10
યહોવાનો મંદિરત્યાગ
ત્યાર બાદ મેં કરૂબ દેવદૂતોના માથા ઉપર જોયું તો નીલમણિના ઘૂમટ જેવું કંઇક દેખાયું. પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.”
અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો. તે માણસ અંદર ગયો ત્યારે કરૂબ દેવદૂતો મંદિરની દક્ષિણ બાજુએ ઊભા હતા. ત્યારે અંદરનો ચોક વાદળથી ભરાઇ ગયો. પછી યહોવાનો મહિમા કરૂબો ઉપરથી ઊડીને મંદિરના પ્રવેશદ્વાર આગળ ગયો. એટલે મંદિર વાદળથી ભરાઇ ગયું અને આખો ચોક યહોવાના ગૌરવનાં તેજથી ઝળાંહળાં થઇ ગયો. કરૂબોની પાંખોનો અવાજ સર્વસમર્થ દેવના મુખમાંથી નીકળેલા શબ્દ જેવો અવાજ હતો, અને બહારના આંગણમાં તે સ્પષ્ટ સંભળાતો હતો.
યહોવાએ શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, કરૂબો મધ્યે જઇને ફરતાં પૈડામાંથી સળગતા કોલસા લે, એટલે માણસ અંદર જઇને એક પૈડા પાસે ઊભો રહ્યો. અને કરૂબોમાંના એકે હાથ લંબાવી તેમની વચ્ચેના અંગારામાંથી થોડા લઇ શણના વસ્ત્ર પહેરેલા માણસને આપ્યા. તે લઇને તે બહાર ચાલ્યો ગયો. કરૂબોની પાંખો નીચે માણસના હાથ જેવું કઇ દેખાતું હતું.
મેં જોયું તો પ્રત્યેક કરૂબ પાસે એક એમ ચાર પૈડા હતાં અને તે પૈડા સોનેરી પોખરાજ રત્નની જેમ ઝળહળતાં હતાં. 10 બધાં પૈડાની રચના એક સરખી દેખાતી હતી; અને એક પૈડાની અંદર બીજું પૈડું ગોઠવ્યું હોય તેમ લાગતું હતું. 11 કરૂબો આગળ વધતા ત્યારે તેઓનાં મુખ તે ચારે દિશામાં, આમતેમ ફેરવ્યાં વિના તેઓ જઇ શકતા હતાં. પૈડાંને વળાંક લેવાની જરૂર પડતી નહોતી, તેઓ બધા એકી સાથે ફર્યા વગર ગમે તે દિશામાં સીધા આગળ વધી શકતા હતાં. 12 તેઓના આખા શરીર પર, પીઠ પર, હાથ પર, પાંખો પર અને પૈડાઓ પર સર્વત્ર પુષ્કળ પ્રમાણમાં આંખો હતી. 13 અને મેં તેમને ચાલણચક્ર એમ પૈડાઓ માટે કહેતા સાંભળ્યાં.
14 દરેક કરૂબને ચાર મોઢાં હતાં, પહેલું મોઢું કરૂબનું હતું, બીજું માણસનું હતું, ત્રીજું સિંહનું હતું અને ચોથું ગરૂડનું હતું. 15 કરૂબો ઊડીને ઊંચે ચઢયા.
કબાર નદી પાસે મેં જોયાં હતાં તે જ પ્રાણીઓ આ હતાં. 16 કરૂબો જમીન ઉપરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે જતાં. તેઓ ઊંચે જવા પાંખો પ્રસારતા ત્યારે પૈડાઓ તેમની પાસે જ રહેતા. 17 જ્યારે તેઓ ઊડવા માટે પાંખો ફેલાવતા ત્યારે પણ પૈડાં તેમની સાથેને સાથે જ રહેતાં. તેઓ અટકતા ત્યારે પૈડાં પણ અટકી જતાં અને જ્યારે તેઓ ઊડતાં ત્યારે પૈડાં તેમની સાથે જ રહેતાં, કારણ, પૈડાં ઉપર તેમનું નિયંત્રણ હતું.
18 પછી યહોવાનું ગૌરવ મંદિરના પ્રવેશદ્વારથી ખસીને કરૂબો પર આવી ઊભું. 19 કરૂબો પાંખો પ્રસારીને જમીનથી અધ્ધર થઇ ગયા અને પૈડાંને પણ તેમની સાથે- સાથે અધ્દર થતાં મેં જોયાં. મંદિરના પૂર્વ દરવાજા આગળ તેઓ થોભ્યા. તેમના ઉપર યહોવાનું ગૌરવ છવાયેલું હતું.
20 કબાર નદીના કાંઠે ઇસ્રાએલના દેવના સિંહાસન નીચે જે પ્રાણીઓ મેં જોયાં હતાં તે આ જ હતાં, મને ખાતરી થઇ હતી કે તેઓ કરૂબો હતા. 21 પ્રત્યેકને ચાર મોઢાં, ચાર પાંખો અને દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કઇંક હતું. 22 તેમનાં મોઢાં કબાર નદીને કાંઠે મેં દર્શનમાં જોયેલાં મોઢાં જેવાં જ હતાં. દરેક કરૂબ સીધો આગળ વધતો હતો.