15
આબ્શાલોમે ઘણાં મિત્રો બનાવ્યાં
ત્યારબાદ આબ્શાલોમે પોતા માંટે રથ તથા ઘોડાઓની તજવીજ કરી. તે રથ ચલાવતો હોય ત્યારે તેની આગળ દોડવા પચાસ માંણસો રાખ્યા હતા. તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.” ત્યારે આબ્શાલોમ તેને કહેતો, “ઓ ભાઈ, તું સાચો છે, પણ રાજા દાઉદ તને સાંભળશે નહિ.”
અને પોતાને કહેતો, “હું ન્યાયાધીશ હોત તો કેવું સારુ હતું! તો કોઈને જટિલ સમસ્યા કે કોઇ કારણ હોય તે માંરી પાસે આવત, અને હું તેને ન્યાય આપત.”
અને જો કોઈ માંણસ આબ્શાલોમ પાસે એને પ્રણામ કરવા આવે તો આબ્શાલોમ તેનો હાથ લંબાવી તે વ્યકિતને બાથમાં લઈ અને તેને ચુંબન કરતો. રાજા પાસે ન્યાય મેળવવા આવતા એકેએક ઇસ્રાએલી સાથે આબ્શાલોમ આ રીતે વર્તતો અને એમ કરીને તેણે ઇસ્રાએલીઓનાં હૃદય જીતી લીધાં.
આબ્શાલોમનો દાઉદ વિરુદ્ધ બળવો
ચાર વર્ષ પછી*ચાર વર્ષ પછી કોઇ પ્રાચીન લખાણમાં “40 વર્ષ” કહેવાય છે. આબ્શાલોમે રાજાને કહ્યું, “ઓ ધણી, મેં યહોવા આગળ એક પ્રતિજ્ઞા લીધી છે, તેથી મને હેબ્રોન જવા પરવાનગી આપો. માંરે માંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી છે. હું જયારે અરામમાં આવેલા ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં યહોવાની એવી માંનતા રાખી હતી કે, જો ‘યહોવા મને પાછો યરૂશાલેમ લાવશે, તો હું યહોવાની સેવા કરીશ.’ ”
એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.”
આથી આબ્શાલોમ હેબ્રોન ગયો. 10 પણ તેણે ઇસ્રાએલના બધા કુળસમૂહોમાં જાસૂસો મોકલીને સંદેશો કહેવડાવ્યો કે, “રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત જ તમે પોકાર કરજો કે, ‘આબ્શાલોમ હેબ્રોનમાં રાજા બન્યા છે.’ ”
11 યરૂશાલેમથી 200 માંણસો આબ્શાલોમની સાથે ગયા હતા, પરંતુ તેઓને તેના કાવતરા સંબંધી કાંઈ જ જાણ ન હતી. 12 આબ્શાલોમે રાજા દાઉદના સલાહકારોમાંનો એક અહીથોફેલને એના નગર ગીલોનીથી બોલાવ્યો, તે વખતે આબ્શાલોમ યજ્ઞ અર્પણ કરતો હતો. આબ્શાલોમનું કાવત્રું સારી રીતે પાર પડી રહ્યું હતું અને ઘણા લોકો તેને સાથ આપી રહ્યાં હતા. આબ્શાલોમના ટેકેદારોની સંખ્યા પણ વધતી ગઈ.
દાઉદને આબ્શાલોમના કાવત્રા વિષે જાણ
13 એક સંદેશવાહકે યરૂશાલેમમાં દાઉદને જઇને કહ્યું, “ઇસ્રાએલની પ્રજાએ આબ્શાલોમને અનુસરવાનું શરું કર્યુ છે.”
14 તેથી તરત જ દાઉદે પોતાના અમલદારોને કહ્યું, “આપણે અહીંથી તાબડતોબ ચાલ્યા જઈએ અને પલાયન થઇ જઇએ નહિ તો આબ્શાલોમ થોડી વારમાં જ અહીં આવશે, તે આપણને પકડશે, આપણો સંહાર કરશે અને યરૂશાલેમના લોકોને માંરી નાખશે.”
15 રાજાના અમલદારોએ દાઉદને કહ્યું, “આપ જેમ કહેશો તેમ અમે કરશું અમે આપના સેવકો છીએ.”
દાઉદ અને તેના માંણસો ઊગરી નીકળ્યાં
16 તેથી રાજા પોતાના આખા પરિવાર સાથે ચાલી નીકળ્યો. ફકત દસ ઉપપત્નીઓને મહેલની સંભાળ રાખવા પાછળ મૂકતો ગયો. 17 પછી રાજા અને તેના બધાં માંણસો નગર છોડીને નીકળ્યાં ત્યારે તેઓ છેલ્લા ઘર આગળ થોભી ગયાં. 18 રાજાના સર્વ અંગરરક્ષકો કરેથીઓ અને પલેથીઓ અને તેની સાથે ગાથથી આવેલા 600 માંણસો રાજાની બાજુએ થઇને પસાર થયા.
19 ત્યારે રાજાએ ગાથથી આવેલા ઇત્તાયને કહ્યું, “અરે, તમે બધાં શા માંટે માંરી સાથે આવો છો? પાછા જાઓ અને નવા રાજા સાથે રહો; કારણ તમે બધાં પરદેશીઓ છો અને તમાંરા પોતાના દેશમાંથી આવેલા છો. 20 તમે તો હજી ગઈ કાલે જ આવ્યા છો, તો પછી માંરે તમને માંરી સાથે સ્થળે સ્થળે શા માંટે રખડાવવા જોઈએ? તમાંરા માંણસોને લઇને પાછા જાવ. તમાંરા પ્રત્યે સદવ્યવહાર અને વફાદારી દર્શાવાય.”
21 પરંતુ ઇત્તાયએ કહ્યું, “યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે, માંરા દેવ, અને રાજા, જયાં ક્યાંય પણ આપ જશો, હું તમાંરી સાથે જઇશ, પછી ભલે મરવું પડે તોય.”
22 ત્યારે દાઉદે ઇત્તાયને કહ્યું, “સારું, આગળ વધો.”
એટલે ઇત્તાય પોતાના બધા માંણસો અને પરિવારને લઈને રાજા આગળથી પસાર થયો. 23 આખા લશ્કરે આગળ કૂચ કરી ત્યારે બધા લોકો મોટેથી રડવા લાગ્યા. પછી રાજા કિદ્રોનના નાળાને વટાવી ગયો ત્યારે બધાં લોકો બહાર નિર્જન પ્રદેશ તરફ ગયા. 24 સાદોક તથા તેની સાથેના સર્વ લેવીઓ દેવના પવિત્રકોશને ઉંચકીને જતા હતા. તેઓ થોભ્યા અને તેને નીચે મૂક્યો અને અબ્યાથારે સર્વ લોકો યરૂશાલેમ છોડીને ગયા ત્યાં સુધી પ્રાર્થના કરી.
25 ત્યારબાદ રાજાએ સાદોકને કહ્યું, “દેવના પવિત્રકોશને નગરમાં પાછો લઈ જા. જો યહોવા માંરા પર પ્રસન્ન હશે તો કોઇક દિવસ મને પવિત્રકોશ અને દેવનું મંદિર જોવા માંટે મને પાછો આવવા દેશે. 26 પણ જો યહોવા માંરા પર પ્રસન્ન ન હોય તો તેમની નજરમાં માંરા માંટે જે સાચું લાગશે તે કરશે.”
27 રાજાએ યાજક સાદોકને કહ્યું, “તું એક પ્રબોધક છે. તારા પુત્ર અહીમાંઆસ તથા અબ્યાથારના પુત્ર યોનાથાનને તારી સાથે લઈ અને તારા નગરમાં શાંતિથી જા. 28 જ્યાં લોકો નદી ઓળંગી અને રણમાં જાય છે, તે સ્થળોએ તમાંરો સંદેશ મેળવવાની રાહ જોઈશ; હું અરણ્યમાં ભાગી જાઉં તે પહેલાં યરૂશાલેમમાં શું બને છે તેની માંહિતી મને મોકલાવજે.”
29 આથી સાદોક અને અબ્યાથાર દેવના પવિત્રકોશને લઇને પાછા યરૂશાલેમ ગયા અને તેઓ ત્યાં જ રહ્યાં.
અહીથોફેલ વિરુદ્ધ દાઉદની પ્રાર્થના
30 દાઉદ જૈતૂનના પર્વતો પર રૂદન કરતો કરતો ચડવા લાગ્યો, શોકને કારણે તેણે માંથું ઢાંકેલું રાખ્યું હતું અને તેના પગ ઉઘાડા હતા, તેની સાથેના બધાં માંણસો પણ ઢાંકેલા માંથે રૂદન કરતાં કરતાં ચડતાં હતાં.
31 જયારે કોઈકે દાઉદને કહ્યું કે “અહીથોફેલ જે લોકોએ આબ્શાલોમની સાથે યોજના બનાવી છે.” તેની સાથે ભેગો ભળી ગયો છે, દાઉદે પ્રાર્થના કરી: “ઓ યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને નિરર્થક બનાવજે.” 32 દાઉદ ટેકરીના શિખર પર પહોંચ્યો જ્યાં તે દેવની ઉપાસના કરવા ઘણીવાર જતો હતો, ત્યાં તે તેના મિત્ર આકીર્ હૂશાયને મળ્યો. શોકમાં તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને માંથા પર ધૂળ નાખી હતી.
33 દાઉદે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવીશ તો મને ભારરૂપ થઈ પડીશ. 34 પણ જો તું નગરમાં જઈને આબ્શાલોમને કહે કે, ‘હું આપની સેવા કરીશ, મેં આપના પિતાની સેવા કરી હતી પરંતુ હવે હું આપની સેવા કરીશ.’ આ રીતે તું અહીથોફલની સલાહ નિરર્થક બનાવી દઇશ. 35 યાજક સાદોક અને અબ્યાથાર પણ ત્યાં તારી સાથે જ હશે. રાજાના મહેલમાં તું સાંભળે તે સર્વ અને સર્વ યોજનાઓ કરવામાં આવે, તેની જાણ તું તેઓને કહેતો રહેજે. 36 તેમની સાથે સાદોકનો પુત્ર અહીમાંઆસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન છે. તું જે કંઈ સાંભળે, તે તેમની માંરફતે મને પહોંચાડતો રહેજે.”
37 તેથી આબ્શાલોમ યરૂશાલેમમાં દાખલ થતો હતો ત્યાં જ દાઉદનો મિત્ર હૂશાય પાછો નગરમાં આવ્યો.

*15:7: ચાર વર્ષ પછી કોઇ પ્રાચીન લખાણમાં “40 વર્ષ” કહેવાય છે.