામસૂને તેઓને કહ્યું, “તેઓએ જેવું મને કર્યું છે, તેવું મેં તેઓને કર્યું છે.”
12 તેઓએ સામસૂનને કહ્યું, “અમે તને બાંધીને લઈ જઈ પલિસ્તીઓના હાથમાં સોંપવાને આવ્યા છીએ.” સામસૂને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ, “તમે પોતે મને મારી નહિ નાખો.” 13 તેઓએ તેને કહ્યું, “ના, અમે માત્ર તને દોરડાથી બાંધીને તેઓના હાથમાં સોંપીશું. અમે વચન આપીએ છીએ કે અમે તને મારી નહિ જ નાખીએ.” ત્યારે તેઓએ તેને નવાં બે દોરડાથી બાંધીને તે ખડક પરથી લઈ ગયા.
14 જયારે તે લેહીમાં પહોંચ્યો, ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને જયઘોષ કર્યો. અને ઈશ્વરનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડાં બાંધેલા હતાં તે અગ્નિથી બળેલા શણના જેવા થઈને હાથ પરથી સરી પડ્યા.
15 સામસૂનને ગધેડાનું તાજું જડબું મળ્યું એ જડબાના પ્રહારથી તેણે એક હજાર માણસોને મારી નાખ્યા. 16 સામસૂને કહ્યું,
“ગધેડાના જડબાથી મેં ઢગલે ઢગલા,
ગધેડાના જડબાથી મેં હજાર માણસોને માર્યા છે.”
17 એ પ્રમાણે કહ્યા પછી સામસૂને, તે જડબું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાથ-લેહી* પાડ્યું. 18 સામસૂનને ખૂબ તરસ લાગી અને તેણે ઈશ્વરને પોકારીને કહ્યું, “તમે આ મોટો વિજય પોતાના દાસની હસ્તક કર્યો છે, પણ હવે હું તરસથી મરી રહ્યો છું. શું હું આ બેસુન્નતી લોકોના હાથમાં પડીશ?”
19 ત્યારે ઈશ્વરે લેહીમાં જે ખાડો હતો તેમાં ફાટ પાડી. તેમાંથી પાણી નીકળ્યું. પાણી પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો તેણે તાજગી પ્રાપ્ત કરી. એ માટે તેણે તે જગ્યાનું નામ એન-હક્કોર પાડ્યું અને તે આજ સુધી લેહીમાં છે. 20 સામસૂને પલિસ્તીઓના સમયમાં વીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો.
* 15:17 15:17 જબડાના અસ્થિઓનો ટેકરી 15:19 15:19 બોલાવનારનો ઝરણું