રોમનોને પત્ર
1
બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું.
દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો.
તેના લોકોને આ સુવાર્તા આપવાનું વચન દેવે તેના પ્રબોધકો મારફતે આપ્યું હતું. પવિત્ર શાસ્ત્રમાં આ વચન લખેલું છે. 3-4 આ સુવાર્તા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે દેવનો દીકરો છે, જો કે એક વ્યક્તિ તરીકે તેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો હતો. પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો.
દેવે ખ્રિસ્ત દ્વારા, તેના પ્રેરિત બનવાનું આ ખાસ મહત્વનું કામ મને સોંપ્યું છે. બધા દેશોના લોકો દેવમાં વિશ્વાસ રાખીને તેની આજ્ઞા પાળે એવું માર્ગદર્શન આપવાનું કામ દેવે મને આપ્યું છે. ખ્રિસ્ત માટે આ કાર્ય હું કરી રહ્યો છું. હે રોમવાસીઓ, તમે પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડાયેલાં છો.
તમે તે લોકો છો જેઓને દેવ ચાહે છે અને પોતાના પવિત્ર લોકો થવા માટે તમને બોલાવ્યા છે. એવા તમ સર્વ લોકોને હું આ પત્ર લખું છું.
આપણા પિતા દેવથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા અને શાંતિ થાઓ.
આભારસ્તુતિની પ્રાર્થના
ઈસુ ખ્રિસ્ત દ્વારા હું દેવનો તમારા સર્વને માટે આભાર માનું છું. તમે રોમવાસીઓ પણ દેવમાં અસીમ વિશ્વાસ ધરાવો છો એવું કહેતા ઘણા લોકોને મેં સાંભળ્યા છે. તેથી દેવનો આભાર માનું છું. 9-10 જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે તમને યાદ કરું છું. દેવ જાણે છે કે આ વાત સાચી છે. દેવના દીકરા વિષેની સુવાર્તા લોકોમાં ફેલાવીને મારા આત્મા સાથે દેવની સેવા કરું છું. તમો સર્વ રોમવાસીઓ વચ્ચે પ્રભુ મને આવવા દે એવી મારી પ્રાર્થના છે. દેવની ઈચ્છા હશે તો એમ થશે. 11 તમ સૌને મળવાનું મને ઘણું મન થાય છે. હું તમને કોઈ આત્મિક દાન આપીને વધારે સાર્મથ્યવાન બનાવવા ઈચ્છું છું. 12 હું એમ કહેવા માગું છું કે આપણને જેમાં વિશ્વાસ છે તેના વડે આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ. તમારો વિશ્વાસ મને મદદ કરશે, અને મારો વિશ્વાસ તમને.
13 ભાઈઓ અને બહેનો, તમારા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થવા માટે તમારી પાસે આવવા અનેકવાર મેં તૈયારીઓ કરી હતી. પરંતુ મને આવવા દીધો નથી, એની નોંધ લેવા વિનંતી. જેમ બીજા બિન-યહૂદિ લોકોને મેં જે રીતે મદદ કરી છે. તે રીતે તમને પણ મદદ કરવાની મારી ઈચ્છા છે.
14 ગ્રીક લોકો તથા બિન-ગ્રીક લોકો, શાણા તેમ જ મૂર્ખ લોકો કે જે સૌની સેવા મારે કરવી જોઈએ. 15 તેથી જ રોમના લોકોને દેવની આ સુવાર્તા પહોંચાડવા હું અત્યંત આતુર છું.
16 આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને. 17 દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.”ઉલ્લેખઃ હબા. 2:4
સઘળા પાપી છે
18 સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે. 19 દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે.
20 દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ.
21 આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો. 22 લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા. 23 અવિનાશી દેવના મહિમાને બદલે, પૃથ્વી પરના માનવો જેવી મૂર્તિઓ બનાવીને લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. પશુ, પક્ષી અને નાગો જેવી વસ્તુઓ દ્વારા લોકો દેવના મહિમાનો વેપાર કરવા લાગ્યા.
24 માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ. 25 દેવ વિષેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યુ તે દેવની સેવા-ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ ર્સજીત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા ખરેખર તો લોકોએ ઉત્પન્નકર્તાની સર્વકાળ સ્તુતિ કરવી. આમીન.
26 લોકોએ એવાં પાપી કાર્યો કર્યા તેથી, દેવે તેમને તરછોડી દીધા અને તેઓની ઈચ્છા મુજબ તેઓને શરમજનક મનોવિકારમાં રાખ્યા. પુરુંષો સાથે સ્વાભાવિક રીતે લગ્ન સબંધ માણવાનું સ્ત્રીઓએ બંધ કર્યુ. તેને બદલે અન્ય સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અસ્વાભાવિક વ્યવહાર કરવા લાગી. 27 એ જ પ્રમાણે, સ્ત્રીઓ સાથે સ્વાભાવિક લગ્ન સંબંધ ભોગવવાને બદલે પુરુંષો પણ એકબીજા સાથેની સજાતીય ઈચ્છાથી બળવા લાગ્યા. આમ પુરુંષો એકબીજા સાથે શરમજનક વ્યવહાર કરવા લાગ્યા. તેથી આવા અયોગ્ય વ્યવહારને કારણે તેઓને પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવવું પડ્યું.
28 દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું એ જ મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે ન કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે. 29 સ્વાર્થ, ધિક્કાર, અનિષ્ટ એમ દરેક પ્રકારનાં પાપ વડે એ લોકોનું જીવન ભરપૂર જણાય છે. એકબીજા માટે ખરાબમાં ખરાબ વિચારો ધરાવતા આ લોકોમાં ઈર્ષ્યા, ખૂન, ઝઘડા, જૂઠ્ઠાણું (છેતરપીંડી) વગેરે અનેક અનિષ્ટ પાપોએ પ્રવેશ કર્યો છે. 30 તેઓ એકબીજા વિષે નિંદા કર્યો કરે છે. તેઓ આ રીતે દેવને પણ ધિક્કારે છે. તેઓ ઉદ્ધત અને મિથ્યાભિમાની છે અને પોતાના વિષે બડાશો માર્યા કરે છે. અનિષ્ટ કરવાના નવા નવા માર્ગો તેઓ શોધી કાઢે છે. તેઓ પોતાના મા-બાપની આજ્ઞા પણ પાળતા નથી. 31 તેઓ મૂર્ખ છે, તેમનાં વચન પાળતા નથી, અને તેઓ બીજા લોકો પ્રત્યે દયા, મમતા, ભલાઈ દર્શાવતા નથી. 32 તેઓ સારી રીતે જાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે. તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે. એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે.

1:17: ઉલ્લેખઃ હબા. 2:4