20
મિસર તથા કૂશ માટે નગ્ન પ્રબોધકની નિશાની
1 આશ્શૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો અને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું. 2 તે જ સમયે યહોવાહે આમોસના દીકરા યશાયાની મારફતે કહ્યું કે, “જા અને તારી કમર પરથી ટાટ ઉતાર અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” તેણે એ પ્રમાણે કર્યુ, તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.
3 યહોવાહે કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે” 4 તેમ આશ્શૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાનો તથા વડીલોને, ઉઘાડે શરીરે તથા પગે, નિર્વસ્ત્ર અવસ્થામાં મિસરને લાજ લાગે એવી રીતે લઈ જશે.
5 તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે. 6 તે દિવસે આ કાંઠાના રહેવાસીઓ કહેશે કે, “નિશ્ચિત, આપણી આશાનો સ્રોત, જ્યાં આશ્શૂરના રાજાથી છૂટકો પામવા સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે કેવી રીતે બચીશું?”