14
બંદીવાસમાંથી પાછા સ્વદેશ
કેમ કે યહોવાહ યાકૂબ પર દયા કરશે; તે ફરીથી ઇઝરાયલને પસંદ કરશે અને તેઓને પોતાની ભૂમિમાં વસાવશે. વિદેશીઓ તેઓની સાથે જોડાશે અને તેઓ યાકૂબના સંતાનોની સાથે જોડાશે. લોકો તેઓને તેઓના વતનમાં પાછા લાવશે. પછી યહોવાહની ભૂમિમાં ઇઝરાયલીઓ તેઓને દાસ અને દાસી તરીકે રાખશે. તેઓ પોતાને બંદીવાન કરનારાઓને બંદીવાન કરી લેશે અને તેઓના પર જુલમ કરનારાઓ પર તેઓ અધિકાર ચલાવશે.
બાબિલ સાથે વ્યંગ
યહોવાહ તને તારા કલેશથી તથા તારા સંતાપથી અને તમે જે સખત વૈતરું કર્યું છે તેમાંથી વિસામો આપશે. તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને આ ગીત ગાશે,
“જુલમીનો કેવો અંત આવ્યો છે, તેના ઉગ્ર ક્રોધનો કેવો અંત થયો છે!
યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,
જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી
પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે.
આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે.
હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે;
તેઓ કહે છે, ‘તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.’
જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે.
તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે,
વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે.
10 તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે,
‘તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે.
11 તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે.
તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.’
12 હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે!
બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે!
13 તેં તારા હૃદયમાં કહ્યું હતું, ‘હું આકાશમાં ઊંચે ચઢીશ
અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ
અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ;
14 હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.’
15 તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે!
16 જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે.
તેઓ કહેશે કે ‘શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,
17 જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?’
18 સર્વ દેશોના રાજાઓ,
તેઓ સર્વ, મહિમામાં, પોતપોતાની કબરમાં સૂતેલા છે.
19 પરંતુ જેઓને તલવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે,
જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.
20 તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ,
કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે
દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ.”
21 તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો,
રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે.
ઈશ્વર બાબિલનો વિનાશ કરશે
22 સૈન્યોના યહોવાહ કહે છે, “હું તેઓની સામે ઊઠીશ.”
“બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ સંતાનોને કાપી નાખીશ,” યહોવાહનું વચન એવું છે.
23 “હું તેને પણ ઘુવડોનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું કરી દઈશ
અને હું વિનાશના ઝાડુથી તેને સાફ કરી નાખીશ.” આ સૈન્યોના યહોવાહનું વચન છે.
ઈશ્વર આશ્શૂરનો વિનાશ કરશે
24 સૈન્યોના યહોવાહે શપથ લીધા છે, “નિશ્ચિત,
જે પ્રમાણે મેં ધારણા કરી છે, તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે:
25 એટલે મારા દેશમાં હું આશ્શૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ.
ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે.”
26 જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે.
27 કેમ કે સૈન્યોના યહોવાહે જે યોજના કરી છે; તેમને કોણ રોકશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?
ઈશ્વર પલિસ્તીઓનો વિનાશ કરશે
28 આહાઝ રાજા મરણ પામ્યો તે વર્ષે આ જાહેરાત કરવામાં આવી:
29 હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે હરખાશો નહિ.
કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે અને તેમાંથી ઊડતા સાપ પેદા થશે.
30 ગરીબોના પ્રથમજનિત ખાશે અને જરૂરતમંદો સુરક્ષામાં સૂઈ જશે.
હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ અને તારા સર્વ બચેલાની કતલ કરવામાં આવશે.
31 વિલાપ કર, હે પલિસ્તી દેશ; વિલાપ કર, હે નગર તું પીગળી જા.
કેમ કે ઉત્તર તરફથી ધુમાડાનાં વાદળ આવે છે અને તેમના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.
32 તો દેશના સંદેશવાહકોને કેવો ઉત્તર આપવો?
તે આ કે, યહોવાહે સિયોનનો પાયો નાખેલો છે અને તેમના લોકોમાંના જેઓ દીન છે તેઓ તેમાં આશ્રય લઈ શકે છે.