5
પાપાર્થાર્પણની જરૂર પડે તેવા બનાવો
1 જો કોઈ પણ વ્યક્તિ સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે, તો તેણે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેને માટે તે પોતે જવાબદાર છે. 2 અથવા જે બાબત ઈશ્વરે અશુદ્ધ તરીકે ઠરાવેલી છે તેનો જો કોઈ માણસ સ્પર્શ કરે, એટલે અશુદ્ધ પશુનો મૃતદેહ, જાનવરનો મૃતદેહ, અશુદ્ધ સર્પટિયાના મૃતદેહનો સ્પર્શ કરે અને તે વ્યક્તિના જાણવામાં ન આવતાં તેણે તેનો સ્પર્શ કર્યો હોય તો તે અશુદ્ધ અને દોષિત ગણાય.
3 અથવા જો કોઈ માણસ કોઈપણ અશુદ્ધતાથી અશુદ્ધ થયો હોય અને તેની અશુદ્ધતાનો જો કોઈ સ્પર્શ કરે અને તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત*વાંચો: 12 - 14 ગણાય.
4 અથવા જો કોઈ માણસ દુષ્ટતા કરવાના અથવા સારું કરવાના સોગન પોતાના હોઠોથી વગર વિચારે ખાઈને ગમે તેમ તે કહે અને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.
5 જ્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે ત્યારે એમ થાય કે જે વિષે તેણે પાપ કર્યું હોય તે તે કબૂલ કરે. 6 પછી જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાહને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતનું એક જાનવર, એટલે ઘેટું કે બકરી અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે.
7 જો તે હલવાનને ખરીદી ના શકતો હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને સારુ તે યહોવાહને માટે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે, એક પાપાર્થાર્પણને માટે અને બીજું દહનીયાર્પણને માટે. 8 તે તેઓને યાજક પાસે લાવે, પાપાર્થાર્પણને માટે જે હોય તેને તે પ્રથમ ચઢાવે અને તે તેની ગરદન પરથી તેનું માથું મરડી નાખે, પણ તેના શરીર પરથી તેની ગરદન જુદી ન કરે. 9 પછી તેણે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત વેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દેવું. એ પાપાર્થાર્પણ છે.
10 પછી બીજું પક્ષી તે વિધિપૂર્વક દહનીયાર્પણ તરીકે ચઢાવે, તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે.
11 પણ જો કોઈ તે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ખરીદીને ચઢાવી ના શકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ†એફાહ 1 કિલોગ્રામ મેંદાનો લોટ તે પોતાને માટે અર્પણ લાવે. તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ કે તે તો પાપાર્થાર્પણ છે.
12 તે તેને યાજક પાસે લાવે અને યાજક પ્રતીક તરીકે તેમાંથી મુઠ્ઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાહને ચઢાવેલાં ખાદ્યાર્પણ સાથે દહન કરે. એ પાપાર્થાર્પણ છે. 13 આ કૃત્યોમાંના જે કોઈ વિષે તેણે પાપ કર્યું હોય તો યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે વ્યક્તિને માફ કરવામાં આવશે. ખાદ્યાર્પણની જેમ બાકીનું અર્પણ યાજકનું થાય.’ ”
દોષાર્થાર્પણ
14 પછી યહોવાહે મૂસાને કહ્યું, 15 “જો કોઈ વ્યક્તિ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને યહોવાહની પવિત્ર વસ્તુઓ વિષે અજાણતાં પાપ કરે, તો તે યહોવાહ પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, શેકેલ ચાંદી, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણ‡દોષાર્થાર્પણ ભરપાઈ નો અર્પણને માટે લાવે. 16 જે પવિત્ર વસ્તુ વિષે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે અને વળી તેનો એક પંચમાંશ તેમાં ઉમેરીને યાજકને તે આપે. પછી યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે.
17 યહોવાહે આપેલી કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જો કોઈ વ્યક્તિ અજાણતાથી કરીને પાપ કરે, તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માથે. 18 તે દોષાર્થાર્પણને માટે ટોળાંમાંનો ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે લાવે અને જે પાપ તેણે અજાણતાં કર્યું હોય, તો તે વિષે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. 19 આ દોષાર્થાર્પણ છે અને તે નિશ્ચે યહોવાહની આગળ દોષિત છે.”