14
યહૂદામાં અમાસ્યાનું રાજ
1 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશને બીજે વષેર્ યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા રાજ કરવા લાગ્યો. 2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહોઆદ્દીન હતું અને તે યરૂશાલેમની હતી. 3 અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે છેક પિતૃ દાઉદના જેવું તો નહિ જ, તે બધી બાબતમાં પોતાના પિતા યોઆશને પગલે ચાલ્યો. 4 પણ તેણે મહત્વના સ્થાનકોનો, મહત્વની જગ્યાઓનો નાશ નહોતો કર્યો. અને લોકોએ ત્યાં બલિદાનો અર્પણ કરવાનું અને ધૂપ પેટાવવાનું ચાલુ રાખ્યું હતું.
5 તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા, 6 પણ તેમના બાળકોને જીવતા રહેવા દીધા, કારણ, મૂસાની સંહિતામાં યહોવાએ જણાવેલું છે કે, “સંતાનોના ગુના માટે મા-બાપને કે મા-બાપના ગુના માટે સંતાનોને દેહાંતદંડ ન દેવો, પ્રત્યેકને તેના પોતાના પાપ માટે જ દેહાંતદંડ દેવો.”
7 અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ “યોકતએલ” પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.
યહોઆશ વિરૂદ્ધ યુદ્ધ ઇચ્છતો અમાસ્યા
8 પછી અમાસ્યાએ ઇસ્રાએલના રાજા યોઆશને સંદેશો મોકલીને પડકાર કર્યો, “તારું સૈન્ય લઈને યુદ્ધ માટે આવી જા.”
9 રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી. 10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”
11 છતાં અમાસ્યાએ સાંભળવાની ચિંતા કરી નહિ, તેથી ઇસ્રાએલનાં રાજા યોઆશ યુદ્ધે ચડયો, તે અને અમાસ્યા યહૂદામાં આવેલા બેથશેમશ આગળ બળનું પારખું કરવા ભેગા થયા. 12 ઇસ્રાએલીઓએ યહૂદાના લોકોને હરાવ્યા અને તેઓ પોતાને ઘેર ભાગી ગયા. યહૂદાના રાજા અમાસ્યાને પકડયો અને યરૂશાલેમ ગયા. 13 ત્યાં તેણે એફ્રાઈમ દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધીનો 400 હાથની યરૂશાલેમની ભીત તોડી પાડી. 14 તેણે બધું સોનું, ચાંદી, મંદિરમા મળી શકે તે બધાં વાસણો, અને રાજમહેલનો ખજાનો લઇ લીધો અને બંધકોને પણ લઇને તે સમરૂન પાછો ગયો.
15 યોઆશના શાસનનાં બીજાં બનાવો, તેનો વિજય અને યહૂદાના રાજા અમાસ્યા સાથેનાં તેનાં યુદ્ધો તે બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 16 આમ યોઆશ પિતૃલોકને પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યરોબઆમ રાજગાદી પર આવ્યો.
અમાસ્યાનું મૃત્યુ
17 ઇસ્રાએલના રાજા યોઆશના મૃત્યુ પછી યહૂદાનો રાજા અમાસ્યા 15 વર્ષ જીવ્યો. 18 અમાસ્યાના શાસન દરમ્યાનના બીજા બનાવો યહૂદાના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે. 19 તેની સામે યરૂશાલેમમાં કાવતરું રચવામાં આવ્યું, તેથી તે લાખીશ ભાગી ગયો, પણ લાખીશ સુધી તેના દુશ્મનોએ હત્યારા મોકલીને તેનો પીછો કર્યો અને ત્યાં જ તેને મારી નાખવામાં આવ્યો. 20 ઘોડસવારો મારફતે તેના મૃતદેહને યરૂશાલેમ લાવવામાં આવ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો.
યહૂદા પર રાજ શરૂ કરતો અઝાર્યા
21 યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો. 22 અમાસ્યાના અવસાન પછી અઝાર્યાએ એલાથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.
યરોબઆમ બીજાનું ઇસ્રાએલ પર રાજ
23 યહૂદાના રાજા યોઆશના પુત્ર અમાસ્યાના શાસનના 15મા વષેર્ યોઆશનો પુત્ર યરોબઆમ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 41 વર્ષ રાજ કર્યું. 24 તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ. નબાટના પુત્ર યરોબઆમે ઇસ્રાએલીઓને પાપકમોર્ કરવા પ્રેર્યા હતાં તે એણે છોડયાં નહિ, 25 ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી, 26 કારણ, યહોવાએ જોઈ લીધું હતું કે ઇસ્રાએલને કેવાં આકરાં કષ્ટો સહન કરવાં પડે છે અને ઇસ્રાએલની સાથે ચડે એવું કોઈ રહ્યું નહોતું. 27 પણ યહોવાએ ઇસ્રાએલના નામને ધરતીના પડ પરથી ભૂંસી ન નાખવાનો નિશ્ચય કર્યો હતો, આથી તેમણે યોઆશના પુત્ર યરોબઆમ મારફત તેમણે તેઓને વિજય અપાવ્યા.
28 યરોબઆમના શાસનના બીજા બનાવો, તેણે મેળવેલા વિજયો અને તેના પરાક્રમો અને તેણે દમસ્ક અને હમાથ પર ઇસ્રાએલનો કબજો પાછો મેળવી આપ્યો એ બધું ઇસ્રાએલના રાજાઓનાઁ ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલું છે. 29 પછી યરોબઆમ બીજો મૃત્યુ પામ્યો અને તેને ઇસ્રાએલના રાજાઓ ભેગો સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજગાદી પર આવ્યો.