7
1 કિર્યાથ-યારીમના માણસો આવ્યા, તેઓ ઈશ્વરનો કોશ લઈ, પર્વત ઉપર અબીનાદાબના ઘરમાં લાવ્યા, તેઓએ તેના દીકરા એલાઝારને ઈશ્વરના કોશની સંભાળ રાખવાને અભિષિક્ત કર્યો. 2 જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો, ત્યાર પછી લાંબો સમય વીતી ગયો એટલે કે વીસ વર્ષ થઈ ગયાં. ઇઝરાયલના ઘરોનાં સઘળાંએ વિલાપ કર્યો અને ઈશ્વર તરફ પાછા ફરવાની ઇચ્છા રાખી.
ઇઝરાયલ ઉપર શમુએલનું શાસન
3 ત્યારે શમુએલે ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું કે, “જો તમે પોતાના પૂરા હૃદયથી ઈશ્વરની તરફ ફરતા હો, તો તમારા મધ્યેથી અન્ય દેવો તથા આશ્તારોથને દૂર કરો, તમારાં અંતઃકરણો ઈશ્વરની પ્રત્યે લગાડો, કેવળ તેમની સ્તુતિ કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.” 4 ત્યારે ઇઝરાયલના લોકોએ બઆલિમ તથા આશ્તારોથને દૂર કરીને કેવળ ઈશ્વરની સ્તુતિ શરૂ કરી.
5 પછી શમુએલે કહ્યું, સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા કરો. હું તમારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરીશ.” 6 તેઓ મિસ્પામાં એકઠા થયા, તેઓએ પાણી કાઢીને ઈશ્વર આગળ રેડ્યું. તે દિવસે તેઓએ ઉપવાસ કર્યો અને કહ્યું, “અમે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલે ત્યાં ઇઝરાયલના લોકોની તકરારનો ન્યાય કર્યો અને આગેવાની આપી.
7 પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયલના લોકો મિસ્પામાં એકઠા થયા છે, ત્યારે પલિસ્તીઓના અધિકારીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પલિસ્તીઓથી ભયભીત થયા. 8 ત્યારે ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર આગળ અમારે સારુ વિનંતી કરવાનું પડતું ન મૂક, કે જેથી ઈશ્વર અમને પલિસ્તીઓના હાથમાંથી બચાવે.”
9 શમુએલે ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ ઈશ્વરને કર્યું અને તેણે ઇઝરાયલને સારુ ઈશ્વરની આગળ પોકાર કર્યો અને ઈશ્વરે તેને ઉત્તર આપ્યો.
10 જે વખતે શમુએલ દહનીયાર્પણ કરતો હતો, એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે ઈશ્વરે પલિસ્તીઓ ઉપર મોટા અવાજ સાથે ગર્જના કરી અને તેઓને ગભરાવી દીધા, તેઓને ઇઝરાયલીઓ આગળથી હાંકી કાઢ્યાં. 11 ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળ્યા, તેઓએ પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારની તળેટીએ પહોંચતાં સુધી તેઓને માર્યા.
12 ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેન*જેસ્સાનાની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર†સહાયનું પથ્થર પાડીને, કહ્યું, “અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે.” 13 આ રીતે પલિસ્તીઓ પરાજીત થયા, તેઓ ફરીથી ઇઝરાયલની હદમાં આવ્યા નહિ. શમુએલના સર્વ દિવસોમાં ઈશ્વરનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો. 14 જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લીધાં હતાં, ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં, એક્રોનથી છેક ગાથ સુધી તેઓની હદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી લઈ લીધી. અને ત્યાં ઇઝરાયલીઓ તથા અમોરીઓ વચ્ચે મન-મેળ હતો.
15 શમુએલે પોતાના આયુષ્યનાં સર્વ દિવસભર ઇઝરાયલનો ન્યાય કર્યો. 16 દર વર્ષે તે બેથેલ, ગિલ્ગાલ, મિસ્પામાં જતો હતો; એ બધે સ્થળે તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. 17 પછી રામામાં પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું; ત્યાં પણ તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. ત્યાં પણ તેણે ઈશ્વરને સારુ વેદી બાંધી.