6
સમ્રાટ કોરેશનો વટહુકમ મળી આવ્યો
તેથી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો. માદાય પ્રાંતના એકબાતાનાના કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો; તેમાં આ પ્રમાણે લખેલું હતું.
“કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરુશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો: ‘અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું. તે દીવાલની ઊંચાઈ સાઠ હાથ તથા પહોળાઈ સાઠ હાથ રાખવી. મોટા પથ્થરની ત્રણ હારો અને નવા લાકડાની એક હાર રાખવી. અને તેનો ખર્ચ રાજ્યના ભંડારમાંથી આપવો. તદુપરાંત યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી નબૂખાદનેસ્સાર સોનાચાંદીના જે વાસણો બાબિલના મંદિરમાં લઈ આવ્યો હતો, તે પાછાં યરુશાલેમમાંના ભક્તિસ્થાનમાં મોકલી, અસલ જગ્યાએ મૂકવા.’ ”
મંદિરનું કામ ચાલુ રાખવા સમ્રાટ દાર્યાવેશનો હુકમ
હવે તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા નદીની પેલી પારના તેમના સાથી અમલદારોએ દૂર રહેવું. ઈશ્વરના એ ભક્તિસ્થાનના બાંધકામને તમારે છેડવું નહિ. યહૂદિયાના શાસક તથા યહૂદીઓના વડીલો ઈશ્વરનું એ ભક્તિસ્થાન મૂળ સ્થાને ફરીથી બાંધે.
યહૂદીઓના વડીલોને ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવામાં તમારે મદદ કરવી એવો મારો હુકમ છે: રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને બાંધકામમાં અટકાવ થાય નહિ. તેઓને જે કોઈ ચીજની જરૂર હોય તે, એટલે આકાશના ઈશ્વરનાં દહનીયાર્પણો માટે જુવાન બળદો, બકરાં, ઘેટાં તથા હલવાનો, તેમ જ યરુશાલેમના યાજકોના કહેવા પ્રમાણે ઘઉં, મીઠું, દ્રાક્ષારસ તથા તેલ દરરોજ અચૂક આપવાં. 10 આ પ્રમાણે કરો કે જેથી તેઓ આકાશના ઈશ્વરની આગળ સુવાસિત યજ્ઞો કરે અને રાજાના તથા તેના પુત્રોના જીવનને માટે પ્રાર્થના કરે.
11 વળી મેં એવો હુકમ કર્યો છે કે જે કોઈ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરમાંથી એક મોભની શૂળી બનાવીને તેના પર તેને ચઢાવી દેવો. અને તેના ઘરનો ઉકરડો કરી નાખવો. 12 જે રાજાઓ કે પ્રજાઓ યરુશાલેમના ઈશ્વરના સભાસ્થાનનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ, તમને આ હુકમ કરું છું. તેનો ઝડપથી અમલ કરો!”
મંદિરની પ્રતિષ્ઠા
13 પછી તાત્તનાયે, શથાર-બોઝનાયે તથા તેમના સાથીઓએ દાર્યાવેશ રાજાએ ફરમાવ્યા પ્રમાણે આ હુકમનું પાલન કર્યું. 14 તેથી યહૂદીઓના વડીલોએ પ્રબોધકો હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યાનાં પ્રબોધથી પ્રેરાઈને સભાસ્થાનનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું. તેઓએ ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા મુજબ કોરેશ, દાર્યાવેશ અને ઇરાનના રાજા આર્તાહશાસ્તાના ઠરાવ પ્રમાણે બાંધકામ સમાપ્ત કર્યું. 15 દાર્યાવેશ રાજાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અદાર મહિનાના ત્રીજા દિવસે આ ભક્તિસ્થાન પૂરેપૂરું બંધાઈ રહ્યું.
16 ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ સભાસ્થાનનું પ્રતિષ્ઠાપર્વ આનંદપૂર્વક ઉજવ્યું. 17 ઈશ્વરના એ ભક્તિસ્થાનના પ્રતિષ્ઠાપર્વ પર તેઓએ સો બળદો, બસો ઘેટાં, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોનાં કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરાં સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણ તરીકે ચઢાવ્યા. 18 મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા.
પાસ્ખાપર્વની ઉજવણી
19 બંદીવાસમાંથી આવેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાપર્વ ઊજવ્યું. 20 યાજકોએ તથા લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યું હતું અને બંદીવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું.
21 બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ તથા દેશના મૂર્તિપૂજકોની અશુધ્ધતાથી અલગ થઈને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા માટે ભેગા થયેલા સર્વએ તે ખાધું. 22 સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીરી રોટલીનું પર્વ ઊજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશ્શૂરના રાજાના*આશ્શૂરના રાજાઓના સમય પછી ફારસના રાજાઓ શાસન કર્યા, જેમનું સામ્રાજ્ય બાબિલના લોકો દ્વારા અને પછી ફારસીઓ દ્વારા વારસામાં મેળવ્યું હતું. હૃદયમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.

*6:22 આશ્શૂરના રાજાઓના સમય પછી ફારસના રાજાઓ શાસન કર્યા, જેમનું સામ્રાજ્ય બાબિલના લોકો દ્વારા અને પછી ફારસીઓ દ્વારા વારસામાં મેળવ્યું હતું.