8
બિલ્દાદ શૂહીનો અયૂબને જવાબ 
  1 ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,   
 2 “તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ?  
તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?   
 3 શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ,  
જે વાત સાચી છે તેને શું બદલે છે?   
 4 જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે,  
તો તેણે તેમને તે માટે સજા કરી છે.   
 5 જો તું ખંતથી દેવની શોધ કરશે  
અને એમની કરુણા યાચશે,   
 6 અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો  
એ તને ઝડપથી મદદ કરવા આવશે  
અને તને તારાં કાયદેસરના ઘરને, પાછા આપી દેશે.   
 7 પછી તારી પાસે પહેલા હતું  
તેના કરતા ઘણું વધારે હશે.   
 8 “તું પહેલાની પેઢીઓને પૂછી જો!  
જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા?   
 9 આપણે તો આજકાલના છીએ,  
અને કાંઇજ જાણતા નથી.  
અહીં પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું અલ્પ છે.   
 10 તેઓ કદાચ તને શીખવી શકશે.  
કદાચ તેઓ તને તેઓ જે બાબત શીખ્યા હોય તે શીખવી શકે.   
 11 “શું કાદવ વિના કમળ ઊગે?  
જળ વિના બરુ ઊગે?   
 12 ના, જો પાણી સૂકાઇ જાય તો  
તેઓ પણ સૂકાઇ જશે.   
 13 લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે.  
જે વ્યકિત ઈશ્વરને ભૂલી જાય છે તેને આશા રહેશે નહિ.   
 14 તે માણસ પાસે અઢેલવા માટે કાઇ નથી.  
તેની સુરક્ષા કરોળિયાના જાળ જેવી છે.   
 15 જો એક વ્યકિત કરોળિયાના જાળાને અઢેલી  
ને ટેકો લે તો તે તૂટી જાય  
તે કરોળીયાના જાળાનો આશ્રય લે છે  
પણ તે તેને ટેકો આપશે નહિ.   
 16 તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે.  
તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે.   
 17 પથ્થર પર ઉગવાની જગ્યા શોધતા  
તે જથ્થાબંદ પથ્થરોને ઢાંકી દે છે.   
 18 પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો  
પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ.   
 19 આ તો તેના માર્ગનું સુખ છે,  
અને જમીનમાંથી બીજા છોડ ઊગી નીકળે છે!   
 20 પરંતુ દેવ નિદોર્ષ લોકોને કદી અસમર્થ કરશે નહિ,  
અને અધમીર્ને કદી મદદ કરશે નહિ.   
 21 તેઓ તારા ચહેરાને હાસ્યથી  
અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.   
 22 તારો તિરસ્કાર કરનારા દુશ્મનો શરમથી છુપાઇ જશે  
અને દુષ્ટોના ઘરબાર નાશ પામશે.”