3
યહોવાનો દિવસ પાસે છે
1 “જુઓ! તે દિવસોમાં એટલે તે સમયે, જ્યારે હું યહૂદા અને યરૂશાલેમનાં ભાગ્ય ફેરવીશ, 2 હું બધા લોકોને ભેગા કરીશ અને તેમને યહોશાફાટની ખીણમાં નીચે લઇ આવીશ; અને તેમને મારા લોકોને, ઈસ્રાએલીઓ મારા ઉત્તરાધિકારીઓને ઇજા કરવા માટે સજા કરીશ. જેઓને તેઓએ વિવિધ દેશોમાં વેરવિખેર કરી, મારી ભૂમિને વિભાજીત કરી હતી. 3 તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને સેવકો તરીકે વહેંચીં લીધા છે. તેઓએ નાના છોકરાઓને વેશ્યાઓ મેળવવા વેંચી નાખ્યાં છે, અને દ્રાક્ષારસ અને મદ્યપાનનાં બદલામાં છોકરીઓ બદલી છે.
4 “હે તૂર અને સિદોન તથા પલેશેથના બધા પ્રાંતો, તમારે ને મારે શું લેવા દેવા? શું તમે પાછું વાળવા પ્રયત્ન કરો છો? સાવધાન રહો, તમે જો બદલો લેવા માંગશો, તો ઝડપથી હું તમારી તરફ ફરીશ અને ગણતરીઓ તમારા પર વાળીશ! 5 તમે મારાં સોનાચાંદી લઇ લીધાં છે, તથા મારું સર્વ કિંમતી દ્રવ્ય તમારા મંદિરોમાં તમે ઉપાડી ગયા છો.
6 “વળી તમે યહૂદા અને યરૂશાલેમના લોકોને ગ્રીકોને વેચી દીધા છે, તેઓ તેમને પોતાના વતનમાં દૂર દેશમાં લઇ ગયા છે. 7 પરંતુ હવે હું તમે તેમને જ્યાં વેચ્યાં છે ત્યાંથી જગાડીશ અને તમે જે કર્યું છે તે સમાન જ હું તમારી સાથે કરીશ. 8 હું તમારા પુત્ર અને પુત્રીઓને યહૂદાના વંશજોને વેંચીંશ અને તેઓ તેમને દૂરના દેશ શેબાના લોકોને વેંચી દેશે.” કેમકે આ યહોવાનું વચન છે.
યુદ્ધની તૈયારી કરો
9 તમે પ્રજાઓમાં બધી બાજુ જાહેર કરો;
યુદ્ધની તૈયારી કરો.
શ્રેષ્ઠ યોદ્ધાઓની ભરતી કરો.
યુદ્ધના સર્વ પુરુષો તૈયાર થાઓ
અને યુદ્ધ તરફ કૂચ કરો.
10 તમારા હળની કોશોને ઓગાળીને
તેમાંથી તરવારો બનાવો
અને તમારાં દાંતરડાઁઓને ટીપીને ભાલા બનાવો.
દુર્બળ માણસોને કહેવા દો કે તે બળવાન છે.
11 હે આજુબાજુની સર્વ પ્રજાઓ,
જલદી આવો, ને એકત્ર થાઓ;
હે યહોવા, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.
12 રાષ્ટોને જાગવા દો
અને યહોશાફાટની કોતરમાં આવવા દો.
હું નજીકના દેશોનો ન્યાય આપવા
માટે ત્યાં બેસવાનો છું.
13 હવે તમે દાતરડાઁ ચલાવો,
મોલ પાકી ગયો છે. આવો,
દ્રાક્ષાચક્કી દ્રાક્ષથી ભરેલી છે;
કૂંડા રસથી ઊભરાય
ત્યાં સુધી દ્રાક્ષાઓને ગૂંધ્યા કરો.
કારણકે તેમની દુષ્ટતા વધી ગઇ છે.
14 ન્યાયચુકાદાની ખીણમાં મોટો જનસમુદાય રાહ જોઇ રહ્યો છે!
કારણકે ન્યાયચુકાદાની ખીણમાં યહોવાનો દિવસ પાસે થઈ રહ્યો છે.
15 સૂર્ય અને ચંદ્ર કાળા પડી જાય છે
અને તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.
16 યહોવા દેવ સિયોનમાંથી ગર્જના કરે છે
અને યરૂશાલેમમાંથી ત્રાડ નાખે છે;
તેથી પૃથ્વી અને આકાશ જે છે.
પણ યહોવા તેનાં લોકો માટે સુરક્ષિત સ્થળ થશે.
તે ઇસ્રાએલ માટે કિલ્લો છે.
17 ત્યારે તમે જાણશો કે,
“હું મારા પવિત્ર પર્વત સિયોન ઉપર બેસનારો તમારો દેવ યહોવા છું.
પછી યરૂશાલેમ પવિત્ર નગરી બનશે
અને વિદેશીઓ તેના પર આક્રમણ કરશે નહિ.
યહૂદાને ફરીથી નવી બનાવાશે
18 “તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે
અને ડુંગરોમાંથી દૂધ વહેશે.
યહૂદાની સુકાઇ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે.
શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા
યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે.
19 મિસર ઉજ્જડ થઇ જશે,
અને એદોમ ઉજ્જડ મરૂભૂમિ બનશે,
કારણ કે આ લોકોએ યહૂદાના લોકોને ઉત્પાત કર્યોં હતો
અને તેમનું નિદોર્ષ લોહી વહેવડાવ્યું હતું.
20 પણ યહૂદા સદા નિર્વાસીત થશે
અને યરૂશાલેમ પેઢી દર પેઢી વસ્તી વધારો પામશે.
21 કારણ હું તેમના લોહીને દંડીશ.
હું તેને વગર દંડયે છોડીશ નહિ.”
કારણકે યહોવા સિયોનમાં રહે છે.