35
દાઉદનું ગીત. 
  1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;  
મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.   
 2 તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,  
અને મારું રક્ષણ કરો.   
 3 ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,  
મારા આત્માને ખાત્રીથી કહો કે,  
“તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”   
 4 જેઓ મારા જીવના તરસ્યા છે  
તેઓ ફજેત થઇને બદનામ થાઓ;  
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,  
તેઓ રઝળી પડો અને પાછા હઠો.   
 5 તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,  
અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.   
 6 હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;  
યહોવાનો દૂત તેમની પાછળ પડો.   
 7 તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,  
વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.   
 8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,  
પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;  
પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.   
 9 પણ હું યહોવાથી આનંદિત થઇશ,  
અને તેમનાં તારણમાં સુખી થઇશ.   
 10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,  
“હે યહોવા, તમારા જેવું કોણ છે?  
જે લાચારને બળવાનથી બચાવે છે,  
અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”   
 11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,  
અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.   
 12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,  
તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.   
 13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો  
પહેરીને મારી દિલગીરી બતાવી હતી.  
તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?   
 14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;  
જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.   
 15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.  
તે લોકો સાચા મિત્રો ન હતાં.  
હું તેમને ઓળખતો પણ ન હતો.  
પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.   
 16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,  
તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.   
 17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?  
તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.  
મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.   
 18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.  
ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.   
 19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.  
આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે  
તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.   
 20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.  
ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.   
 21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,  
તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”   
 22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,  
હવે તમે શાંત બેસી રહેશો નહિ;  
અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.   
 23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.  
મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.   
 24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.  
મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.   
 25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે  
અને તેમનો વિનાશ કર્યો છે.”   
 26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ  
અને તેઓ લજ્જિત થાવ.  
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ  
અને શરમાઇ જાઓ.   
 27 જે લોકો મને નિદોર્ષ ઠરાવવા માંગતા હોય  
તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.  
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!  
તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”   
 28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે  
અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.