17
ઇઝરાયલી હોશિયાનો રાજ્યકાળ
1 યહૂદિયાના રાજા આહાઝના કારકિર્દીને બારમા વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ રાજ કર્યુ. 2 તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, તોપણ તેની પહેલાં થઈ ગયેલા ઇઝરાયલના રાજાઓ જેવું નહિ. 3 આશ્શૂરના રાજા શાલ્માનેસેરે તેના પર હુમલો કર્યો, હોશિયા તેનો ચાકર બનીને તેને ખંડણી આપવા લાગ્યો.
સમરુનનું પતન
4 પણ આશ્શૂરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે, તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશ્શૂરના રાજાને ખંડણી ભરી ન હતી. તેથી આશ્શૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો. 5 પછી આશ્શૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો. 6 હોશિયાને કારકિર્દીને નવમે વર્ષે આશ્શૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશ્શૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.
7 આમ થવાનું કારણ એ હતું કે, ઇઝરાયલના લોકોએ તેઓને મિસરના રાજા ફારુનના હાથ નીચેથી છોડાવી મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું હતું. લોકોએ બીજા દેવોની સેવા કરી હતી. 8 અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
9 ઇઝરાયલી લોકોએ ઈશ્વર યહોવાહની વિરુદ્ધ જે સારા ન હતાં તેવાં કામ ગુપ્ત રીતે કર્યાં. તેઓએ પોતાનાં બધાં નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચસ્થાનો બાંધ્યાં. 10 તેઓએ દરેક ઉચ્ચસ્થાન પર અને લીલાં વૃક્ષ નીચે સ્તંભો અને અશેરીમ મૂર્તિઓ ઊભી કરી હતી.
11 યહોવાહે જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી, તે લોકોની જેમ ત્યાં તેઓ બધાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયલીઓ દુષ્ટ કામો કરીને યહોવાહને ગુસ્સે કરતા હતા; 12 તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, જેના વિષે યહોવાહે તેઓને કહ્યું હતું, “તમારે આ કામ કરવું નહિ.”
13 તેમ છતાં યહોવાહે ઇઝરાયલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે, “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, જે નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો.”
14 પણ તેઓએ યહોવાહનું સાંભળ્યું નહિ; પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા. 15 તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાહના વિધિઓ અને કરારનો, તેમ જ યહોવાહે તેઓને આપેલા સાક્ષ્યોનો ત્યાગ કર્યો હતો. તેઓ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નકામા થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિષે યહોવાહે ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું.
16 તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશના બધાં જ્યોતિમંડળની અને બઆલની પૂજા કરી હતી. 17 તેઓએ પોતાના દીકરા અને દીકરીઓનાં બલિદાન અગ્નિમાં દહનીયાપર્ણની માફક આપ્યાં હતાં. તેઓ શકુનવિદ્યા અને તંત્રમંત્રનો ઉપયોગ કરતા હતા. યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાહને ગુસ્સે કર્યા હતા. 18 તે માટે યહોવાહે અતિશય કોપાયમાન થઈને ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદિયાના કુળ સિવાય બીજું કોઈ ત્યાં રહ્યું નહિ.
19 યહૂદિયાએ પણ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓ પાળી નહિ, પણ ઇઝરાયલના બનાવેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા. 20 તેથી યહોવાહે ઇઝરાયલના બધા વંશજોનો ત્યાગ કર્યો, તેઓના પર દુઃખ લાવ્યા, તેઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા અને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા.
21 જયારે યહોવાહે ઇઝરાયલીઓને*ઉત્તર રાજ્ય દાઉદના કુળમાંથી†યહૂદા જે દક્ષિણ રાજ્ય છે વિભાજિત કરીને છૂટા પાડ્યા, ત્યારે તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા બનાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાહનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું. 22 ઇઝરાયલી લોકો યરોબામે જે બધાં પાપો કર્યાં હતાં તે પ્રમાણે ચાલ્યા. તેઓએ તે પાપો કરવાનું છોડ્યું નહિ. 23 માટે યહોવાહે તેઓના બધા સેવક પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલને તેઓના પોતાના દેશમાંથી આશ્શૂરમાં લઈ જવામાં આવ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.
ઇઝરાયલમાં આશ્શૂરી પ્રજાઓનો વસવાટ
24 આશ્શૂરના રાજાએ બાબિલ, કુથા, આવ્વા, હમાથ તથા સફાર્વાઈમમાંથી લોકોને લાવીને ઇઝરાયલી લોકોની જગ્યાએ સમરુનનાં નગરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરુનનો કબજો લીધો. અને તેઓ તેનાં નગરોમાં રહ્યા. 25 ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા. 26 માટે તેઓએ આશ્શૂરના રાજાને કહેવડાવ્યું કે, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનના નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી. આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે, જુઓ સિંહો લોકોને મારી નાખે છે, કેમ કે, એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા.”
27 ત્યારે આશ્શૂરના રાજાએ આજ્ઞા કરી કે, “જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે.” 28 તેથી જે યાજકોને તેઓ સમરુનમાંથી લઈ આવ્યા હતા, તેઓમાંથી એક યાજક આવીને બેથેલમાં રહ્યો, તેણે તેઓને કેવી રીતે યહોવાહની આરાધના કરવી તે શીખવ્યું.
29 દરેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવો બનાવીને તેઓ જયાં રહેતા હતા તે નગરમાં, ત્યાં સમરુનીઓએ બનાવેલા ઉચ્ચસ્થાનોમાં તેઓને મૂક્યા. 30 બાબિલના લોકોએ સુક્કોથ-બનોથ નામે મૂર્તિ બનાવી; કુથના લોકોએ નેર્ગાલ નામે મૂર્તિ બનાવી; હમાથના લોકોએ અશીમા નામે મૂર્તિ બનાવી; 31 આવ્વીના લોકોએ નિબ્હાઝ અને તાંર્તાક નામે મૂર્તિ બનાવી, સફાર્વીઓએ પોતાના બાળકનું સફાર્વાઈમના દેવ આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખની આગળ દહનીયાપર્ણ કર્યું.
32 એમ તેઓ યહોવાહનું ભય રાખતા હતા, તેઓ પોતાનામાંથી ઉચ્ચસ્થાનોના યાજક નિયુકત કરતા, જે તેઓના માટે ઉચ્ચસ્થાનોના સભાસ્થાનોમાં યજ્ઞ કરતા. 33 તેઓ યહોવાહનું ભય રાખતા હતા અને જે દેશમાંથી તેઓને લઈ આવવામાં આવ્યા તેઓના વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
34 આજ દિવસ સુધી તે લોકો આ જ રીત પ્રમાણે કરે છે. તેઓ યહોવાહનું ભય રાખતા નથી, કે તેઓ પોતાના વિધિઓ, હુકમો, નિયમ તથા આજ્ઞાઓ યહોવાહે યાકૂબના લોકોને આપ્યાં તે પ્રમાણે તેઓ વર્તતા નથી. જેનું નામ તેમણે ઇઝરાયલ પાડ્યું તે પ્રમાણે તેઓ વર્તતા નથી. 35 યહોવાહે તેઓની સાથે કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે બીજા દેવોનો ડર રાખવો નહિ, તેઓને નમવું નહિ, તેમની પૂજા કરવી નહિ, તેમને યજ્ઞો કરવા નહિ.
36 પણ યહોવાહ કે જે તમને પોતાની મહાન શક્તિથી તથા લંબાવેલા હાથથી મિસર દેશમાંથી બહાર લાવ્યા, તેમનો જ ભય રાખવો, તેમને જ તમારે નમવું અને તેમને જ તમારે યજ્ઞ કરવા. 37 જે વિધિઓ, કાનૂનો, નિયમ તથા આજ્ઞા યહોવાહે તમારે માટે લખ્યાં, તેનું તમારે સદાકાળ પાલન કરવું. તમે બીજા દેવોથી ડરશો નહિ, 38 મેં તમારી સાથે જે કરાર કર્યો છે તે તમારે ભૂલી જવો નહિ અને બીજા દેવોની પૂજા કરવી નહિ.
39 પણ તમારા યહોવાહ ઈશ્વરનો તમારે ભય રાખવો. તે તમને તમારા સર્વ શત્રુઓથી છોડાવશે.” 40 પણ તેઓએ તે સાંભળ્યું નહિ, અને તેઓએ ભૂતકાળમાં જે કર્યું હતું તે કરવાનું ચાલુ રાખ્યું. 41 આમ, તે લોકો યહોવાહનું ભય રાખતા અને પોતાની કોતરેલી મૂર્તિઓની પણ પૂજા કરતા હતા, તેઓનાં સંતાનો તેમ જ તેઓનાં સંતાનોનાં સંતાનો પણ, જેમ તેઓના પિતૃઓ કરતા હતા તેમ, આજ દિવસ સુધી કરે છે.