11
ઇસ્રાએલ યહોવાને ભૂલી ગયું
1 યહોવા કહે છે, “ઇસ્રાએલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો.
મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો હતો.
2 પરંતુ જેમ જેમ મેં તેને બોલાવ્યો,
અને વધારે પ્રેમ આપ્યો તેમ તેમ તેણે વધારે બંડ કરીને,
બઆલને બલિદાનો આપ્યાં
અને મૂર્તિઓની સન્મુખ વધારે ધૂપ કરતો રહ્યો.
3 “જો કે, મેં જ તેને બાળપણમાં શિક્ષા આપી ચાલતાં શીખવ્યું હતું.
મેં જ તેને મારી બાથમાં લીધો હતો.
પણ તે જાણતો ન હતો,
તેને સાજોસમો રાખનાર હું હતો.
4 મેં તેઓને પ્રેમની લગામથી બાંધ્યા
અને તેમને દોર્યા મે તેઓને ઊંચા કર્યા
અને તેઓને બાળકની જેમ તેડ્યા,
અને હું પોતે વાકો વળ્યો અને તેમને જમાડ્યા.
5 “મારા લોકો મિસર તરફ પાછા ફરશે નહિ. આશ્શૂર તેમના પર રાજ કરશે. આવું બનશે કારણ કે, તેઓએ મારી તરફ ફરવાનો નકાર કર્યો છે. 6 તેના શહેરો પર તરવાર લટકશે. તે તેઓના બધા પુરુષોનો તેમની દુષ્ટ યોજનાઓ માટે નાશ કરશે.
7 “મારા લોકોનું વલણ મારાથી વિમુખ થવાનું છે, એમને મારા તરફ ઊંચે આવવા માટે કહેવામાં આવે છે, પણ તેઓ માન આપતા નથી.”
યહોવા ઇસ્રાએલનો વિનાશ નથી ઇચ્છતાં
8 “હે ઇસ્રાએલ, હું તારો ત્યાગ શી રીતે કરું?
હું તને શી રીતે શત્રુઓના હાથમાં જવા દઉં?
હું તારા હાલ અદમા જેવા શી રીતે થવા દઉં?
અથવા સબોઇમની સાથે વત્ર્યો તેમ તારી સાથે શી રીતે વર્તું?
મારું મન પાછું પડે છે;
ને દયાથી ઓગળી જાય છે;
9 હું મારા ક્રોધના આવેશ
મુજબ વતીર્શ નહિ,
હું ફરી તારો નાશ કરીશ નહિ,
કારણકે હું દેવ છું, માણસ નથી;
હું તારી વચ્ચે વસતો પરમપવિત્ર દેવ છું.
હું આવીને તારો નાશ નહિ કરું.
10 મારા લોકો અનુસરસે યહોવા
સિંહની જેમ ગર્જના કરશે.
હાં તે ગર્જશે અને તેના બાળકો
પશ્ચિમમાંથી ધ્રુજતા આવશે.
11 તેઓ મિસરમાંથી પંખીઓનાં ટોળાની
જેમ વેગથી આવી પહોંચશે.
કબૂતરની જેમ તેઓ આશ્શૂરમાંથી આવશે.
અને હું તેઓને ફરીથી તેઓનાં ઘરમાં વસાવીશ.”
યહોવાએ આ વચન આપ્યું છે.
12 “એફ્રાઇમે મને જૂઠાણાથી ઘેરી લીધો.
ઇસ્રાએલી લોકોએ મને તેમની છેતરપિંડીવાળા કૃત્યોથી ઘેરી લીધો.
ગમે તેમ, યહૂદા હજી પણ દેવન પ્રત્યે,
તેના વિશ્વાસુ પવિત્ર દેવ પ્રત્યે, અસ્થિર છે.”