પ્રકટીકરણ
લેખક
પ્રભુએ દૂત દ્વારા જે કહ્યું તેને લખી લેનાર તરીકે યોહાન પ્રેરિત પોતાનું નામ આપે છે. જસ્ટિન માર્ટિર, ઇરેનીયસ, હિપ્પોલિટસ, તેર્તુલિયન, આલેકસાન્દ્રિયાનો ક્લેમેંટ તથા મુરીટોરિયન જેવા મંડળીના શરૂઆતના લેખકો યોહાન પ્રેરિતને પ્રકટીકરણના પુસ્તકનો લેખક ગણે છે. આ પુસ્તક યહૂદી સાહિત્યનો એક પ્રકાર એટલે કે “ભવિષ્યવાણી” ના રૂપમાં લખાયેલું છે કે જે જેઓ સતાવણીનો સામનો કરી રહ્યા છે તેઓને ઈશ્વરના અંતિમ વિજય વિષે આશાનો સંદેશો આપવા સાંકેતિક કલ્પનાઓનો ઉપયોગ કરે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 95 થી 96 ની વચ્ચેનો છે.
યોહાન નિર્દેશિત કરે છે કે તે એજીયન સમુદ્રના પાત્મસ બેટ પર હતો કે જ્યાં તેણે પ્રબોધવાણી પ્રાપ્ત કરી હતી (1:9).
વાંચકવર્ગ
યોહાને કહ્યું કે પ્રબોધવાણી આસિયામાંની સાત મંડળીઓ માટે હતી (1:4).
હેતુ
પ્રકટીકરણનો નિર્દેશિત હેતુ ઈસુ ખ્રિસ્તને તથા તેમનું વ્યક્તિત્વ અને સામર્થ્યને પ્રગટ કરવાનો તથા જે બહુ જલદી બનવાનું હતું તે તેમના સેવકોને જણાવવાનો છે (1:1). આ જગતનો અંત ચોક્કસ આવશે અને ચોક્કસ ન્યાય કરવામાં આવશે તે વિષે આ અંતિમ ચેતવણી છે. તે આપણને સ્વર્ગની તથા જેઓ પોતાના વસ્ત્રોને સફેદ રાખે છે તેઓ માટે રાખી મૂકેલા બધા મહિમાની થોડી ઝાંખી કરાવે છે. પ્રકટીકરણનું પુસ્તક આપણને મહાવિપત્તિકાળની વિપત્તિઓ તથા અંતિમ અગ્નિ કે જેનો સામનો બધા જ અવિશ્વાસીઓ અનંતકાળ માટે કરશે તેનું અવલોકન કરાવે છે. આ પુસ્તક શેતાનનું પતન તથા તે અને તેના દૂતોનો જે અંતિમ હાલ થવાનો છે તે દોહરાવે છે.
મુદ્રાલેખ
અનાવરણ
રૂપરેખા
1. ખ્રિસ્તનું પ્રકટીકરણ તથા ઈસુની સાક્ષી — 1:1-8
2. તેં જોયેલી બાબતો — 1:9-20
3. સાત સ્થાનિક મંડળીઓ — 2:1-3:22
4. બનવા જઇ રહેલી બાબતો — 4:1-22:5
5. પ્રભુની અંતિમ ચેતવણી તથા પ્રેરિતની અંતિમ પ્રાર્થના — 22:6-21
1
યોહાનને થયેલું પ્રકટીકરણ
ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું. અને તેમણે*ઈસુ ખ્રિસ્ત પોતે પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે પોતાના દાસ યોહાનને બતાવ્યું. યોહાને ઈશ્વરનાં વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિષે જેટલું પોતે જોયું તેની માહિતી આપી. ભવિષ્યમાં બનવાની બિનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.
સાત મંડળીઓને સલામી
જે સાત મંડળીના વિશ્વાસી સમુદાય આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના સિંહાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા; અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન.
જુઓ, તે વાદળાંમાં આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.
પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, ‘હું આલ્ફા તથા ઓમેગા છું.’ ”
યોહાનને ખ્રિસ્તનું સંદર્શન
હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો. 10 પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે, 11 ‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’ ”
12 જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ. 13 તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.
14 તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. 15 તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો. 16 તેમના જમણાં હાથમાં સાત તારા હતા; અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો.
17 જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું; 18 અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે.
19 તેં જે જોયું છે અને જે થયું છે, અને હવે પછી જે જે થશે, તે સઘળું લખ. 20 મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.

*1:1 ઈસુ ખ્રિસ્ત પોતે