3
દેવના સેવકોનો નવો કરાર
શું ફરીથી આપણે આપણા વિષે બડાઈ મારવાનું શરું કરી રહ્યા છીએ? શું અમારે તમારા માટે કે તમારા તરફથી ઓળખપત્રની જરૂર છે? જે રીતે બીજા લોકોને હોય છે? તમે પોતે જ અમારો પત્ર છો. પત્ર અમારા હૃદયરૂપી પટો પર અંકિત થયો છે. તે બધાથી વિદીત છે અને દરેક વ્યક્તિ તે વાંચે છે. તમે બતાવ્યું છે કે તમે ખ્રિસ્ત તરફથી મોકલેલો પત્ર છો કે જે તેણે અમારી મારફતે મોકલ્યો છે. આ પત્ર શાહીથી નહિ પરંતુ જીવતા દેવના આત્માથી લખાયેલો છે; તે શિલાપટો* પર નથી લખાયો પરંતુ માનવ હૃદય પર લેખિત થયો છે.
અમે આમ કહી શકીએ છીએ, કારણ કે ખ્રિસ્ત થકી અમે દેવ સમક્ષ ખાતરી અનુભવીએ છીએ. હું એમ નથી સમજતો કે અમે અમારી જાતે જે કાંઈ સારું છે તે કરવા અમે શક્તિમાન છીએ. તે દેવ એક છે જે આપણે કરીએ છીએ તે કરવાને આપણને શક્તિમાન બનાવે છે. દેવે જ અમને દેવ તરફથી તેના લોકોને પ્રાપ્ત થયેલા નવા કરારના સેવક બનવાને શક્તિમાન બનાવ્યા છે. આ નવો કરાર તે લેખિત નિયમ નથી તે આત્માનો છે. લેખિત નિયમ મૃત્યુ લાવે છે, પરંતુ આત્મા જીવન બક્ષે છે.
નવો કરાર ઉત્કૃષ્ટ મહિમા લાવે છે
સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા. તે દેવના મહિમા સાથે આવ્યા હતા. મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા. અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો. નિશ્ચિત રીતે, જે સેવા આત્માનું અનુગમન કરાવે છે તેનો મહિમા તો આનાથી પણ મહાન થશે. મારું કહેવું આમ છે: કે સેવા લોકોને તેમના પાપના અનુસંધાનમાં મૂલવતી હતી, પરંતુ તે મહિમાવંત હતી. તેટલી જ નિશ્ચિતતાથી જે સેવા લોકોને દેવને અનુરુંપ બનાવે છે, તેનો મહિમા વધુ ઉત્કૃષ્ટ છે. 10 તે જૂની સેવાનો મહિમા છે. પરંતુ નવી સેવાના વધારે અધિક મહિમાવાન સાથે સરખાવતા તેના મહિમાનો ખરેખર છેદ થયો. 11 મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી, પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે.
12 આપણી આ અભિલાષાને લીધે તો આપણે વધારે હિંમતવાન બની શકીએ છીએ. 13 આપણે મૂસા જેવા નથી. તેણે તો તેના મુખ પર મુખપટ નાખ્યું હતું. મૂસાએ તેનું મુખ ઢાંકી દીધું હતું કે જેથી ઈસ્રાએલ લોકો તે જોઈ ના શકે. મહિમા નું વિલોપન થઈ રહ્યું હતું, અને મૂસા નહોતો ઈચ્છતો કે તે લોકો તેનો અંત જુએ. 14 પરંતુ તેઓના માનસપટ બંધ હતાં-તેઓ સમજી શક્યા નહિ. આજે પણ જ્યારે તેઓ જૂના કરારનું વાંચન કરે છે ત્યારે એ જ આવરણ અર્થને ઢાંકી દે છે. તે આવરણ હજુ પણ દૂર કરાયુ નથી. તે માત્ર ખ્રિસ્ત દ્વારા દૂર કરાય છે. 15 પરંતુ આજે પણ જ્યારે આ લોકો મૂસાના નિયમનું વાંચન કરે છે, ત્યારે તેઓનું માનસપટ આચ્છાદિત છે. 16 પરંતુ જ્યારે વ્યક્તિ પરિવર્તીત થાય છે અને પ્રભુને અનુસરે છે, ત્યારે તે આચ્છાદન દૂર થાય છે. 17 પ્રભુ તે આત્મા છે. અને જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. 18 અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.
* 3:3 શિલાપટો યહોવાએ મૂસાને સિનાઈ પર્વત પર જે નિયમ તથા આજ્ઞા આપેલી તે શિલાપાટીઓ પર લખેલી હતી (નિં. 24:12; 25:16)