એસ્તેર
લેખક
એસ્તેરના પુસ્તકનો અજ્ઞાત લેખક સંભવિત રીતે ઇરાનના રાજદરબાર સાથે ખૂબ જ પરિચિત એવી યહૂદી વ્યક્તિ હતી. દરબારનું જીવન તથા પરંપરાઓ અને સાથેસાથે પુસ્તકમાં બનતી ઘટનાઓના વિગતવાર વર્ણનો એક નજરે જોનાર સાક્ષી એવા લેખક તરફ ઇશારો કરે છે. વિદ્વાનો માને છે કે ઝરુબ્બાબેલની આગેવાની હેઠળ યહૂદિયા પાછા ફરેલા શેષ લોકો માટે લખતો તે એક યહૂદી વ્યક્તિ હતો. જો કે લખાણમાં જોવા મળતી તેની પ્રશંસાઓ સૂચવે છે કે કોઈ બીજી વ્યક્તિ, કદાચને તેની કોઈ જુવાન સમકાલિન વ્યક્તિ લેખક હતી તો પણ કેટલાક લોકોએ સૂચવ્યું છે કે મોર્દખાય પોતે લેખક હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 464 થી 331 વચ્ચેનો છે.
આ વાર્તા ઇરાનના રાજા પહેલા આર્તાહશાસ્તાના રાજ્યકાળ દરમ્યાન મુખ્યત્વે સુસામાંના રાજાના મહેલમાં બને છે કે જે ઇરાનના સામ્રાજ્યનું પાટનગર હતું.
વાંચકવર્ગ
એસ્તેરનું પુસ્તક પુરીમ એટલે કે ચિઠ્ઠીઓના પર્વની શરૂઆત નોંધવા માટે યહૂદી લોકોને લખાયું હતું. આ વાર્ષિક પર્વ, મિસરની ગુલામીમાંથી તેમના છૂટકારાની જેમ, ઈશ્વરનો યહૂદી લોકો માટેનો બચાવ સ્મરણ કરે છે.
હેતુ
આ પુસ્તકનો હેતુ ઈશ્વરનો મનુષ્યની ઇચ્છા સાથેનો વ્યવહાર, જાતિ આધારિત પૂર્વગ્રહ તરફની તેમની નફરત તથા જોખમોના સમયમાં બુદ્ધિ અને મદદ આપવાનું તેમનું સામર્થ્ય બતાવવાનો છે. ઈશ્વરનો હાથ તેમના લોકોના જીવનોમાં કાર્યરત છે. જેમ તેઓ બધા જ મનુષ્યોના નિર્ણયો તથા વ્યવહારોનો ઉપયોગ કરે છે તેમ, તેમણે એસ્તેરના જીવનના સંજોગોનો ઉપયોગ પોતાની ઈશ્વરીય યોજનાઓ તથા હેતુઓને ઈશ્વરીય રીતે પાર પાડવા કર્યો. એસ્તેરનું પુસ્તક પુરીમ પર્વના પ્રારંભને નોંધે છે અને યહૂદીઓ આજે પણ પુરીમના પર્વ દરમ્યાન તેને વાંચે છે.
મુદ્રાલેખ
સાચવણી
રૂપરેખા
1. એસ્તેર રાણી બને છે — 1:1-2:23
2. ઈશ્વરના યહૂદી લોકો માટે જોખમ — 3:1-15
3. એસ્તેર અને મોર્દખાયની કાર્યવાહી — 4:1-5:14
4. યહૂદીઓનો છૂટકારો — 6:1-10:3
1
આહાશ્વેરોશે આપેલી મિજબાની
અહાશ્વેરોશ રાજા જે ભારત દેશથી કૂશ*ઈથિયોપિયા સુધીના એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો તેના સમયમાં એવું બન્યું કે, રાજા અહાશ્વેરોશ સૂસાના મહેલમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતો તે દરમિયાન.
તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારો અને તેના સેવકોને મિજબાની આપી. ત્યારે ઇરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીર ઉમરાવો તથા સરદારો તેની સમક્ષ ઉપસ્થિત હતા. ત્યારથી તેણે પોતાના વિખ્યાત રાજ્યનું ગૌરવ અને પોતાના મહાપ્રતાપનો વૈભવ સતત એકસો એંશી દિવસ પ્રદર્શિત કર્યા.
એ દિવસો પછી રાજાએ સૂસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાનામોટાં સર્વ લોકોને, સાત દિવસ સુધી મહેલના બાગના ચોકમાં મિજબાની આપી. ત્યાં સફેદ, ભૂરા તથા જાંબુડી રંગના વસ્ત્રના પડદા ચાંદીની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો લાલ, ધોળા, પીળા તથા કાળાં આરસપહાણની ફરસબંધી પર સજાવેલા હતા.
તેઓને પીવા માટેના પ્યાલા સોનાના હતા. એ પ્યાલા વિશિષ્ઠ પ્રકારના હતા. અને રાજાની ઉદારતા પ્રમાણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મદીરા હતો. તે માપસર પીવામાં આવતો હતો, જોકે કોઈને પીવા માટે દબાણ કરી શકાતું ન હતું. કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, “તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે મદીરા પીરસવો.”
વાશ્તી રાણીએ રાજાના હુકમનો અનાદર કર્યો
રાજાની રાણી વાશ્તીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં ભવ્ય મિજબાની આપી. 10 સાતમે દિવસે જયારે રાજા દ્રાક્ષારસમાં મગ્ન હતો ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ એ સાત ખોજાપૌરુષહીન પુરુષો જેઓ મહત્વપૂર્ણ અધિકારીઓ હતા. જેઓ તેના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી 11 “વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકો તથા સરદારો સમક્ષ પ્રદર્શિત કરવા માટે મારી સમક્ષ હાજર કરો. તે દેખાવમાં ખૂબ રૂપાળી હતી.
12 પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે રાજાની સમક્ષ ઉપસ્થિત થવાની વાશ્તી રાણીએ ચોખ્ખી ના પાડી દીધી. આથી રાજા એટલો બધો ઉગ્ર થયો કે તે ક્રોધથી તપી ગયો.
બાદશાહી ફરમાન અને વાશ્તીને સજા
13 તેથી રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું. કેમ કે તે સમયે નિયમ તથા રૂઢી જાણનાર સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો. 14 હવે જેઓ રાજાની ખૂબ જ નિકટ હતા તેઓ કાર્શના, શેથાર આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના, અને મમૂખાન હતા. તેઓ સાત ઇરાનના અને માદાયના સરદારો હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પ્રથમ હરોળની બેઠકોના હકદાર હતા. 15 અહાશ્વેરોશ રાજાએ પૂછ્યું “કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે તેણે ખોજાઓ મારફતે આપેલી મારી આજ્ઞાની અવગણના કરી છે.”
16 પછી રાજા અને તેના સરદારો સમક્ષ મમૂખાને જણાવ્યું કે, “વાશ્તી રાણીએ કેવળ અહાશ્વેરોશ રાજાની વિરુદ્ધ જ નહિ પરંતુ રાજ્યના સર્વ પ્રાંતોના સર્વ સરદારો તથા તમામ લોકો વિરુદ્ધ પણ અપરાધ કર્યો છે. 17 જો રાણીએ કરેલું આ વર્તન સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે, તો સર્વત્ર એવી વાત પ્રસરી જશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સમક્ષ આવવાની આજ્ઞા કરી પણ તે આવી નહિ.’ એથી દેશની સ્ત્રીઓ પોતાના પતિઓને તુચ્છકારપાત્ર ગણશે. 18 જો ઇરાન તથા માદીના સરદારોની સ્ત્રીઓએ રાણીના આ કૃત્ય વિષે સાંભળ્યું હશે તો તેઓ પણ પોતાના પતિઓને એવા જ ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે.
19 જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહિ માટે ઇરાન તથા માદીના કાયદાઓમાં તે નોધાવું જોઈએ કે, ‘વાશ્તીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવવું.’ અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી રાણીને આપવું. 20 રાજા જે હુકમ કરશે તે જયારે તેના આખા સામ્રાજ્યમાં જાહેર થશે, ત્યારે સર્વ સ્ત્રીઓ પોતાના પતિઓને પછી ભલે તે નાના હોય કે મોટા પણ તેઓને માન આપશે.”
21 એ સલાહ રાજા તથા તેના સરદારોને સારી લાગી. તેથી રાજાએ મમૂખાનના કહેવા પ્રમાણે કર્યુ. 22 રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે, પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે.” અને એ હુકમ તે પોતાના લોકોની ભાષામાં જાહેર કરે.

*1:1 ઈથિયોપિયા

1:10 પૌરુષહીન પુરુષો જેઓ મહત્વપૂર્ણ અધિકારીઓ હતા.