7
ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા
ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.
ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહિ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, ‘મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.’ માટે હવે તું જા અને લોકોને જાહેર કર, ‘જે કોઈ ભયભીત તથા ધ્રૂજતા હોય, તેઓ ગિલ્યાદ પર્વતથી પાછા વળીને ચાલ્યા જાય.’ તેથી બાવીસ હજાર લોકો પાછા ગયા અને દસ હજાર રહ્યા.
ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “લોકો હજી પણ વધારે છે. તેઓને પાણીની પાસે લાવ અને હું ત્યાં તેમની સંખ્યામાં ઘટાડો કરીશ. જેના સંબંધી હું તને કહું, ‘આ તારી સાથે આવે, તે તારી સાથે આવશે અને આ તારી સાથે ના આવે, તે આવશે નહિ.”
તેથી ગિદિયોન લોકોને પાણીની પાસે લાવ્યો અને ઈશ્વરે તેને કહ્યું, “પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ, તેને અલગ કર, અને જે પાણી પીવા સારુ ઘૂંટણીએ પડે તેઓને પણ અલગ કર.” ત્રણસો માણસોએ મુખ દ્વારા લખલખાવીને પાણી પીધું. બીજા સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણીએ પડ્યા.
ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસોએ પાણી લખલખાવીને પીધું છે, તેઓની હસ્તક હું તમને ઉગારીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં આપીશ. બીજા સર્વ માણસોને ઘર ભેગા થવા દે. માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
તે જ રાત્રે એમ થયું કે, ઈશ્વરે તેને કહ્યું કે, “ઊઠ! છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ. 10 પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણીમાં જાઓ, 11 તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે.” તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.
12 મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
13 જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, “જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો.” 14 બીજા માણસે કહ્યું, “એ તો યોઆશના દીકરા, ગિદિયોનની તલવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યાં છે.”
15 જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.” 16 તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા.
17 તેણે તેઓને કહ્યું, “મારી તરફ જુઓ અને જેમ હું કરું છું તેમ તમે કરજો. જુઓ! જયારે હું છાવણીના છેવાડા ભાગ આગળ આવું, ત્યારે હું જે કરું તેમ તમે કરજો. 18 હું તથા મારી સાથેના સર્વ લોકો જયારે રણશિંગડું વગાડીએ ત્યારે આખી છાવણીની આસપાસ તમે પણ રણશિંગડાં વગાડીને પોકારજો, ‘ઈશ્વર તથા ગિદિયોનને માટે.’ ”
19 તેથી ગિદિયોન તથા તેની સાથે સો પુરુષો અડધી રાત્રે છાવણીના છેવાડા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો ગોઠવ્યો હતો. તેઓએ રણશિંગડાં વગાડીને પોતાના હાથમાંના ઘડા ફોડ્યા.
20 ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશિંગડાંને તેઓના જમણાં હાથોથી વગાડ્યાં. તેઓએ પોકાર કર્યો, “ઈશ્વરની તથા ગિદિયોનની તલવાર.” 21 બધા માણસો પોતપોતાની જગ્યાએ છાવણીની ચારેબાજુ ઊભા થયા અને મિદ્યાનીઓનું સર્વ સૈન્ય નાસી ગયું. તેઓએ પોકાર કરીને સૈન્યને ભગાડી મૂક્યું.
22 જયારે તેઓએ ત્રણસો રણશિંગડાં વગાડ્યાં, ત્યારે ઈશ્વરે પ્રત્યેક માણસની તલવાર પોતાના સાથીની સામે તથા મિદ્યાનીઓના સર્વ સૈન્યની સામે કરી. સૈન્ય સરેરા તરફ બેથ-શિટ્ટાહ સુધી તથા ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાની સરહદ સુધી ગયું. 23 ઇઝરાયલના માણસો નફતાલી, આશેર તથા આખા મનાશ્શામાંથી એકત્ર થઈને મિદ્યાનીઓની પાછળ પડ્યા.
24 ગિદિયોને સંદેશવાહકોને એફ્રાઇમના આખા પહાડી પ્રદેશમાં મોકલીને, કહેવડાવ્યું, “તમે મિદ્યાનીઓની ઉપર ધસી આવો, યર્દન નદી ઓળંગીને તેઓની આગળ બેથ-બારાક સુધી જઈને યર્દનનાં પાણી આગળ તેઓને રોકો.” તેથી એફ્રાઇમના સર્વ માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આગળ તેઓને આંતર્યા. 25 તેઓએ મિદ્યાનના બે સરદારો, ઓરેબ તથા ઝએબને પકડ્યા. ઓરેબ ખડક ઉપર ઓરેબને મારી નાખ્યો અને તેઓએ ઝએબના દ્રાક્ષાકુંડની પાસે ઝએબને મારી નાખ્યો. તેઓ મિદ્યાનીઓની પાછળ પડીને ઓરેબ તથા ઝએબનાં માથાં યર્દનને પેલે કિનારે ઝએબનાં દ્રાક્ષાકુંડ આગળ ગિદિયોનની પાસે લાવ્યા.