તિતસને પાઉલ પ્રેરિતનો પત્ર
લેખક
પાઉલ, પોતાને ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત કહેતાં, પોતાને તિતસને પત્રના લેખક તરીકે ઓળખાવે છે (1:1). પાઉલના તિતસ સાથેના સંબંધની શરૂઆત અજ્ઞાત છે. તો પણ, આપણે માની શકીએ કે તે પાઉલની સેવા દ્વારા ખ્રિસ્તી શિષ્ય બન્યો હોય શકે કારણ કે પાઉલ તિતસને સામાન્ય વિશ્વાસમાં મારો ખરો પુત્ર એ રીતે સંબોધે છે (1:4). પાઉલ તિતસનો બીજા લોકો પ્રત્યેનો પ્રેમ, તત્પરતા અને દિલાસો આપવાની બાબતની પ્રશંસા કરતા તેને સ્પષ્ટ રીતે સુવાર્તા માટે એક મિત્ર તથા સાથી કાર્યકર તરીકે ખૂબ જ માન આપતો હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 63 થી 65 ની વચ્ચેનો છે.
પાઉલે આ પત્ર તિતસને પોતાના રોમમાંના પ્રથમ જેલવાસથી મુક્ત થયા બાદ નિકોપોલીસ શહેરથી લખ્યો હતો. તિમોથીને એફેસસમાં સેવા કરવા છોડીને, પાઉલ તિતસ સાથે ક્રીત ટાપુ પર ગયો હતો.
વાંચકવર્ગ
આ પત્ર તિતસ કે જે બીજો એક સાથી કાર્યકર અને વિશ્વાસમાં પુત્ર હતો અને ક્રીત ટાપુ પર સેવા કરતો હતો તેને લખાવમાં આવ્યો હતો.
હેતુ
પત્રનો હેતુ ક્રીતની નવી મંડળીઓમાં જે ખામીઓ હતી એટલે કે વ્યવસ્થાનો અભાવ તથા સભાસદોનું અશિસ્તમય વર્તન, તેને સુધારવા તિતસને સલાહ આપવાનો, તેઓને નવા વડીલોની નિમણુંક કરવામાં મદદ કરવાનો તથા ક્રીતના અન્યધર્મી લોકો સમક્ષ વિશ્વાસની વધુ સારી સાક્ષી આપવા તૈયાર કરવાનો હતો (1:5).
મુદ્રાલેખ
વર્તન વ્યવહારનું નિયમ પુસ્તક
રૂપરેખા
1. અભિવાદન — 1:1-4
2. વડીલોની નિમણૂંક — 1:5-16
3. વિવિધ વયજૂથ માટે બોધ — 2:1-3:11
4. અંતિમ ટિપ્પણીઓ — 3:12-15
1
પ્રસ્તાવના
સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અનંતજીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું. નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.
ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.
ક્રીતમાં તિતસની સેવા
જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.
જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો. કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
10 કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે. 11 તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે. 12 તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’ ”
13 આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે, 14 તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે. 15 શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે. 16 અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.