3
મંદિરના બાંધકામનો પ્રારંભ
સુલેમાને યહોવાનું મંદિર બાંધવાની શરૂઆત કરી, જ્યા એના પિતા દાઉદને મોરિયા પર્વત પર યહોવાએ દર્શન આપ્યા હતા. એ જગ્યા યબૂસી ઓર્નાન ઘઉં ઝૂડવાની ખળી ઉપર હતી. સુલેમાન બાંધકામ શરૂ કરે તે પહેલા દાઉદે તે જગ્યા તૈયાર કરી હતી. સુલેમાને બાંધકામની શરૂઆત પોતાના શાશનના ચોથા વર્ષના બીજા મહિનામાં કરી.
હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો. મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. મંદિરની અંદરના મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાંથી જડી દીધેલી હતી અને તેમને શુદ્ધ સોનાથી મઢી દીધી હતી અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરેલી હતી. તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું. તેણે મંદિરનો અંદરનો ભાગ, તેના ઉંબરા, તેની પરસાળો તેની ભીંતો અને તેના બારણાં સોનાથી મઢાવ્યાં અને ભીંતો ઉપર ફરૂબોના ચિત્રો કોતરાવ્યાં હતાં.
મંદિરમાં એક તરફ પરમપવિત્રસ્થાન હતું, તેનું માપ: પહોળાઇ 20 હાથ અને ઊંચાઇ 20 હાથ હતી. તેને સોનાથી મઢવામાં આવ્યું હતું. જેનું વજન લગભગ 20,400 કિલો જેટલું હતું. સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું અને ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા હતાં. 10 તેણે પરમપવિત્રસ્થાન કરૂબ દેવદૂતોની બે પૂતળાં ઘડાવ્યાં અને તેને સોનાથી મઢાવ્યા. 11 એ કરૂબ દેવદૂતોની પાંખોનો કુલ વિસ્તાર 20 હાથનો હતો. એક કરૂબ દેવદૂતની એક પાંખ પાંચ હાથ ફેલાઇને મંદિરની ભીંતને અડતી હતી અને બીજી પાંખ, 5 હાથ ફેલાઇને બીજા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી. 12 એજ રીતે બીજા કરૂબ દેવદૂતની એક પાંખ ફેલાઇને મંદિરની બીજી ભીંતને અડતી હતી. અને બીજી પાંખ પહેલા કરૂબ દેવદૂતની પાંખને અડતી હતી 13 આ પ્રમાણે કરૂબ દેવદૂતોની પાંખો 20 હાથ ફેલાયેલી હતી; તેઓ પોતાના પગ ઉપર ઊભા રહેલા, ને તેઓનાં ચહેરા અંદરની તરફ વળેલા હતાં અને તેઓ પગ પર ટટ્ટાર ઉભાં હતાં.
14 તેણે નીલા, જાંબુડા, અને ઉજળા લાલ રંગના શણના પડદા બનાવ્યા, ને તેના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિનું ભરતકામ કરેલું હતું.
15 મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા, 16 તેણે તોરણો બનાવડાવીને તે સ્તંભોના મથાળાં ફરતે બાંધ્યા અને 100 દાડમો કરાવી તે તોરણે મુકાવ્યાં. 17 એ બે સ્તંભો તેણે મંદિરની સામે ઊભા કરાવ્યા, એક જમણી બાજુએ અને એક ડાબી બાજુએ. જમણી બાજુના સ્તંભનુ નામ “યાખીન” અને ડાબી બાજુનાનું નામ “બોઆઝ” રાખ્યું.