15
ખ્રિસ્ત વિષે સુવાર્તા
1 હવે ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું છું કે તમે સુવાર્તાને યાદ રાખો કે જે વિષે મેં તમને કહ્યું હતું. 2 તમે આ સંદેશાથી તારણ પામ્યા છો અને તે બાબતે તમે વધુ ને વધુ દઢ અને વફાદાર બનવાનું ચાલુ રાખો. આ સંદેશ દ્વારા તમારું તારણ થયું પરંતુ મેં તમને જે કહ્યું છે તેમાં વિશ્વાસ રાખવાનું તમારે સતત ચાલુ રાખવું જ જોઈએ. જો તમે તેમ નહિ કરો તો તમારો વિશ્વાસ નકામો છે.
3 મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે; 4 ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે; 5 પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું. 6 ત્યારબાદ એક જ સમયે*પ્રભુનું ભોજન ઈસુએ તેના શિષ્યોને ખાસ ભોજન તેની યાદગીરીને સારું ખાવાને કહ્યું. લૂ. 22:14-20 કરતાં પણ વધુ ભાઈઓને ખ્રિસ્તે પોતાનું દર્શન આપ્યું. આમાંના મોટા ભાગના ભાઈઓ હજુ જીવિત છે, જો કે કેટલાક મૃત્યુ પામ્યા છે. 7 પછી ખ્રિસ્તે યાકૂબને દર્શન આપ્યું અને પાછળથી પ્રેરિતોને પુન:દર્શન આપ્યું. 8 અને અંતે જાણે હું સમય પહેલા જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે ખ્રિસ્તે મને પોતે દર્શન દીધું.
9 ધા જ પ્રેરિતો મારા કરતાં મહાન છે, કારણ કે દેવની મંડળીની મેં સતાવણી કરી છે તેથી હું તો પ્રેરિત કહેવાને પણ લાયક નથી. 10 પરંતુ દેવની કૃપાએ અત્યારે હું જે છું તે છું. અને દેવની કૃપા જે તેણે મને અર્પિત કરી તે નિરર્થક નથી ગઈ. બીજા બધા પ્રેરિતો કરતા મેં વધારે સખત કામ કર્યુ છે. (જો કે કામ કરનાર હું ન હતો, પરંતુ મારામાં સ્થિત દેવની કૃપા કાર્યરત હતી.) 11 તેથી એ મહત્વનું નથી કે હું ઉપદેશ આપું કે અન્ય પ્રેરિતો તમને ઉપદેશ આપે-કારણ કે અમે એ જ વસ્તુનો ઉપદેશ આપીએ છીએ કે જેમાં તમે વિશ્વાસ કરો.
મૃત્યુમાંથી આપણે ઊઠીશું
12 ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊઠયો છે તેવો ઉપદેશ આપવામાં આવે છે તો તમારામાંના કેટલાએક એમ શા માટે કહે છે કે મૂએલાનું પુનરુંત્થાન નથી? 13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી. 14 અને જો ખ્રિસ્ત કદી પણ ઊઠયો નથી તો અમારો ઉપદેશ નિરર્થક છે. અને તમારો વિશ્વાસ અર્થહીન છે. 15 અને દેવ વિષે અસત્ય બોલવા માટે અમે ગુનેગાર ઠરીશું. શા માટે? કારણ કે અમે દેવ વિષે એવો ઉપદેશ આપ્યો કે દેવે ખ્રિસ્તને મૂએલામાંથી ઊઠાડયો છે. અને જો લોકો મૂએલામાંથી ઊઠયા ન હોય તો દેવે ખ્રિસ્તને મૂએલામાંથી કદી પણ ઊઠાડયો નથી. 16 જો મૃત લોકો મૂએલામાંથી ઊઠયા નથી તો ખ્રિસ્ત પણ કદી મૂએલામાંથી ઊઠયો નથી. 17 અને જો ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો નથી તો તમારો વિશ્વાસ નિરર્થક છે, પરંતુ તમે તમારાં પાપો માટે હજુ પણ દોષિત છો. 18 અને ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલાં છે, તેઓ હંમેશને માટે વિલિન થઈ ગયા છે. 19 જો આપણી ખ્રિસ્તમાંની અભિલાષા માત્ર આ દુન્યવી જીવન પૂરતી મર્યાદિત હોય તો બીજા લોકો કરતાં પણ આપણે વધુ દયાજનક છીએ.
20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો. 21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે. 22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું. 23 પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે. 24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે.
25 જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ. 26 મૃત્યુ તે આખરી દુશ્મન હશે જેનો નાશ થશે. 27 શાસ્ત્રલેખ કહે છે કે, “દેવ બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે.”✡ઉલ્લેખઃ ગી.શા. 8:6 જ્યારે શાસ્ત્રલેખ, “બધીજ વસ્તુઓ” ને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે ત્યાં એ સ્પષ્ટ છે કે દેવનો આમાં સમાવેશ થતો નથી. કારણ કે દેવ તે એક છે કે જે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે. 28 જ્યારે ખ્રિસ્તના નિયંત્રણ નીચે બધી જ વસ્તુઓ આવશે. પછી પુત્ર પોતે જ જેવના નિયંત્રણને આધીન થશે. દેવ તે એક છે કે જે બધી વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે તેથી દેવ બધી જ વસ્તુઓના સંપૂર્ણ શાસક બનશે.
29 જો લોકોને મૂએલામાંથી કદી પણ ઊઠાડયા ન હોય તો મૃત્યુ પામેલા લોકોના વતી જે લોકો બાપ્તિસ્મા પામ્યા છે તેઓ શું કરશે? જો મૃત્યુ પામેલા લોકો કદી પણ ઊઠયા ન હોય તો તેઓના માટે લોકો શા માટે બાપ્તિસ્મા લે છે?
30 અને આપણું શું? શા માટે દરેક કલાકે આપણે આપણી જાતને ભયમાં મૂકીએ છીએ? 31 હું તો દરરોજ મૃત્યુ પામું છું. ભાઈઓ તે એટલું જ સાચું છે, કે જેટલું આપણા પ્રભુ એવા ખ્રિસ્ત ઈસુમાં તમારા વિષે હું અભિમાન લઉ છું. તે સાચું છે. 32 જો હું એફેસસમાં માત્ર માનવીય કારણોને લઈને જંગલી પશુઓ સાથે લડયો હોઉં, માત્ર મારા અહંકારને પોષવા માટે લડ્યો હોઉં, તો મેં કશું જ પ્રાપ્ત કર્યુ નથી. જો લોકો મૃત્યુમાંથી ઊઠતા ન હોય તો, “ચાલો આપણે ખાઈએ, પીએ અને મજા કરીએ કારણ કે કાલે તો આપણે મરવાના છીએ.”✡ઉલ્લેખઃ યશા. 22:13; 56:12
33 મૂર્ખ ન બનશો: “ખરાબ મિત્રો સારી આદતોનો નાશ કરે છે.” 34 તમારા ન્યાયી વિચારો તરફ પાછા ફરો અને પાપ આચરવાનું બંધ કરો. હું તમને શરમાવવા માટે કહું છું કે તમારામાંના કેટલાએક દેવને જાણતા નથી.
ક્યા પ્રકારનું શરીર આપણું હશે?
35 પરંતુ કેટલાએક લોકો કદાચ પૂછશે કે, “મૃત્યુ પામેલા લોકો પુર્નજીવિત કેવી રીતે થાય? તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે?” 36 આ બધા મૂર્ખતા ભરેલા પ્રશ્નો છે. જ્યારે તમે કઈક વાવો ત્યારે પ્રથમ જમીનની અંદર તે મૃત્યુ પામે છે અને પછી તે જીવનમાં નવપલ્લવિત થાય છે. 37 અને તમે જે વાવો છો તેનું સ્વરૂપ પછીથી આકાર લેનાર “શરીર” જેવું નહિ હોય. તમે જે વાવ્યું છે તે તો માત્ર ધઉં કે બીજી કોઈ વસ્તુનું બીજ માત્ર છે. 38 પરંતુ દેવ તેના આયોજન પ્રમાણે તેને શરીરનું સ્વરૂપ આપે છે. અને દેવ ભિન્ન-ભિન્ન બીજને તેમનું પોતાનું જુદુ અંગ આપે છે. 39 હાડ-માંસમાંથી બનેલી દરેક વસ્તુઓ તે એક જ હાડ-માંસની નથી: તેથી લોકોનું હાડ-માંસ (શરીર) એક પ્રકારનું હોય છે, જ્યારે પ્રાણીઓનું બીજા એક પ્રકારનું, પક્ષીઓનું શરીર બીજા એક પ્રકારનું અને માછલીઓનું શરીર બીજા એક પ્રકારનું હોય છે. 40 દુન્યવી શરીરો તેમજ સ્વર્ગીય શરીરો પણ ભિન્ન પ્રકારનાં હોય છે. પરંતુ સ્વર્ગીય શરીરોની સુંદરતા એક પ્રકારની છે, જ્યારે દુન્યવી શરીરોની સુદરતા બીજા પ્રકારની છે. 41 સૂર્યનું સૌંદર્ય એક પ્રકારનું છે, જ્યારે ચંદ્રનું બીજા પ્રકારનું. જ્યારે તારાઓની સુંદરતા કઈક જુદી જ છે. તેમજ દરેક તારો પોતાની સુંદરતામાં બીજાથી વિશિષ્ટ છે.
42 જે લોકો મૃત્યુમાંથી ઊભા થશે તેમને માટે પણ આવું જ છે. જે શરીરનું “રોપણ” થયું છે તે તો સડી જશે. પરંતુ જે શરીર મૃત્યુમાંથી ઊઠશે તેનો વિનાશ થશે નહિ. 43 કોઈ પણ પ્રકારના સન્માન વગર શરીરનું “રોપણ” કરવામાં આવે છે, પરંતુ મહિમા સાથે તે પુર્નજીવિત થાય છે. 44 “રોપેલું” શરીર નિર્બળ હોય છે, પરંતુ પુર્નજીવિત શરીર શક્તિશાળી હોય છે. શરીર જે “રોપેલું” છે તે ભૌતિક છે, પરંતુ જે પુર્નજીવિત થયું છે તે શરીર આત્મિક છે.
જેમ ભૌતિક શરીર છે તેમ આત્મિક શરીર પણ છે. 45 પવિત્રશાસ્ત્માં લખ્યું છે કે: “પ્રથમ પુરુંષ (આદમ) સજીવ પ્રાણી થયો.”✡ઉલ્લેખઃ ઉત્ત. 2:7 પરંતુ અંતિમ આદમ એ આત્મા થયો કે જે જીવન પ્રદાન કરે છે. 46 આત્મિક માણસનું આગમન પ્રથમ નથી થતું. ભૌતિક માણસ પહેલા આવે છે, અને પછી આત્મિક માણસ આવે છે. 47 પ્રથમ માણસનું આગમન પૃથ્વીની રજકણમાંથી થયું. જ્યારે બીજા માણસનું આગમન આકાશમાંથી થયું. 48 લોકો પૃથ્વીને આધીન છે તેથી તેઓ પ્રથમ પેલા દુન્યવી માણસ જેવા છે. પરંતુ જે લોકો સ્વર્ગને આધિન છે તે લોકો પેલા સ્વર્ગીય પુરુંષ જેવા છે. 49 આપણને પેલા દુન્યવી માણસ જેવા બનાવ્યા છે. તેથી આપણને પેલા સ્વર્ગીય પુરુંષ જેવા પણ બનાવવામાં આવશે.
50 ભાઈઓ અને બહેનો, હું તમને કહું છું કે હાડ-માંસ અને રક્તને દેવના રાજ્યમાં તેનો હિસ્સો હોઈ શકે નહિ. જે વસ્તુઓ નાશવંત છે તે અવિનાશી વસ્તુઓનો ભાગ મેળવી શકે નહિ. 51 પરંતુ સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું: આપણે બધા મૃત્યુ નહિ પામીએ પરંતુ એક પરિવર્તન પામીશું. 52 અને આ એકમાત્ર ક્ષણમાં થશે. એક આંખના પલકારાની ત્વરાથી આપણે બદલાઈ જઈશું. જ્યારે છેલ્લું રણશિંગડું ફૂંકાશે ત્યારે આમ બનશે. રણશિંગડું ફૂંકાશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે તે ચિરંતનકાળ પર્યંત જીવવા પુર્નજીવિત થશે. અને આપણે જે જીવંત છીએ તે પણ પરિવર્તન પામીશું. 53 આ શરીર કે જેનો નાશ થવાનો છે. તેણે જેનો નાશ ન કરી શકાય તેવાં વસ્ત્રો પરિધાન કરેલાં હોવા જોઈએ. અને આ શરીર જે મૃત્યુ પામે છે તેણે તેને અમરપણું પરિધાન કરેલું હોવું જોઈએ. 54 એટલે કે શરીર જે નાશવંત છે તેણે અમરપણું ધારણ કરવું જોઈએ અને આ શરીર જે મૃત્યુ પામે છે તેને અમરપણું ધારણ કરાવવું જોઈએ. જ્યારે આ બનશે ત્યારે ધર્મલેખ નીચેનું કથન સત્ય સાબિત થશે:
“મૃત્યુનો વિનાશ થયો અને આ મરણ જયમાં ગરક થઈ ગયું છે.” યશાયા 25:8
55 “મરણ તારો વિજય ક્યાં છે?
મરણ, તારી ઘાયલ કરવાની શક્તિ ક્યાં છે?” હોશિયા 13:14
56 પાપ તે મૃત્યુની ઘાયલ કરવાની શક્તિ છે, અને પાપની શક્તિ તે નિયમ છે. 57 પરંતુ આપણે દેવના આભારી છીએ, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે.
58 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.