યોએલ
લેખક
યોએલનું પુસ્તક જણાવે છે કે તેનો લેખક યોએલ પ્રબોધક હતો (1:1). પુસ્તકમાં જણાવેલ થોડી વ્યક્તિગત વિગતોને છોડીને આપણે યોએલ પ્રબોધક વિષે બહુ ઓછું જાણીએ છીએ. તે પોતાને પથુએલના પુત્ર તરીકે ઓળખાવે છે. તેણે યહૂદાના લોકોને સંદેશ આપ્યો હતો અને યરુશાલેમમાં બહુ મોટો રસ દર્શાવ્યો હતો. યોએલે યાજકો તથા ભક્તિસ્થાન વિષે પણ ઘણી ટિપ્પણીઓ કરી, કે જે નિર્દેશિત કરે છે કે તે યહૂદામાંના આરાધનાના કેન્દ્ર સાથે પરિચિત હતો. (1:13-14; 2:14, 17).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 835 થી 600 વચ્ચેનો છે.
યોએલ કદાચને જૂના કરારના ઇતિહાસના ઇરાનના સમયગાળા દરમ્યાન થઈ ગયો હોવો જોઈએ. તે સમય દરમ્યાન, ઇરાનીઓએ કેટલાક યહૂદીઓને યરુશાલેમ પાછા જવા દીધા હતા અને અંતે ભક્તિસ્થાન બાંધવામાં આવ્યું હતું. યોએલ ભક્તિસ્થાન વિષે પરિચિત હતો, અને તેથી તેનો સમય ભક્તિસ્થાનની પુનઃસ્થાપન પછીનો જ હોવો જોઈએ.
વાંચકવર્ગ
ઇઝરાયલના લોકો તથા ત્યાર બાદના બધા જ બાઇબલ વાંચકો.
હેતુ
ઈશ્વર જેઓ પશ્ચાતાપ કરે છે તેઓને માફી આપતા દયાળુ ઈશ્વર પણ છે. આ પુસ્તક બે મુખ્ય ઘટનાઓ પર પ્રકાશ પાડે છે. એક તો તીડોનું આક્રમણ છે અને બીજું પવિત્ર આત્માનો છંટકાવ છે. તેની આરંભની પરિપૂર્ણતાનો ઉલ્લેખ પિતર દ્વારા પ્રેરિતોનાં કૃત્યો 2 માં પેન્ટીકોસ્ટનાં દિવસે થયો તે રીતે કરવામાં આવ્યો છે.
મુદ્રાલેખ
પ્રભુનો દિવસ
રૂપરેખા
1. તીડોનું ઇઝરાયલ પર આક્રમણ — 1:1-20
2. ઈશ્વરની શિક્ષા — 2:1-17
3. ઇઝરાયલની પુનઃસ્થાપના — 2:18-32
4. દેશો પર ઈશ્વરનું ન્યાયશાસન અને પોતાના લોકો મધ્યે નિવાસ. — 3:1-21
1
તીડોએ વર્તાવેલા વિનાશ માટે વિલાપ
યહોવાહનું જે વચન પથુએલના દીકરા યોએલ પાસે આવ્યું તે આ છે;
હે વડીલો, તમે આ સાંભળો અને દેશના સર્વ વતનીઓ તમે પણ ધ્યાન આપો.
આ તમારા સમયમાં બન્યું છે કે,
તમારા પૂર્વજોના સમયમાં?
તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો,
અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે,
અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે.
જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં;
તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા;
અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.
હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો;
સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો,
કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારા મુખમાંથી લઈ લેવાયો છે.
એક બળવાન પ્રજા* 1:6 તીડો કે જેના માણસોની સંખ્યા અગણિત છે.
તે મારા દેશ પર ચઢી આવી છે.
એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે,
તેની દાઢો સિંહણની દાઢો જેવી છે.
તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે
અને મારી અંજીરી છોલી નાખી છે.
તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે
અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે.
જેમ કોઈ કુમારિકા પોતાના જુવાન પતિના અવસાનથી શોકનાં વસ્ત્રો પહેરીને વિલાપ કરે છે તેમ તમે વિલાપ કરો.
યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી.
યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે.
10 ખેતરો લૂંટાઈ ગયાં છે,
ભૂમિ શોક કરે છે 1:10 સુકાઈ ગયું.
કેમ કે અનાજનો નાશ થયો છે.
નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે.
તેલ સુકાઈ જાય છે.
11 હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ.
હે દ્રાક્ષવાડીના માળીઓ,
ઘઉંને માટે તથા જવ માટે પોક મૂકો;
કેમ કે ખેતરોના પાકનો નાશ થયો છે.
12 દ્રાક્ષવેલા સુકાઈ ગયા છે અને અંજીરી પણ સુકાઈ ગઈ છે.
દાડમડીના ખજૂરીનાં તેમ જ સફરજનનાં વૃક્ષોસહિત,
ખેતરનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે.
કેમ કે માનવજાતિના વંશજોમાંથી આનંદ જતો રહ્યો છે.
13 હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો.
હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો.
હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો.
કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે.
14 પવિત્ર ઉપવાસ કરો.
અને ધાર્મિક સંમેલન ભરો,
વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને
તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો,
અને યહોવાહની આગળ વિલાપ કરો.
15 તે દિવસને માટે અફસોસ!
કેમ કે યહોવાહનો દિવસ નજીક છે.
તે દિવસ સર્વશક્તિમાન તરફથી વિનાશરૂપે આવશે.
16 શું આપણી નજર સામેથી જ આપણું અન્ન નાશ થયું નથી?
આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ અને ઉત્સાહ જતાં રહ્યાં નથી?
17 જમીનના દગડાં નીચે બી સડી જાય છે.
અનાજના પુરવઠા ખાલી થઈ ગયા છે.
કોઠારો તોડી નાખવામાં આવ્યા છે.
કેમ કે અનાજ સુકાઈ ગયું છે.
18 પશુઓ કેવી ચીસો પાડે છે!
જાનવરોના ટોળાં નિસાસા નાખે છે.
કેમ કે તેમને માટે બિલકુલ ઘાસચારો રહ્યો નથી.
ઘેટાંનાં ટોળાંઓ નાશ પામે છે.
19 હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું.
કેમ કે અગ્નિએ વનનાં ગૌચરોને ભસ્મ કર્યા છે
અને અગ્નિની જ્વાળાઓએ ખેતરનાં બધા વૃક્ષોને બાળી નાખ્યાં છે.
20 હા, જંગલી પશુઓ પણ હાંફીને તમને પોકારે છે,
કેમ કે પાણીના વહેળાઓ સુકાઈ ગયા છે,
અને અગ્નિએ વનનાં ગૌચરો ભસ્મ કર્યા છે.

*1:6 1:6 તીડો

1:10 1:10 સુકાઈ ગયું