14
ઉદ્ધાર પામેલા 144,000 નું ગીત
1 પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2 મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.
3 તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ. 4 સ્ત્રીઓ ના સંસર્ગ થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા; 5 તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.
ત્રણ દૂતો
6 પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; 7 તે મોટે અવાજે કહે છે કે, ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.’ ”
8 ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે, ‘પડ્યું રે, મોટું બાબિલ શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચારનો દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે, જે કોપનો દ્રાક્ષારસ છે.’ ”
9 પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, 10 તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડેલું છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે.
11 તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. 12 પવિત્ર સંતોએ ધીરજ રાખવી જોઈએ, જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે.
13 પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે, ‘તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.’ ”
પૃથ્વીની કાપણી - બે પ્રકારના પાક
14 પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું. 15 પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળાં પર બેઠેલા પુરુષ ને મોટા અવાજે હાંક મારી કે, ‘તમે તમારું દાતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે, અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.’ ” 16 ત્યારે વાદળાં પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી.
17 ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. 18 અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.’ ”
19 ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને કાપી લીધાં, અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. 20 દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, દ્રાક્ષાકુંડમાંથી ત્રણસો કિલોમિટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહેવા લાગ્યું.