21
ઈસુનો રાજાની માફક યરૂશાલેમમાં પ્રવેશ
(માર્ક 11:1-11; લૂક 19:28-38; યોહાન 12:12-19)
1 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા. ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા. 2 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ. તમે ત્યાં પ્રવેશ કરશો, એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો, તેને છોડીને અહીં લઈ આવો. 3 જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.’ ”
4 પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું:
5 “સિયોનની દીકરી, ‘જો તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર છે તથા એક ગધેડા પર, એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર સવાર થઈન આવે છે.’ ” ઝખાર્યા 9:9
6 શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ. 7 શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો. 8 લોકોમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો ઈસુના માર્ગમાં બિછાવ્યાં. જ્યારે ઘણા લોકોએ વૃક્ષોની ડાળીઓ કાપીને તેના માર્ગમાં બીછાવી. 9 કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,
“દાઉદના દીકરાને હોસાન્ના!
‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’ ગીતશાસ્ત્ર 118:26
આકાશમાં દેવનો મહિમા થાઓ!”
10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?”
11 તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.”
ઈસુનો મંદિરમાં પ્રવેશ
(માર્ક 11:15-19; લૂક 19:45-48; યોહાન 2:13-22)
12 ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. 13 તેણે ત્યાં હાજર હતા તે બધાજ લોકોને જણાવ્યું કે, “શાસ્ત્રમાં લખ્યું છે કે ‘મારું ઘર પ્રાર્થનાના ઘર તરીકે ઓળખાશે.’✡ઉલ્લેખઃ યશા. 56:7 પરંતુ તમે તો તેને ‘લૂટારાની ગુફા’✡ઉલ્લેખઃ યર્મિ. 7:11 બનાવી દીઘી છે.”
14 પછી કેટલાક અંધજનો અને અપંગો ઈસુની પાસે આવ્યાં. ઈસુએ તેઓને સાજા કર્યા. 15 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા.
16 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછયું, “આ બાળકો જે કહે છે, તે શું તમે સાંભળો છો?”
ઈસુએ ઉત્તર આપ્યો, “હા, શાસ્ત્ર કહે છે કે, ‘તેં ઘાવણા બાળકોના મુખે તારી સ્તુતિ કરાવી છે તે યોગ્ય સ્તુતિ છે.’✡ઉલ્લેખઃ ગી. શા. 8:3 (ગ્રીક અનુવાદ) શું શાસ્ત્રમાં તમે વાંચ્યું નથી?”
17 પછી ત્યાંથી ઈસુ તે સ્થળ છોડીને યરૂશાલેમ નગરની બહાર આવ્યો અને બેથનિયા ચાલ્યો ગયો. અને ત્યાં રાત રોકાયો.
ઈસુ વિશ્વાસનું સાર્મથ્ય બતાવે છે
(માર્ક 11:12-14; 20-24)
18 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો. 19 ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું.
20 શિષ્યોએ જ્યારે આ જોયું ત્યારે અચંબા સાથે ઈસુને પૂછયું, “આ અંજીરનું ઝાડ એકદમ કેમ સૂકાઈ ગયું?”
21 ઈસુએ તેમને ઉત્તર આપતા કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમને વિશ્વાસ હોય અને મનમાં શંકા ન કરો તો તમે આના કરતાં પણ વિશેષ કરી શકશો. અરે તમે આ પર્વતને કહી શકશો, ‘અહીંથી ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ તો તે પ્રમાણે થશે. 22 જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”
ઈસુના અધિકાર પર યહૂદિનેતાઓની શંકા
(માર્ક 11:27-33; લૂક 20:1-8)
23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?”
24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું. 25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”
તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’ 26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.”
27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”
પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!”
ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છે
28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’
29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો.
30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, ‘દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.”
31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”
યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”
ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. 32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા.
દેવે તેના દીકરાને મોકલ્યો
(માર્ક 12:1-12; લૂક 20:9-19)
33 “આ વાર્તા ધ્યાનથી સાંભળો: એક માણસ હતો તેનું પોતાનું ખેતર હતું તેમા તેણે દ્રાક્ષ વાવી અને તેની ચારે બાજુ એક દિવાલ ચણી હતી. દ્રાક્ષનો રસ કાઢવા કુંડ બનાવ્યો, એક બૂરજ બાંધ્યા પછી કેટલાક ખેડૂતોને તે વાડી ઈજારે આપીને તે પ્રવાસમાં ગયો. 34 દ્રાક્ષ ચૂંટવાનો સમય થયો એટલે તેના નોકરોને ખેડૂતો પાસેથી પોતાની દ્રાક્ષનો ભાગ લેવા મોકલ્યો.
35 “પણ ખેડૂતોએ આ નોકરોને પકડ્યા અને તેમાના એકને ખૂબ માર્યો. અને બીજા નોકરને મારી નાખ્યો. અને ત્રીજા નોકરને પણ પત્થર વડે મારી નાખ્યો. 36 તેથી તે માણસે બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ. 37 એટલે માણસે પોતાના દીકરાને ખેડૂતો પાસે મોકલ્યો. તે માણસે કહ્યું, ‘ખેડૂતો મારા દીકરાને માન આપશે.’
38 “પણ જ્યારે ખેડૂતોએ ઘણીના દીકરાને જોયો ત્યારે તેઓ અંદર અંદર તેમનામાં વાતો કરવા લાગ્યા કે, ‘આજ તે ઘણીનો દીકરો છે, વારસ છે આ ખેતર તેનું છે માટે જો આપણે તેને પણ મારી નાખીએ તો આ ખેતર આપણું થઈ જશે!’ 39 તેથી ખેડૂતોએ છોકરાને પકડ્યો અને ખેતરની બહાર ફેંકી દીઘો અને તેને મારી નાખ્યો.
40 “આ ખેતરનો ઘણી આવશે ત્યારે એ ખેડૂતોને શું કરશે?”
41 યહૂદિઓના ધર્મગુરુંઓ અને આગેવાનોએ કહ્યું, “તે ચોક્કસ આ દુષ્ટ માણસોને મારી નાંખશે. અને બીજા ખેડૂતો જે તેમનો પાક થશે ત્યારે ભાગ આપશે તેવા ખેડૂતોને તે ખેતર ભાગે ખેડવા આપશે.”
42 ઈસુએ તેઓને કહ્યું, “શું તમે શાસ્ત્રમાં નથી વાંચ્યું?
‘બાંધનારાઓએ નકામો ગણીને પડતો મૂકેલો પથ્થર જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો, એ પ્રભુથી બન્યું,
અને આપણી નજરમાં આશ્વર્યકારક છે.’ ગીતશાસ્ત્ર 118:22-23
43 “એટલે જ હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે રાજ્યોમાં ફળ આવશે. 44 જે મનુષ્ય આ પથ્થર પર પટકાશે તેના ટુકડેટુકડા થઈ જશે. અને એ પથ્થર જે વ્યક્તિ પર પડશે તેનો ભૂકો થઈ જશે.”
45 મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ પાસેથી આ દૃષ્ટાંત સાંભળ્યું અને તેઓને લાગ્યું કે ઈસુ તેમના સબંધમાં જ કહે છે. 46 તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા. પણ તેઓ લોકોથી ખૂબ ડરતા હતા, કારણ લોકો ઈસુને પ્રબોધક તરીકે માનતા હતા.