તિમોથીને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર
લેખક
આ પત્રનો લેખક પાઉલ છે. પત્રનો શાસ્ત્રભાગ “ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત થયેલ પાઉલ” એમ સ્પષ્ટપણે લખે છે કે તે પાઉલ પ્રેરિત દ્વારા લખાયો હતો (1:1). શરૂઆતની મંડળીએ તેને સ્પષ્ટપણે પાઉલના અસલ લખાણ તરીકે સ્વીકાર્યો હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 62 થી 64 વચ્ચેનો છે. જ્યારે પાઉલ તિમોથીને એફેસસમાં છોડીને મકદોનિયા ગયો ત્યારે ત્યાંથી તેણે તેને આ પત્ર લખ્યો હતો (1:3; 3:14,15).
વાંચકવર્ગ
તિમોથીને પહેલો પત્ર એવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તે તિમોથીને કે જે પાઉલનો મુસાફરીનો સાથી અને તેની મિશનરી મુસાફરીઓમાં સહાયક હતો તેને સંબોધિત કરવામાં આવ્યો છે. તિમોથી તથા સમગ્ર મંડળી એમ બંને આ પત્રના ઇચ્છિત વાંચકો છે.
હેતુ
પત્રનો હેતુ ઈશ્વરના પરિવારે (મંડળીએ) મંડળીમાં કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ (3:14-15) તથા કેવી રીતે તિમોથીએ આ બોધને વળગી રહેવાનુ હતું તે વિષે સૂચનાઓ આપવાનો હતો. આ કલમો તિમોથીને પહેલા પત્રના પાઉલના હેતુવિધાનને પ્રગટ કરે છે. તે જણાવે છે કે તે આ લખી રહ્યો હતો કે જેથી તેઓને જાણ થાય કે લોકોએ ઈશ્વરના ઘરમાં કેવી રીતે વર્તવું જોઈએ કે જે જીવતા ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે. આ શાસ્ત્રભાગ બતાવે છે કે પાઉલ પત્રો મોકલે છે અને મંડળીઓનો વિકાસ કેવી રીતે કરવો તથા કેવી રીતે તેમને દ્રઢ કરવી તે વિષે પોતાના માણસોને સૂચનો આપે છે.
મુદ્રાલેખ
યુવાન શિષ્ય માટે બોધ
રૂપરેખા
1. સેવાકાર્ય માટેનો અભ્યાસ — 1:1-20
2. સેવાકાર્યનો સિદ્ધાંતો — 2:1-3:16
3. સેવાકાર્યનો જવાબદારીઓ — 4:1-6:21
1
પ્રસ્તાવના
ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ. ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી
હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે, અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.
આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે, જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે. તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી. પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ, 10 વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ 11 તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.
ઈશ્વરની દયાને માટે આભાર
12 મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણ્યો અને સેવામાં નિયુક્ત કર્યો; 13 જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું; 14 પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.
15 આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું; 16 પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. 17 જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.
18 દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે; 19 અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે. 20 તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.