9
ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.’ ”
ઈસુનું રૂપાંતર
માથ. 17:1-13; લૂક 9:28-36
છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું. ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.
એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. પિતર ઈસુને કહે છે કે, ‘ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.’ ” શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.
એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’ ” તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’ ” 10 તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.
11 તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’ ” 12 ઈસુએ તેઓને કહ્યું કે, ‘એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું પડશે અને ત્યજી દેવામાં આવશે?’ ” 13 પણ હું તમને કહું છું કે, ‘એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.’ ”
ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા છોકરાંને સાજો કરે છે
માથ. 17:14-21; લૂક 9:37-43
14 તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા. 15 તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી. 16 ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?’ ”
17 લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ‘ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે; 18 જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,’ 19 પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.’ ”
20 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. 21 ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’ ” 22 તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.’ ”
23 ઈસુએ તેને કહ્યું કે, ‘જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.’ ” 24 તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, ‘હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.’ ” 25 ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, ‘મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.’ ”
26 ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’ ” 27 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.
28 ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, ‘અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?’ ” 29 ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’ ”
ઈસુ બીજી વાર પોતાના મૃત્યુની આગાહી કરે છે
માથ. 17:22-23; લૂક 9:43-45
30 ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી. 31 કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસના દીકરાની માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’ ” 32 તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
સૌથી મોટું કોણ?
માથ. 18:1-5; લૂક 9:46-48
33 તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’ ” 34 પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’ ” 35 ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.’ ”
36 તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે, 37 ‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’ ”
જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે
લૂક 9:49-50
38 યોહાને ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.’ ” 39 પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.
40 કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.’ ” 41 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.
ઠોકર ખવડાવનારને અફસોસ
માથ. 8:6-9; લૂક 17:1-2
42 જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય. 43 જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે 44 તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
45 જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે 46 તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
47 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, 48 કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.
49 કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે. 50 મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.