3
સર્વ બાબત માટે સમય
પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે.
જન્મ લેવાનો સમય અને મૃત્યુ પામવાનો સમય,
છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય;
મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય,
તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.
રડવાનો સમય અને હસવાનો સમય;
શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય.
પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય;
આલિંગન કરવાનો સમય તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય.
શોધવાનો સમય અને ગુમાવવાનો સમય,
રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય;
ફાડવાનો સમય અને સીવવાનો સમય,
શાંત રહેવાનો સમય અને બોલવાનો સમય.
પ્રેમ કરવાનો સમય અને ધિક્કારવાનો સમય
યુદ્ધનો સમય અને સલાહ શાંતિનો સમય. જે વિષે તે સખત પરિશ્રમ કરે છે તેથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? 10 જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે.
11 યહોવાહે પ્રત્યેક વસ્તુને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી તે અંત સુધી ઈશ્વરનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.
12 હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવો અને ભલું કરવું તે કરતાં તેના માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. 13 વળી તેણે ખાવું, પીવું અને પોતાની સર્વ મહેનતથી સંતોષ અનુભવવો. આ તેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.
14 હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સર્વ સદાને માટે રહેશે. તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, અને મનુષ્યો તેનો ડર રાખે તે હેતુથી ઈશ્વરે તે કર્યું છે.
15 જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે;
અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે.
અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે.
દુનિયામાં અન્યાય
16 વળી મેં પૃથ્વી પર જોયું કે સદાચારની જગાએ દુષ્ટતા અને નેકીની જગ્યાએ અનિષ્ટ છે. 17 મેં મારી જાતને કહ્યું કે, “યહોવાહ ન્યાયી અને દુષ્ટનો ન્યાય કરશે કેમ કે પ્રત્યેક પ્રયોજનને માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”
18 પછી મેં મારા મનમાં વિચાર્યું કે, “ઈશ્વર મનુષ્યની કસોટી કરે છે. તેથી તેઓ સમજે કે તેઓ પશુ સમાન છે.”
19 કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે. તેઓની એક જ સ્થિતિ થાય છે. જેમ એક મરે છે. તેમ બીજું પણ મરે છે. તે સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય પશુઓ કરતાં જરાય શ્રેષ્ઠ નથી. શું તે સઘળું વ્યર્થ નથી? 20 એક જ જગાએ સર્વ જાય છે સર્વ ધૂળના છીએ અને અંતે સર્વ ધૂળમાં જ મળી જાય છે.
21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે તેની ખબર કોને છે? 22 તેથી મેં જોયું કે, માણસે પોતાના કામમાં મગ્ન રહેવું તેથી વધારે સારું બીજું કશું નથી. કેમ કે એ જ તેનો હિસ્સો છે. ભવિષ્યમાં શું બનવાનું છે તે તેને કોણ દેખાડશે?