3
હારુન પરિવારનો યાજકપદે
1 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસા સાથે વાત કરી ત્યારે હારુન અને મૂસાના વંશાવળી આ પ્રમાંણે હતી:
2 હારુનના જ્યેષ્ઠ પુત્રનું નામ નાદાબ, તે પછી અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર. 3 એમનો યાજકો તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને તેમને યાજકના અધિકારો આપવામાં આવ્યા હતા. 4 પરંતુ નાદાબ અને અબીહૂ એ અપવિત્ર અગ્રિ યહોવાને ધરાવ્યો તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓને એક પણ પુત્ર ન હતો. અને તેથી એલઆઝાર અને ઈથામાંર તેઓના પિતાના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ આપતા હતા.
લેવી વંશીઓ યાજકોના સહાયક
5 યહોવાએ મૂસાને કહ્યુ, 6 “લેવીના કુળસમૂહોને બોલાવી લાવ અને તેમને યાજક હારુનની સેવામાં નિયુક્ત કર. 7 તેમણે યાજકો અને સમગ્ર સમાંજ તરફથી મુલાકાતમંડપની સેવામાં ઉપસ્થિત રહીને ફરજો બજાવવાની છે; 8 અને તેઓએ મુલાકાત મંડપની સાધન સામગ્રી સંભાળવાની છે અને તેમણે બધા ઇસ્રાએલી પ્રજાજનો તરફથી થાનકની ફરજો બજાવવાની છે.
9 “અને તારે હારુનના તથા તેના પુત્રોના હવાલામાં લેવીઓને સોંપી દેવા કારણ કે બધા ઇસ્રાએલીઓમાંથી તેમને સેવા કરવા માંટે પસંદ કરવામાં આવ્યા છે.
10 “અને તારે હારુનને અને તેના કુળોને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મોતની સજા કરવી.”
11 પછી યહોવાએ મૂસાને કહ્યું, 12 “ઇસ્રાએલ પ્રજાના પ્રથમજનિત પુત્રોની અવેજીમાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે, તેથી ઇસ્રાએલના સર્વ પ્રથમ જન્મેલા પુત્રોના સ્થાને લેવીઓ માંરી સેવામાં રહેશે. 13 એ લોકો માંરા ગણાશે, કારણ કે પ્રત્યેક પ્રથમ પુત્ર ઉપર માંરો હક છે, જ્યારે મેં મિસરના બધા પ્રથમ પુત્રોને માંરી નાખ્યા હતા ત્યારે મેં ઇસ્રાએલનાં બધાં જ પ્રથમ અવતરેલાંને માંરે માંટે રાખી લીધાં હતાં, પછી એ માંણસ હોય કે પશુ હોય, તેઓ માંરાં છે; હું યહોવા છું.”
14 સિનાઈના અરણ્યમાં યહોવાએ ફરીથી મૂસા સાથે વાત કરી અને કહ્યુ, 15 “લેવી કુળસમૂહના બધા પુરુષોની નોંધણી કર; એક મહિના અને તેથી વધારે ઉમરના સર્વ પુરુષોની કુટુંબ પ્રમાંણે ગણતરી કર.” 16 યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ તેમની યાદી તૈયાર કરી.
17 લેવીના પુત્રોનાં નામ આ મુજબ છે: ગેર્શોન, કહાથ, અને મરારી,
18 ત્રણેય એમના નામે ઓળખાતાં કુળસમૂહોના મૂળ પુરુષો હતા.
ગેર્શોનના કુળસમૂહો લિબ્ની અને શિમઈ.
19 કહાથના કુળસમૂહો; આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
20 મરારીના કુળસમૂહ; માંહલી અને મૂશી. આ સર્વનાં નામો પરથી લેવીઓનાં ગોત્રોનાં નામ ગણાયા.
આ થઈ લેવીના કુળસમૂહોની કુટુંબવાર યાદી.
21 ગેર્શોનના કુળસમૂહોમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો થયા હતા. 22 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા ગણતા તે 7,500 હતી. 23 તેઓની છાવણીનું સ્થાન પવિત્રમંડપની પાછળ પશ્ચિમ દિશામાં હતું. 24 લાએલનો પુત્ર એલ્યાસાફ તેમનો આગેવાન હતો. 25 એ લોકોએ પવિત્રમંડપમાં એની અંદરનું આવરણ, બહારનું આવરણ, પ્રવેશદ્વારનો પડદો, 26 પવિત્રમંડપની અને વેદીની આસપાસના ચોકના પડદાઓની, ચોકના પ્રવેશદ્વારના પડદાની, એની દોરીઓની, તેમજ એ બધાંને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.
27 કહાથના કુળસમૂહમાં આમ્રામી, ઈસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ એટલાં કુટુંબો હતાં. 28 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા 8,600 હતી. 29 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની દક્ષિણમાં હતું. 30 ઉઝઝીએલનો પુત્ર અલીસાફાન તેમનો આગેવાન હતો. 31 તે લોકોએ પવિત્રકોશની, બાજઠની, દીવીની અને વેદીઓની, ઉપાસનામાં વપરાતાં પવિત્ર વાસણોની, ગર્ભગૃહ આગળના પડદાની તથા એ બધાને લગતાં સર્વ કામકાજની અને ઉપયોગની સંભાળ રાખવાની હતી.
32 લેવીઓના આગેવાનોનો મુખી, યાજક હારુનનો પુત્ર એલઆઝાર હતો; પવિત્રસ્થાનની સેવામાં જે બધા હતા તે સૌનો તે ઉપરી હતો, તેમના કાર્ય ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેની હતી.
33 મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં. 34 એક મહિના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા કુલ 6,200 હતી. 35 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની ઉત્તરના વિસ્તારમાં હતું. અબીહાઈલનો પુત્ર સૂરીએલ મરારી કુળસમૂહનો આગેવાન હતો. 36 એ લોકોએ થાનકના મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્તંભો, કૂંભીઓ, ઓજારો તથા આ સર્વને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી. 37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ, અને દોરીઓની સંભાળ પણ તેમણે જ રાખવાની હતી.
38 મૂસા હારુન અને તેના પુત્રોનો મુકામ થાનકના પવિત્રમંડપની સામે ઉગમણી દિશામાં હતો. ઇસ્રાએલીઓ તરફથી મુલાકાતમંડપની પૂરી જવાબદારી તેઓને માંથે હતી. જો કોઈ બિનઅધિકૃત વ્યક્તિ એ ફરજ બજાવવા જાય તો તેને મૃત્યુદંડની સજા થતી.
39 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ અને હારુને કુટુંબવાર ગણેલા એક મહિનાના અને તેની ઉપરની ઉમરના લેવી પુરુષોની સંખ્યા કુલ 22,000 હતી.
પ્રથમજનિતોનું સ્થાન લેતા લેવીઓ
40 યહોવાએ મૂસાને કહ્યુ, “એક મહિનાના અને તેની ઉપરની ઉમરના બધા પ્રથમજનિત ઇસ્રાએલી પુરુષોની નોંધણી કર અને તેમની સંખ્યા ગણ. 41 અને તું એ પ્રથમજનિત ઇસ્રાએલના પુરુષોની અવેજીમાં મને લેવીઓ સમર્પી દે. હું યહોવા છું, એ જ રીતે ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરના વાછરડાના અવેજીમાં લેવીઓનાં ઢોર મને સોંપી દે.”
42 યહોવાના કહ્યાં મુજબ મૂસાએ ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની યાદી તૈયાર કરી. 43 એક મહિનાના અને તેની ઉપરના પ્રથમજનિત પુત્રોની નામવાર યાદી કરી તો તેમની કુલ સંખ્યા 22,273 થઈ.
44 ત્યાર પછી યહોવાએ મૂસાને કહ્યું, 45 “ ‘બધા પ્રથમજનિત ઇસ્રાએલીઓના પુરુષોની અવેજીમાં મને લેવીઓ આપ; અને ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરનાં વાછરડાંના બદલામાં લેવીઓનાં ઢોર સોંપી દે. 46 લેવીઓની સંખ્યા કરતાં ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની સંખ્યા 273 જેટલી વધુ છે. એટલે તું તેઓને એ વધારના પુત્રોને છોડાવી લેવા કહે. 47 અધિકૃત માંપ પ્રમાંણે ખંડી લેવાના પ્રત્યેક પુરુષ દીઠ 5 શેકેલ ચાંદી આપવી. 48 અને તે નાણાં તારે હારુનને અને તેના પુત્રોને આપવાં.’ ”
49 ઇસ્રાએલના પ્રથમજનિત પુરુષો લેવીઓના પુરુષો કરતા 273 વધારે હતા: આ વધારના પ્રથમજનિતોને છોડાવવાં મૂસાએ ઇસ્રાએલીઓ પાસેથી નાણાં એકઠા કર્યા. 50 અધિકૃત માંપ અનુસાર એ રકમ 1,365 શેકેલ ચાંદી જેટલી હતી. 51 યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ મૂસાએ તે રકમ હારુનને અને તેના પુત્રોને આપી દીધી.