8
ફળની ટોપલીનું દર્શન 
  1 પછી સૈન્યોનો દેવ યહોવાએ મને દર્શનમાં પાકેલાં ફળોથી ભરેલો એક ટોપલી બતાવી.   2 તેમણે મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?”  
મેં કહ્યું, “પાકા ફળોની ટોપલી.”  
પછી યહોવાએ કહ્યું, “આ ફળો મારા ઇસ્રાએલી લોકોને રજૂ કરે છે. તેઓને શિક્ષા કરવાનો સમય પાકી ચૂક્યો છે, હું ફરી કદી તેમને માફ નહિ કરું.   3 મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે અને આંસુ સારશે. સર્વત્ર શબો પડ્યાં હશે તેથી શાંત રહો! હું યહોવા બોલ્યો છું,”   
ઇસ્રાએલના વેપારી ફકત કમાવામાં પડ્યાં 
  4 વેપારીઓ તમે સાંભળો, તમે ગરીબોને લૂંટો છો  
અને લાચારને કચડી રાખો છો.   
 5 તમે સાબ્બાથદિન તથા ધામિર્ક ઉત્સવોના  
દિવસો પૂરા થવાની રાહ જુઓ છો,  
જેથી બહાર જઇને તમે અનાજ વેચી શકો  
અને તમારાં ખોટાં ત્રાજવાં  
અને વજનીયાનો ઉપયોગ કરી  
છેતરપિંડી કરી શકો;   
 6 એક જોડી પગરખા માટે,  
ગરીબો અને દરિદ્રોને  
પૈસાથી ખરીદો છો,  
કાપણી વખતે જમીન  
પર વેરાયેલા ઘઉંને  
પણ વેચો છો.   
 7 યહોવાએ ઇસ્રાએલના ગૌરવના સમ ખાધા છે કે,  
“નિશ્ચે હું કદી એ લોકોનાં કુકમોર્ ભૂલીશ નહિ.   
 8 એ પાપોને લીધે ધરતી ધ્રુજી ઊઠશે,  
એના ઉપર રહેનારા સૌ શોકમાં ડૂબી જશે,  
આખી પૃથ્વી ઉપર આવશે,  
તે ખળભળી જશે અને પછી  
નાઇલ નદીની જેમ મંદ પડી જશે.   
 9 “તે દિવસે હું ખરે બપોરે સૂર્યાસ્ત કરીશ.  
અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર પાથરી દઇશ.   
 10 તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી નાખીશ  
અને તમારાં ગીતોને આક્રંદમાં ફેરવી દઇશ.  
તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય  
તેમ તમે ટાટ પહેરશો  
અને શોકની નિશાની તરીકે  
માથાના વાળ મુંડાવશો;  
તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.”   
દેવની દુનિયાને ભયંકર ભૂખમરો 
  11 આ યહોવાના વચન છે:  
“જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે  
હું દેશમાં દુકાળ મોકલીશ.  
લોકોને ભૂખ લાગશે પણ રોટલાની ભૂખ નહિ;  
તરસ લાગશે પણ પાણીની નહિ,  
યહોવાનું વચન સાંભળવાની ભૂખ અને તરસ લાગશે.   
 12 ત્યારે લોકો સમુદ્રથી સમુદ્ર સુધી  
અને ઉત્તરથી પૂર્વ સુધી યહોવાના  
વચનોની શોધમાં ભટકશે.  
તેની શોધમાં તેઓ અહીં તહીં દોડશે  
પણ તે તેઓને મળશે નહિ.   
 13 તે દિવસે રૂપવતી અક્ષતા કન્યાઓ  
અને યુવાન માણસો તરસને કારણે બેભાન થઇ જશે.   
 14 જેઓ સમરૂનના દેવોના નામે પ્રતિજ્ઞા કરે છે.  
‘તેઓ હે દાન, તારા દેવના નામે વચન આપું છું’,  
એમ કહીને પ્રતિજ્ઞા લે છે.  
તેઓ બધા ઢળી પડશે  
અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”