19
એફેસસમાં પાઉલ
1 જ્યારે અપોલોસ કરિંથના શહેરમાં હતો ત્યારે, પાઉલ એફેસસના શહેરના રસ્તા પર કેટલાક સ્થળોની મુલાકાત લેતો હતો. એફેસસમાં પાઉલને યોહાનના કેટલાક શિષ્યો મળ્યા.
2 પાઉલે તેઓને પૂછયું, “જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?”
આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”
3 તેથી પાઉલે તેઓને પૂછયું, “તમને કેવા પ્રકારનું બાપ્તિસ્મા આપવામા આવ્યું હતું?”
તેઓએ કહ્યું, “તે યોહાને શીખવેલ બાપ્તિસ્મા હતું.”
4 પાઉલે કહ્યું, “લોકો તેમનાં જીવનમાં બદલાણ ઇચ્છે છે તે દર્શાવવા બાપ્તિસ્મા લેવા યોહાને લોકોને કહ્યું. જે તેની પાછળ આવે છે તેના પર વિશ્વાસ કરવાનું યોહાને કહ્યું. તે પાછળ આવનાર વ્યક્તિ તો ઈસુ છે.”
5 જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા.
6 પછી પાઉલે તેનો હાથ તેઓના પર મૂક્યો અને પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. તેઓ જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા અને પ્રબૅંેધ કરવા લાગ્યા.
7 ત્યાં લગભગ બાર માણસો આ સમૂહમાં હતા.
8 પાઉલ સભાસ્થાનમાં ગયો અને ઘણી હિંમતથી બોલ્યો. પાઉલે આ કામ ત્રણ માસ સુધી ચાલુ રાખ્યું. તેણે યહૂદિઓ સાથે વાતો કરી અને દેવના રાજ્ય વિષે તેણે કહેલી વાતો સ્વીકારવા સમજાવ્યા.
9 પણ કેટલાક યહૂદિઓ દુરાગ્રહી થયા. તેઓએ માનવાનો અનાદર કર્યો. આ યહૂદિઓએ દેવના માર્ગ વિષે કેટલીક વધારે ખરાબ વાતો કહી. બધા જ લોકોએ આ વાતો સાંભળી. તેથી પાઉલે પેલા યહૂદિઓને છોડી દીધા અને ઈસુના શિષ્યોને તેની સાથે લીધા. તુરાનસ નામના માણસની શાળામાં પાઉલ ગયો. ત્યાં પાઉલ દરરોજ લોકો સાથે ચર્ચા કરતો.
10 પાઉલે આ કામ બે વર્ષ માટે કર્યુ. આ કામને કારણે પ્રત્યેક યહૂદિ અને ગ્રીક જે આસિયાના દેશોમાં રહેતા હતા તેઓએ પ્રભુની વાતો સાંભળી.
સ્કેવાના પુત્રો
11 દેવે પાઉલના હાથે કેટલાક ખાસ ચમત્કારો કરાવ્યા.
12 કેટલાએક લોકો પાઉલે વાપરેલા હાથરૂમાલો તથા લૂગડા લઈ જતા. લોકો માંદા લોકો પર આ વસ્તુઓ મૂકતા. જ્યારે તેઓએ આ કર્યું, ત્યારે માંદા લોકો સાજા થઈ ગયા અને શેતાનનો અશુદ્ધ આત્મા તેઓને છોડી દેતો.
13-14 કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં. તેઓ બધા કહેતાં, “પાઉલ જે ઈસુના વિષે વાત કરે છે તેના જ નામે હું તમને બહાર આવવા આજ્ઞા કરું છું!”
15 પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?”
16 પછી એ માણસ જેનામાં શેતાનનો અશુદ્ધ આત્મા તેની અંદર હતો, તે આ યહૂદિઓ પર કૂદી પડયો. તે તેઓના બધા કરતા વધારે મજબૂત હતો. તેણે તેઓ બધાને માર્યા અને તેઓનાં કપડાં ફાડી નાખ્યા. આ યહૂદિઓ તે ઘરમાંથી નાસી ગયા.
17 એફેસસના બધા લોકો, યહૂદિઓ અને ગ્રીકોએ આ વિષે સાંભળ્યું. તેઓ બધાએ પ્રભુ ઈસુના નામને ખૂબ માન આપવાનું શરૂ કર્યુ. અને લોકોએ પ્રભુ ઈસુનું નામ મોટું મનાવ્યું.
18 ઘણા બધા વિશ્વાસીઓએ જે કંઈ ખરાબ વસ્તુઓ કરી હતી તે કહેવાની અને કબૂલ કરવાની શરુંઆત કરી.
19 કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો. આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા; આ પુસ્તકોની કિંમત લગભગ 50,000 ચાંદીના સિક્કા હતી.
20 આમ પ્રભુની વાત પરાક્રમથી વધારે ને વધારે લોકોને અસર કરવા લાગી અને વધુ ને વધુ લોકો વિશ્વાસી બન્યા.
પાઉલની પ્રવાસની યોજના
21 આ બિના બન્યા પછી, પાઉલે યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે મકદોનિયા તથા અખાયાના પ્રદેશમાં થઈને પછી યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે વિચાર્યુ, “મારી યરૂશાલેમની મુલાકાત પછી મારે રોમની મુલાકાત લેવી જોઈએ.”
22 તિમોથી અને એરાસ્તસ પાઉલના મદદગારોમાંના બે હતા. પાઉલે તેઓને મકદોનિયાના પ્રદેશોમાં સીધા મોકલ્યા. પાઉલ એશિયામાં થોડો સમય રહ્યો.
એફેસસમાં મુશ્કેલીઓ
23 તે સમય દરમ્યાન એફેસસમાં કેટલીક ખરાબ મુશ્કેલીઓ ઊભી થઈ. આ મુશ્કેલી દેવના માર્ગ વિષે હતી. આ બધું તે રીતે બન્યું.
24 ત્યાં દેમેત્રિયસ નામનો એક માણસ હતો. તે ચાંદીનું હસ્તકલાનું કામ કરતો હતો. તેણે ચાંદીના નાના નમૂનાઓ બનાવ્યાં જે દેવી આર્તિમિસનાં મંદિર જેવા દેખાતા હતા. ગૃહઉધોગના કારીગરે આ વ્યવસાયમાં ઘણા પૈસા બનાવ્યા.
25 દેમેત્રિયસે કારીગરોની સાથે જેઓ આના સંબંધમાં બીજા વ્યવસાયમાં સંકળાયેલા હતા. તેમને બોલાવ્યા અને કહ્યું, “તમે જાણો છો કે આપણે આપણા ધંધામાંથી ઘણા પૈસા બનાવીએ છીએ.
26 પરંતુ આ માણસ પાઉલ શું કરે છે તે જુઓ! તે શું કહે છે તે સાંભળો. પાઉલે ઘણા લોકોને પ્રભાવિત કરીને તેઓનું પરિવર્તન કરાવ્યું છે. તેણે એફેસસમાં અને આખા એશિયામા આ કર્યુ છે. પાઉલ કહે છે માણસોએ બનાવેલા દેવો ખરા નથી.
27 આ વસ્તુઓ જે પાઉલ કહે છે તે આપણા કામની વિરૂદ્ધમાં લોકોને ઉશ્કેરીને બદલશે. પણ ત્યાં પણ બીજી એક સમસ્યા છે. લોકો વિચારવાનું શરૂ કરશે કે મહાન દેવી આર્તિમિસનું મંદિર મહત્વનું નથી! તેની મહાનતાનો નાશ થશે. આર્તિમિસ એક દેવી છે જેને આશિયામાં (એશિયા) પ્રત્યેક જણ તથા આખી દુનિયા તેની પૂજા કરે છે.”
28 જ્યારે આ માણસોએ આ બાબતો સાંભળી. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પોકાર કર્યો. “આર્તિમિસ, એફેસીઓની દેવી, મહાન છે!”
29 શહેરના બધા લોકો બેચેન બન્યા, લોકોએ ગાયસ તથા અરિસ્તાર્ખસને જકડી લીધા. (તે બે માણસો મકદોનિયાના હતા અને પાઉલની સાથે મુસાફરી કરતા હતા) પછી બધાજ લોકો અખાડામાં દોડી ગયા.
30 પાઉલની ઈચ્છા અંદર જઈને લોકોની સાથે વાતો કરવાની હતી. પરંતુ ઈસુના શિષ્યોએ તેને જવા દીધો નહિ.
31 દેશના કેટલાક મુખ્ય આગેવાનો પણ પાઉલના મિત્રો હતા. આ આગેવાનોએ તેને એક સંદેશો મોકલ્યો. તેઓએ પાઉલને અખાડામાં ન જવા માટે વિનંતી કરી.
32 કેટલાક લોકો કંઈ બૂમ પાડતા હતા તો બીજા લોકો કંઈ બૂમ પાડતા હતા. તે સભામાં મુંઝવણ હતી. મોટા ભાગના લોકો તો જાણતા જ નહોતા કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે.
33 તે યહૂદિઓએ આલેકસાંદર નામના માણસને લોકો સમક્ષ ઊભો કર્યો. લોકોએ તેને શું કરવું તે કહ્યું. આલેકસાંદરે હાથ હલાવ્યો. કારણ કે તે લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો.
34 પરંતુ જ્યારે લોકોએ જોયું કે આલેકસાંદર એક યહૂદિ હતો. તેઓ બધાએ બે કલાક સુધી આ જ બૂમો પાડવાનું ચાલું રાખ્યું. તે લોકોએ કહ્યું, “એફેસીઓના આર્તિમિસની જે! એફેસીઓના આર્તિમિસની જે! આર્તિમિસની જે…!”
35 પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, “એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ.
36 કોઇ વ્યક્તિ કહી શકશે નહિ કે આ સાચું નથી. તેથી તમારે શાંત થવું જોઈએ. તમારે બંધ કરવું જોઈએ અને તમે કંઈ કરો તે પહેલા વિચારવું જોઈએ.
37 “તમે આ માણસોને લાવ્યા છો, પણ તેઓએ આપણી દેવીની વિરૂદ્ધ કશુંજ ખરાબ કર્યુ નથી. તેઓએ દેવીના મંદિરમાંથી કશુંય ચોર્યુ પણ નથી.
38 આપણી પાસે ન્યાયના ન્યાયાલયો છે અને ત્યાં ન્યાયાધીશો હોય છે. માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના હસ્તકલાના કારીગરોને કોઇને ઉપર કંઈ ફરીયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે. તે એ છે જ્યાં તેઓ એકબીજા સામે આક્ષેપો મૂકી શકે છે.
39 “શું એવું બીજું કશું છે જેના વિષે તારી વાત કરવાની ઈચ્છા હોય? તો પછી લોકોની નિયમિત ભરાતી શહેરની સભામાં આવો. ત્યાં તેનો નિર્ણય થશે.
40 હું આ કહું છું કારણ કે કેટલીએક વ્યક્તિઓ આજે આ બનાવ જોઈ શકે છે અને કહેશે અમે હુલ્લડ કરીએ છીએ. અમે ધાંધલ ધમાલને સમજાવી શકતા નથી. કારણ કે આ સભા ભરવા માટે કોઇ સાચું કારણ નથી.”
41 શહેરના નગરશેઠે આ વાતો કહ્યા પછી, તેણે લોકોને ઘરે જવા કહ્યું અને બધા લોકોએ વિદાય લીધી.