26
અયૂબ
1 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:
2 “સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે?
અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?
3 અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો?
અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?
4 તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો?
તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”
બિલ્દાદ
5 બિલ્દાદે ઉત્તર આપ્યો કે,
પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે.
6 ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે,
અને વિનાશને કોઈ આવરણ નથી.
7 ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે,
અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
8 તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે
અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.
9 ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે.
તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
10 તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે,
પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.
11 તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે
અને વિસ્મિત થાય છે.
12 તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે.
પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.
13 તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે;
તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.
14 જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે;
આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા?
પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?”