19
આકાશમાં લોકો દેવની સ્તુતિ કરે છે
આ પછી મેં આકાશમાં ઘણા લોકોના સમૂહના જેવો મોટો અવાજ સાંભળ્યો. તે લોકો કહેતા હતા કે:
 
“હાલેલુયા!*હાલેલુયા અર્થાત પ્રભુની સ્તુતિ થાઓ!
આપણા દેવને તારણ, મહિમા અને પરાક્રમ છે.
તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે.
તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી.
આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”
 
આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે:
 
“હાલેલુયા!
તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.”
 
પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે:
 
“આમીન, હાલેલુયા!”
 
પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:
 
“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો.
તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”
 
પછી મેં જનસમૂહના અવાજના જેવું કંઈક સાંભળ્યું. તે પાણીના પૂરના જેવી અને ભારે ગર્જનાઓ જેવી વાણી હતી. લોકો કહેતા હતા કે:
 
“હાલેલુયા!
આપણો પ્રભુ દેવ સર્વશક્તિમાન
રાજ કરે છે.
આપણે આનંદ કરીએ અને ખુશ થઈએ અને દેવનો મહિમા ગાઇએ!
દેવને મહિમા આપીએ, કારણ કે હલવાન (ઈસુ) ના લગ્નનો દિવસ આવ્યો છે,
હલવાનની કન્યા (મંડળી) તેની જાતે તૈયાર થઈ છે.
સુંદર શણનું વસ્ત્ર વધૂને તેણે પહેરવા માટે આપ્યું છે.
તે શણનું વસ્ત્ર તેજસ્વી અને સ્વચ્છ છે.”
 
(તે સુંદર શણનું વસ્ત્ર સંતોના સત્કર્મો રૂપ છે. જે સારી વસ્તુઓ કરી છે તે.)
પછી તે દૂતે મને કહ્યું કે, “આ લખ: પેલા લોકો કે જેઓને હલવાનના લગ્નમાં ભોજન માટે નિમંત્રણ અપાયાં છે, તે લોકોને ધન્ય છે!” પછી તે દૂતે કહ્યું કે, “આ દેવના ખરાં વચનો છે.”
10 પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”
શ્વેત ઘોડા પરનો સવાર
11 પછી મેં ઊઘડેલું આકાશ જોયું. ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો. ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે. તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે. 12 તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે. 13 તેણે રક્તથી છંટાયેલો ઝભ્ભો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દ છે. 14 આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં. તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા. તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા. 15 એક અણીદાર બેધારી તલવાર સવારના મોંમાંથી બહાર આવી. તે આ તલવારનો ઉપયોગ રાષ્ટ્રોને હરાવવા માટે કરશે. તે લોઢાના દંડથી રાષ્ટ્રો પર શાસન કરશે. તે સર્વશક્તિમાન દેવના ભયંકર કોપનો દ્રાક્ષકુંડ ખૂંદે છે. 16 તેના ઝભ્ભા પર તથા તેની જાંધ પર આ નામ લખેલું હતું:
 
રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ
 
17 પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તે દૂતે આકાશમાં ઊંચે ઊડતાં બધાં પક્ષીઓને મોટા સાદે કહ્યું કે, “દેવના સાંજના મહાન જમણ માટે સાથે મળીને આવો. 18 જેથી તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”
19 પછી મેં શ્વાપદ અને પૃથ્વીના રાજાઓને જોયા. તેઓના સૈન્યોના ઘોડેસવારો અને તેઓનાં લશ્કરો ભેગાં થયા હતાં અને લડવા તૈયાર હતા. તે જોયું. 20 પણ તે શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકો ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તે જૂઠા પ્રબોધક અને તે પ્રાણીને ગંધકથી બળનારા અગ્નિના સરોવરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યાં. 21 તેમનાં સૈન્યોને ઘોડા પરના સવારના મોંઢામાથી બહાર નીકળેલી તલવાર વડે મારી નંખાયા. બધાં પક્ષીઓએ તૃપ્ત થતાં સુધી આ મૃત શરીરોને ખાધાં.

*19:1: હાલેલુયા અર્થાત પ્રભુની સ્તુતિ થાઓ!