13
બેથેલ વિરુદ્ધ ચેતવણી
યરોબઆમ વેદી પાસે બલિદાનો ચડાવવા માંટે ઊભો હતો, ત્યારે યહોવાએ એક દેવના માંણસને યહૂદાથી બેથેલ મોકલ્યો. અને યહોવાના વચનથી તેણે વેદીને પોકારીને કહ્યું,
“વેદી, વેદી આ યહોવાનાં વચન છે; ‘સાંભળ, દાઉદનાં વંશમાં યોશિયા નામે એક બાળક અવતરશે, તે તારી પર બલિદાન ચઢાવશે, પર્વતના શિખર ઉપરની દેરીઓના યાજકો જેઓ અત્યારે તારા પર ધૂપ ચઢાવે છે પરંતુ યોશિયા તારી પર મનુષ્યનાં હાડકાને બાળશે.’ ”
અને તે જ વખતે તેણે વધુમાં જણાવ્યું કે, “આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે, યહોવાની આ ભવિષ્યવાણી સાચી પડશે, તે સમયે તું જાણશે કે, મેં જે કહ્યું હતું તે સત્ય હતું.”
જયારે યરોબઆમે પેલા દેવના માંણસને બેથેલની વેદીને શાપ આપતો સાંભળ્યો, તે સમયે તેણે વેદી પાસેથી હાથ લઇ લીધો, તે માંણસ તરફ ચીંધ્યો અને કહ્યું, “તેને પકડો.” પણ જેવું તેણે આમ કહ્યું કે, તરત જ એ માંણસ સામે એણે લંબાવેલો હાથ એ જ સ્થિતિમાં લકવાગ્રસ્ત થઈ ગયો, તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ. એ સમયે દેવના માંણસની આગાહી પ્રમાંણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ. જે પ્રમાંણે યહોવાએ દેવના માંણસને કહેવા માંટે કહ્યું હતું તેમજ બન્યું. રાજાએ દેવના માંણસને કાલાવાલા કર્યા, “મેહરબાની કરીને તમાંરા યહોવા દેવને કહો કે, માંરો હાથ ફરીથી સાજો કરી આપે.”
તેથી દેવના માંણસે દેવને પ્રાર્થના કરી, એટલે રાજાનો હાથ પહેલા હતો તેવો થઈ ગયો. પછી રાજાએ દેવના માંણસને વિનંતી કરી, “માંરી સાથે માંરા રાજમહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં માંરો હાથ સાજો કર્યો તે માંટે હું તને ભેટ આપીશ.”
પણ દેવના માંણસે રાજાને કહ્યું, “તું મને તારો અડધો મહેલ આપે, તો પણ હું તમાંરી સાથે નહિ આવું, હું અહીં કશું ખાઈશ કે પીશ નહિ, કારણ, મને યહોવાની આજ્ઞા છે કે, તારે કશું ખાવાનું કે પીવાનું નહિ, અને જે રસ્તે જાય તે રસ્તે પાછા ફરવાનું નહિ.” 10 આથી તે બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.
11 એ વખતે બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો. તેના પુત્રોએ ઘેર જઈને પ્રબોધકે બેથેલમાં જે કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે પોતાના પિતાને જણાવ્યું. 12 પિતાએ પૂછયું, “તે કયા રસ્તે ગયો?” પુત્રોએ તેને યહૂદાનો દેવનો માંણસ જે રસ્તે ગયો તે બતાવ્યો. 13 વૃદ્વ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, “જલ્દીથી ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માંટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તે પર ચઢીને ગધેડા પર સવાર થઇ ગયો.
14 પછી એ વૃદ્વ પ્રબોધક પેલા દેવના માંણસની પાછળ ગયો, અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો.
તેણે તેમને પૂછયું, “તું યહૂદાથી આવેલો દેવનો માંણસ છે?” જવાબમાં તેણે કહ્યું, “હા, હું તે જ છું.”
15 વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “માંરી સાથે માંરે ઘરે આવ અને ભોજન લે.”
16 તેણે જવાબ આપ્યો, “ના, હું આવી શકું તેમ નથી, કેમકે મને તારી સાથે આવવાની રજા નથી કે તારી સાથે આ જગ્યાએ કંઇ ખાવાની કે પીવાની રજા નથી. 17 કારણ, મને યહોવાની આજ્ઞા છે કે, ‘તારે ત્યાં કશું ખાવાનું કે પીવાનું નહિ, અને જાય તે રસ્તે પાછા ફરવાનું નહિ.’ ”
18 વૃદ્વ પ્રબોધકે કહ્યું, “હું પણ તમાંરા જેવો પ્રબોધક છું;” અને આજે મને એક દેવદૂતે યહોવાનો સંદેશો આપતા કહ્યું છે કે, “માંરે તને ખોરાક અને પાણી માંટે માંરી સાથે ઘેર લઈ જવો.” હકીકતમાં વૃદ્વ પ્રબોધક તેની આગળ જૂઠ્ઠું બોલતો હતો.
19 તેથી તેઓ બંને પાછા વળ્યા, અને દેવનો માંણસ પેલા વૃદ્વ પ્રબોધકને ઘેર ગયો અને ત્યાં ખાધું પીધું. 20 જ્યારે તેઓ હજુ ભાણા પર બેઠા હતા ત્યારે વૃદ્ધ પ્રબોધક જે દેવના માંણસને પાછો લઈ આવ્યો હતો તેને યહોવાની વાણી સંભળાઈ. 21 અને તેણે યહૂદાથી આવેલા દેવના માંણસને કહ્યું, “આ યહોવાની વાણી છે. તેં યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ છે અને તેણે કરેલાં હુકમો પાળ્યાં નથી, 22 પણ તેણે મના કરી હતી, ત્યાં પાછા આવીને તેં ખાધુંપીધું છે, આથી તારું મડદું તારા પૂર્વજોની કબરે નહિ પહોંચે.”
23 ભોજન લીધા પછી વૃદ્વ પ્રબોધકે યહૂદાથી આવેલા દેવના માંણસ માંટે ગધેડા પર જીન બાંધી. 24 અને યહૂદાના એ દેવના માંણસે પોતાની મુસાફરી શરૂ કરી, અને એ રસ્તામાં જતો હતો ત્યારે એક સિંહે ત્યાં આવીને તેને માંરી નાખ્યો. તેનું શબ ત્યાં રસ્તામાં પડયું હતું, અને ગધેડો તથા સિંહ તેની બાજુ પર ઊભા હતા. 25 થોડા માંણસો જેઓ તે રસ્તેથી પસાર થતા હતાં વચ્ચે પડેલા શબને અને તેની બાજુએ શાંતિથી ઊભેલા ગધેડા તથા સિંહને જોયો. અને નગરમાં જઈને આના વિષે વાત કરી, જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો.
26 જ્યારે વૃદ્ધ પ્રબોધકે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો એ જ દેવનો માંણસ છે, કે જેણે યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો છે! સિંહ દ્વારા તેને માંરી નંખાવીને યહોવાએ તેને આપેલી ચેતવણી પૂર્ણ કરી છે.” 27 પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માંટે કહ્યું અને તેઓએ તે પ્રમાંણે કર્યુ. 28 તે ગયો અને તેણે જોયું કે દેવના માંણસનું શરીર માંર્ગમાં વચ્ચે પડયું હતું અને ગધેડો તથા સિંહ હજી પણ તેની નજીક ઊભા હતા, વળી સિંહે મનુષ્યનું શરીર ખાધું ન હતું અને સિંહે ગધેડા પર હુમલો નહોતો કર્યો.
29 પછી શોક પ્રદશિર્ત કરવા માંટે અને દફનવિધિ કરવા પેલા શબને ગધેડા પર મૂકીને નગરમાં લઈ ગયો. 30 તેણે એ શબને પોતાની કબરમાં મૂકીને “ઓ માંરા ભાઈ રે! કહીને પોક મૂકી.” 31 તેને દફનાવ્યા પછી, તે પ્રબોધકે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ પ્રબોધકની સાથે એક જ કબરમાં દફનાવજો. માંરા અસ્થિ એ દેવના માંણસના અસ્થિ સાથે જ મૂકજો; 32 કારણ કે, બેથેલની આ વેદી અને સમરૂન પાસેના ઉચ્ચ સ્થાનો માંટે યહોવાનો સંદેશો જે તેણે આ દેવના માંણસ દ્વારા આપ્યો હતો તે ચોક્કસ સાચો પડશે.”
33 આ ઘટના પછી પણ યરોબઆમે પોતાનું દુષ્ટ આચરણ છોડયું નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માંટે કોઈ પણ કુળસમૂહના લોકોમાંથી યાજક તરીકે નીમવાનું ચાલું રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાન પરનાં મંદિરનો યાજક નીમતો. 34 તેથી કરીને યરોબઆમે પોતાના આખા વંશને પાપમાં નાખ્યો અને તેમનું ભૂમિમાંથી સંપૂર્ણપણે ભૂંસાઇ જવું નિશ્ચિત કર્યુ.