31
બસાલએલ અને આહોલીઆબ
1 વળી યહોવાએ મૂસાને કહ્યું, 2 “જુઓ, મેં યહૂદાના કુળસમૂહના હૂરના પુત્ર ઉરીના દીકરા બસાલએલને ખાસ પસંદ કર્યો છે. 3 મેં તેનામાં દૈવી શક્તિભરી દીધી છે અને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી, અને પુષ્કળ જ્ઞાન અને હોશિયારી આપી છે. 4 મેં તેને નવી નવી ભાતો ઉપજાવી કાઢવામાં સોનાચાંદીને કાંસાની વસ્તુઓ બનાવવામાં, 5 રત્નોને પહેલ પાડવામાં, લાકડામાં કોતરણી કરવામાં તથા બધી જાતના નકશીકામ કરવામાં કુશળ બનાવ્યો છે. 6 વળી તેની સાથે કામ કરવા માંટે મેં દાનના કુળસમૂહના અહી સામાંખના પુત્ર આહોલીઆબને પસંદ કર્યો છે, તથા બીજા બધા કુશળ કારીગરોને પણ મેં કુશળતા આપી છે. જેથી તેઓ મેં તને જે જણાવ્યું તે બધી વસ્તુઓ બનાવી શકે:
7 મુલાકાત મંડપ,
કરારકોશ, તેનું ઢાંકણું,
મંડપનું બધું રાચરચીલું;
8 બાજઠ અને તેનાં સાધનો,
શુદ્ધ સોનાની દીવી અને તેનાં સાધનો,
ધૂપ કરવાની વેદી,
9 દહનાર્પણની વેદી અને તેનાં બધાં સાધનો,
હાથપગ ધોવાની કૂંડી અને તેની ધોડી.
10 યાજક હારુન અને તેના પુત્રો
માંટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,
11 અભિષેક માંટેનું તેલ અને
પવિત્રસ્થાનક માંટેનો સુગંધીદાર ધૂપ.
તેમણે આ બધી જ સામગ્રી મેં જણાવ્યું છે તે પ્રમાંણે બરાબર બનાવવી.”
સાબ્બાથ દિને વિશ્રામ
12 યહોવાએ મૂસાને કહ્યું, 13 “ઇસ્રાએલના લોકોને કહે, ‘સાબ્બાથ દિને વિશ્રામ કરે. કારણ કે “સાબ્બાથ” માંરી અને તમાંરી વચ્ચે બધી પેઢીઓ માંટે નિશાની છે. એ તમને યાદ આપશે કે મેં તમને માંરી ખાસ પ્રજા તરીકે બનાવ્યા છે.
14 “ ‘આથી તમાંરે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમાંરા માંટે એ પવિત્ર દિવસ છે, જે કોઈ એની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાંજમાંથી બહિષ્કાર કરજો. 15 તમને છ દિવસ કામ કરવાની છૂટ છે, પણ સાતમે દિવસ સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ મને સમર્પિત થયેલો પવિત્ર દિવસ છે. જે કોઈ તે દિવસે કામ કરે તેને મોતની સજા કરવી. 16 ઇસ્રાએલના લોકોએ માંરી અને તેમની વચ્ચેના કરારની સ્મૃતિ તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે. કારણ કે, 17 સાબ્બાથ માંરી અને ઇસ્રાએલી લોકોની વચ્ચે હમેશની નિશાની રહેશે,’ ” કેમકે મેં, યહોવાએ છ દિવસ સુધી આકાશ અને પૃથ્વીની રચના કરી અને સાતમે દિવસે મેં કામ બંધ કર્યુ અને વિશ્રામ કર્યો.
18 સિનાઈના પર્વત ઉપર મૂસા સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરીને યહોવાએ તેને બે સ્માંરક તકતીઓ અર્પણ કરી; એ પથ્થરની તકતીઓ દેવની આંગળી વડે લખાયેલ દશ આજ્ઞાઓવાળી હતી.