16
 1 “હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ.   2 લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે.   3 લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી.   4 મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.  
પવિત્ર આત્માનું કાર્ય 
 “મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો.   5 હવે હું જેણે મને મોકલ્યો છે તેની પાસે પાછો જાઉ છું, પણ તમારામાંથી કોઈએ મને પૂછયું નહિ, ‘તું ક્યાં જાય છે?’   6 તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે.   7 પણ હું તમને સત્ય કહું છું. મારું દૂર જવું એ તમારા માટે સારું છે. શા માટે? કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ. પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ.   
 8 “જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે.   9 સંબોધક ખાતરી કરશે કે લોકો પાપી છે, કારણ કે તેઓને મારામાં વિશ્વાસ નથી.   10 તે તેઓને મારા ન્યાયીપણા વિષે ખાતરી કરાવશે, કારણકે હવે હું પિતા પાસે જાઉં છું. પછી તમે મને જોશો નહિ.   11 અને સંબોધક જગતને ન્યાય વિષે ખાતરી કરાવશે. કારણ કે ખરેખર આ જગતનો શાસક (શેતાન) નો ન્યાય ચુકવવામાં આવ્યો છે.   
 12 “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે.   13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે.   14 સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે.   15 પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.   
ઉદાસીનતા પ્રસન્નતામાં પરિવર્તન પામશે 
  16 “ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”   
 17 કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’ ”   18 શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે? તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”   
 19 ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?”   20 હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.   
 21 “જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે.   22 તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ.   23 તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે.   24 તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.   
જગત પર વિજય 
  25 “મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ.   26 તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ.   27 ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું.   28 હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”   
 29 પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી.   30 હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”   
 31 ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો?   32 ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.   
 33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”