18
નિર્દેશક માટે. યહોવાના સેવકનું ગીત, જે દિવસે યહોવાએ તેને તેના બધાં શત્રુઓના હાથમાંથી તથા શાઉલનાં હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનું વચન કહ્યું.
“હે યહોવા, મારા સાર્મથ્ય,
હું તમને ચાહું છું.”
 
યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે.
દેવ મારો ખડક છે.
તે મારું આશ્રયસ્થાન છે.
તે મારી ઢાલ છે.
તેની શકિત મારું રક્ષણ કરે છે.*તેની … કરે છે મૂળ પ્રમાણે: “તે મારા તારણનું શિંગ છે.”
પર્વતોમાં ખૂબ ઉંચાઇ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે.
 
યહોવા સ્તુતિપાત્ર છે,
હું તેમને વિનંતી કરીશ
અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.
મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે,
અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે.
મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.
મને મારા સંકટમાં સહાય કરવાં
મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી,
તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો,
અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.
ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા,
અને હલવા લાગ્યા.
પર્વતો ધ્રુજી ઊઠયા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.
તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો,
અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો.
તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.
તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા
વાદળા સાથે નીચે ઉતર્યા.
10 તેકરૂબ પર ચડીને ઊડતા હતાં.
અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.
11 તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે.
અને પોતાના માર્ગને મેઘજળનાં ગાઢ વાદળોથી ઢાંકી દીધેલ છે.
12 એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી.
પરિણામે ત્યાં કરાં વરસવાં લાગ્યા અને આગના તણખાં ઝર્યા.
13 યહોવાએ આકાશમાંથી ગર્જના કરી અને પરાત્પર દેવે મોટો અવાજ કાઢયો.
એના પરિણામે ત્યાં કરાઁ પડ્યા અને વીજળીના ચમકારા થયા.
14 તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર
છોડ્યા અને તેમને મુંજવીને વિખેરી નાખ્યાં.
 
15 પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ,
સમુદ્રનાં તળિયાં દેખાયાઁ.
તમારાં નસકોરાઁના શ્વાસથી
ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.
 
16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો
અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો.
17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો,
કારણ કે તેઓ મારા કરતાઁ જોરાવર હતા અને મને ધિક્કારતાં હતા.
18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા,
અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો.
19 તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં.
અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા.
20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે,
મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે,
અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.
22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું.
મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.
23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો
અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.
24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને
તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.
 
25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો.
જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.
26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો.
પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 તમે ગરીબ લોકોને બચાવો છો,
અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો!
મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.
29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું.
અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.
 
30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે;
જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.
31 કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે?
તેનાં વિના ખડક સમાન બીજું કોણ છે?
32 તેમની શકિતથી તેઓ મને ભરી દે છે
અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
33 તે મારા પગોને હરણીના જેવું દોડવાં જેવા બનાવે છે
અને ઉંચાઇઓ પર મને સ્થિર રાખે છે.
34 મારા હાથોને તેઓ લડતાં શીખવે છે.
પિત્તળનું ધનુષ્ય ખેંચવાની શકિત તેઓ મને આપે છે.
 
35 તમે તમારા તારણની ઢાલ મને છે,
તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે,
અને તમારી અમીષ્ટિએ મને મોટો કર્યો છે.
36 તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે,
જેથી મારા પગ કદી લપસ્યાં નથી.
37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ;
અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.
38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે.
તેઓ મારા પગે પડશે.
39 કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે.
મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે.
40 શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી.
તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે.
41 તેઓએ ઘણી બૂમો પાડી છતાં
તેઓને બચાવનાર કોઇ નહોતું. હા,
તેઓએ યહોવાને વિનંતી કરી,
પરંતુ કોઇ જવાબ મળ્યો નહિ.
42 પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યાં છે
અને ગલીઓમાંની ધૂળની જેમ તેમને કચડી નાખ્યાં છે.
 
43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો.
મને બીજા રાષ્ટોનો રાજા બનાવો.
જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.
44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે.
અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
45 પરદેશીઓ હિંમત ગુમાવી બેઠાં છે,
અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.
 
46 યહોવા જીવતા જાગતા દેવ છે.
મારા રક્ષકને ધન્ય હો;
મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો.
47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે
અને રાષ્ટોને મારા તાબામાં મૂકે છે.
48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે.
 
અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે.
મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.
49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ,
અને હું તારા નામનાં સ્રોત્ર ગાઇશ.
 
50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે,
યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે.
યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.
 

*18:2: તેની … કરે છે મૂળ પ્રમાણે: “તે મારા તારણનું શિંગ છે.”