12
દેવ તેના પુત્રને મોકલે છે
(માથ્થી 21:33-46; લૂક 20:9-19)
1 ઈસુ લોકોને ઉપદેશ આપવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. “એક માણસે એક ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી અને તે માણસે ખેતરની આજુબાજુ દિવાલ બનાવી. અને એક ખાડો ખોદી દ્રાક્ષાકુંડ બનાવ્યો. પછી તે માણસે બુરજ બાંધ્યો. તે માણસે કેટલાક ખેડૂતોને ખેતર ઇજારે આપ્યું. પછી તે માણસ પ્રવાસ માટે વિદાય થયો.
2 “થોડા વખત પછી, દ્રાક્ષ ચૂંટવાનો સમય આવ્યો. તેથી તે માણસે તેનો દ્રાક્ષનો ભાગ લેવા માટે એક નોકરને ખેડૂત પાસે મોકલ્યો. 3 પરંતુ તે ખેડૂતોએ નોકરને ખાલી હાથે કાઢી મૂક્યો. 4 પછી તે માણસે બીજા એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો. તે ખેડૂતોએ તેનું માંથુ ફોડી નાખ્યું. તેઓએ તેને માટે કોઈ માન બતાવ્યું નહિ. 5 તેથી તે માણસે બીજા એક નોકરને મોકલ્યો. તે ખેડૂતોએ આ નોકરને મારી નાખ્યો. તે માણસે ઘણા બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે ખેડૂતોએ કેટલાક ખેડૂતોને માર્યા અને બીજાઓને મારી નાખ્યા.
6 “તે માણસ પાસે ખેડૂતોની પાસે મોકલવા એક વ્યક્તિ જ રહી. આ વ્યક્તિ તે માણસનો પુત્ર હતો. તે માણસ તેના દીકરાને ચાહતો હતો. પરંતુ તે માણસે પુત્રને ખેડૂતો પાસે મોકલવાનો નિર્ણય કર્યો. પુત્ર એ છેલ્લી વ્યક્તિ હતી જેને તે મોકલી શકે તે માણસે કહ્યું, ‘તે ખેડૂતો મારા પુત્રને માન આપશે.’
7 “પણ ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ ધણીનો પુત્ર છે. જો આપણે તેને મારી નાખીશું. તો પછી તેનું ખેતર આપણું થશે.’ 8 તેથી તે ખેડૂતોએ તે પુત્રને મારી નાખ્યો. અને તેને ખેતરની બહાર ફેંકી દીધો.
9 “તેથી જે ખેતરનો ધણી હતો તે શું કરશે? તે ખેતરમાં જશે અને પેલા ખેડૂતોને મારી નાખશે. પછીતે બીજા ખેડૂતોને તે ખેતર આપશે. 10 ખરેખર તમે આ શાસ્ત્ર વાંચ્યો છે:
‘જે પથ્થરનો બાંધકામ કરનારાઓએ અસ્વીકાર કર્યો. તે ખૂણાના માથાળાનો (પથ્થર) થયો.
11 પ્રભુ આ બધુ કર્યુ છે, અને તે આપણા માટે અદભુત છે.’ ” ગીતશાસ્ત્ર 118:22-23
12 આ યહૂદિ આગેવાનોએ આ વાર્તા સાંભળી જે ઈસુએ કહી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ ઈસુને પકડવાની યુક્તિ શોધવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ લોકોથી બીતા હતા. તેથી તે યહૂદિ આગેવાનો ઈસુને છોડીને ચાલ્યા ગયા.
યહૂદિ આગેવાનોનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન
(માથ્થી 22:15-22; લૂક 20:20-26)
13 પાછળથી, યહૂદિ આગેવાનોએ કેટલાક ફરોશીઓને અને હેરોદીઓના નામે જાણીતા સમુહમાંથી કેટલાક માણસોએ ઈસુ પાસે મોકલ્યા. તેઓ ઈસુને કઈક ખોટું કહેતા પકડવા ઈચ્છતા હતા. 14 ફરોશીઓ અને હેરોદીઓ ઈસુ પાસે ગયા અને કહ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું એક પ્રમાણિક માણસ છે. તું તારા વિષે બીજા લોકો જે વિચારે છે તેની જરા પણ દરકાર કરીશ નહિ. બધા માણસો તારી પાસે સરખા છે. અને તું દેવના માર્ગ વિષે સાચો ઉપદેશ આપે છે. તો અમને કહે: કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના? આપણે કર આપવો જોઈએ કે આપણે કર ન આપવો જોઈએ?”
15 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો ખરેખર તેને પરીક્ષણનો પ્રયત્ન કરતા હતા. ઈસુએ કહ્યું, “તમે શા માટે મને કઈક ખોટું કહેતા પકડવાનો પ્રયત્ન કરો છો? મને એક ચાંદીનો સિક્કો લાવી આપો. મને તે જોવા દો.” 16 તેઓએ ઈસુને એક સિક્કો આપ્યો અને ઈસુએ પૂછયું, “સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના પર કોનું નામ લખેલું છે?” તેઓએ જવાબ આપ્યો, “તે કૈસરનું ચિત્ર છે અને કૈસરનું નામ છે.”
17 પછી ઈસુએ તેઓને કહ્યું, “કૈસરની જે વસ્તુઓ છે તે કૈસરને આપો. અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.” ઈસુએ જે કહ્યું તેથી તે માણસો નવાઇ પામ્યા.
કેટલાક સદૂકીઓનો ઈસુને ફસાવવાનો પ્રયત્ન
(માથ્થી 22:23-33; લૂક 20:27-40)
18 પછી કેટલાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે કોઈ વ્યક્તિ મૂએલામાંથી ઊઠી શકે નહિ.) સદૂકીઓએ ઈસુને એક પ્રશ્ન પૂછયો. 19 તેઓએ કહ્યું, “ઉપદેશક, મૂસાએ લખ્યું છે કે જો કોઈ પરિણિત માણસ મૃત્યુ પામે અને તેને બાળકો ન હોય, તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત ભાઈ માટે બાળકો થશે. 20 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ પરણ્યો પણ મરી ગયો. તેને બાળકો ન હતા. 21 તેથી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો. પણ તે પણ મૃત્ય પામ્યો અને તેને બાળકો ન હતા. એ જ બાબત ત્રીજા ભાઈ સાથે બની. 22 બધા સાત ભાઈઓ તે સ્ત્રીને પરણ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈઓમાંના કોઈનાથી તે સ્ત્રીને બાળકો ન થયા અને છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. 23 પણ બધા સાત ભાઈઓ તેને પરણ્યા હતા તેથી મૃત્યુ પછી જ્યારે પુનરુંત્થાનનો સમય થશે ત્યારે, આ સ્ત્રી કોની પત્ની થશે?”
24 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે આ ભૂલ શા માટે કરી? શાસ્ત્ર શું કહે છે તે તમે નથી જાણતા કારણ કે તમે દેવના સાર્મથ્ય વિષે નથી જાણતા. 25 જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ. તેઓ આકાશમાંના દૂતો જેવા હશે. 26 ખરેખર મૃત્યુ પામેલા લોકો પાછા ઊઠે છે તે વિષે દેવે શું કહ્યું છે તે તમે વાચ્યું છે. જ્યાં મૂસાએ પુસ્તકમાં સળગતી ઝાડી વિષે લખ્યું છે. તે કહે છે કે દેવે મૂસાને આ કહ્યું છે, ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો અને યાકૂબનો દેવ છું.’ 27 જો દેવે કહ્યું તે તેઓનો દેવ છે, તો પછી તે માણસો ખરેખર મરેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો દેવ છે, તમે સદૂકીઓ ખોટા છો!”
કંઈ આજ્ઞા સૌથી મહત્વની?
(માથ્થી 22:34-40; લૂક 10:25-28)
28 શાસ્ત્રીઓમાંનો એક ઈસુ પાસે આવ્યો. તેણે ઈસુને સદૂકીઓ અને ફરોશીઓ સાથે દલીલો કરતા સાંભળ્યો. તેણે જોયું કે ઈસુએ તેમના પ્રશ્નોના સારા ઉત્તર આપ્યા. તેથી તેણે ઈસુને પૂછયું, “કંઈ આજ્ઞઓ સૌથી મહત્વની છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “સૌથી વધારે મહત્વની આજ્ઞાઆ છે: ‘ઈસ્ત્રાએલના લોકો, ધ્યાનથી સાંભળો! પ્રભુ આપણો દેવ છે તે ફક્ત પ્રભુ છે. 30 તારે પ્રભુ તારા દેવને પ્રેમ કરવો જોઈએ. તારે તેને તારા પૂરા હ્રદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી, ને તારા પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ.’ 31 બીજી સૌથી મહત્વની આજ્ઞા આ છે: ‘તું તારી જાતને પ્રેમ કરે છે તે જ રીતે તારે તારા પડોશી પર પ્રેમ કરવો જોઈએ.’ આ બે આજ્ઞાઓ સૌથી અગત્યની છે.”
32 તે માણસે ઉત્તર આપ્યો. “તે એક સારો ઉત્તર હતો. ઉપદેશક, જ્યારે તેં આ બાબતો કહી તું સાચો હતો. દેવ જ ફક્ત પ્રભુ છે, અને બીજો કોઈ દેવ નથી. 33 અને વ્યક્તિએ દેવને પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા સામર્થ્યથી પ્રીતિ કરવી જોઈએ. અને વ્યક્તિ તેની જાતને પ્રેમ કરે છે તે જ રીતે પડોશીને પ્રેમ કરવો જોઈએ. આ આજ્ઞાઓ, દેવને અર્પિત બઘા જ પ્રાણીઆ અને બલિદાનોથી વધારે મહત્વની છે.”
34 ઈસુએ જોયું કે માણસે તેને ડહાપણથી ઉત્તર આપ્યો. તેથી ઈસુએ માણસને કહ્યું, “તું દેવના રાજ્યની નજીક છે.” અને તે પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્નો પૂછવાની હિમ્મત ન કરી.
મસીહ-દાવિદનો પણ પ્રભુ
(માથ્થી 22:41-46; લૂક 20:41-44)
35 ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો. ઈસુએ પૂછયું, “શા માટે શાસ્ત્રીઓ કહે છે કે ખ્રિસ્ત એ દાઉદનો દીકરો છે? 36 પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે:
‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું:
મારી પાસે જમણી બાજુએ બેસ,
અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’ ગીતશાસ્ત્ર 110:1
37 દાઉદ તેની જાતે ખ્રિસ્તને ‘પ્રભુ’ કહે છે. તેથી ખ્રિસ્ત કેવી રીતે દાઉદનો દીકરો હોઇ શકે?” ઘણા લોકોએ ઈસુને સાંભળ્યો અને તેઓ ઘણા ખુશ થયા હતા.
ધાર્મિકતાના ઢોંગ
(માથ્થી 23:1-36; લૂક 20:45-47)
38 ઈસુએ ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. ઈસુએ કહ્યું, “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરવાનું જે મહત્વનું દેખાય, તે ગમે છે. અને લોકો બજારના સ્થળોએ તેમને માન આપે તે તેઓને ગમે છે. 39 તેઓને સભાસ્થાનોમાં સૌથી મહત્વની બેઠકો પ્રાપ્ત થાય, તે ગમે છે. અને મિજબાનીઓમાં પણ તેઓને સૌથી મહત્વની બેઠકો મળે તે ગમે છે. 40 તેઓ વિધવાઓનાં સાધન અને તેમના ઘરો પડાવી લે છે. પછી તેઓ તેમની જાતે સારા દેખાવાનો પ્રયત્નો લાંબી પ્રાર્થનાઓ કરીને કરે છે. દેવ તેઓને ઘણી બધી શિક્ષા કરશે.”
વિધવા આપવાનો અર્થ બતાવે છે
(લૂક 21:1-4)
41 ઈસુ મંદિરમાં દાનપેટી નજીક બેઠો, જ્યાં લોકો તેઓની ભેટો મૂકતા. લોકો પેટીમાં પૈસા આપતા. 42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા. આ સિક્કાઓની કિંમત એક દમડી પણ ન હતી.
43 ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા. ઈસુએ કહ્યું, “હું તમને સાચું કહું છું. આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા. પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે. 44 આ લોકો પાસે પુષ્કળ છે. તેઓએ તો ફક્ત તેમને જેની જરુંર નથી તે જ આપ્યું. પણ તેણે તો તેના જીવન જીવવા માટે જરુંર હતું તે બધુજ નાણું આપ્યું.”