3
સાચું ન્યાયીપણું
છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એકની એક જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી; કારણ કે તે તમારા રક્ષણને માટે છે. કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો. કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.
તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે કારણ છે; જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે; આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.
ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ. છતાં પણ જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની.
વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું, અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય; 10 એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં, 11 કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.
નિશાનની તરફ દોડ
12 હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું. 13 ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને, 14 ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.
15 માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે. 16 તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ ધોરણે આપણે ચાલવું જોઈએ.
17 ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો. 18 કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, ‘તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે. 19 વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.
20 પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. 21 તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.’ ”