33
લોકો માટે યહોવાનો ચોકીદાર હઝકિયેલ
1 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
2 “હે મનુષ્ય પુત્ર, તું તારા દેશબંધુઓને જઇને આ જણાવ; ‘જ્યારે હું, યહોવા, કોઇ દેશ સામે લશ્કર મોકલું છું, ત્યારે ત્યાંના લોકો પોતામાંના એકજણને પસંદ કરીને સંત્રી તરીકે નીમે છે.
3 જ્યારે તે લશ્કરને દેશ પર ચઢી આવતું જુએ છે ત્યારે તે લોકોને ચેતવવા રણશિંગુ ફૂંકે છે.
4 રણશિંગાનો અવાજ સાંભળવાં છતાં જો કોઇ ચેતે નહિ અને લશ્કર આવીને તેને મારી નાખે તો તેની જવાબદારી તેની પોતાની છે.
5 કારણ કે તેણે રણશિંગાનો અવાજ સાંભળ્યો પણ તે ચેત્યો નહિ; જો ચેત્યો હોત તો બચી ગયો હોત.
6 “ ‘પણ લશ્કરને આવતું જોઇને જો સંત્રી રણશિંગુ ન ફૂંકે અને લોકોને ન ચેતવે અને લશ્કર આવીને કોઇને મારી નાખે, તો તે પોતાને પાપે મર્યો હોવા છતાં હું એને માટે સંત્રીને જવાબદાર ઠેરવીશ.’
7 “હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલીઓનો સંત્રી નીમ્યો છે, જ્યારે જ્યારે તું મારી વાણી સાંભળે, ત્યારે ત્યારે મારા તરફથી તું તેમને ચેતવણી આપજે.
8 જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ.
9 પરંતુ જો તે ખોટો રસ્તો છોડી દેવાની તેને ચેતવણી આપી હોય છતાં તેણે તે નહિ છોડ્યો હોય; તો તે પોતાના પાપે મરશે પણ તું બચી જશે.
દેવ લોકોનો નાશ કરતા ન હતા
10 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલી લોકોને કહે કે તમે આ પ્રમાણે કહો છો: ‘અમારાં પાપોનો બોજ અમારા માથા પર વધી ગયો છે. અપરાધોને લીધે અમે ક્ષીણ થતા જઇએ છીએ, અમે શી રીતે જીવીશું?’
11 “તું એમને કહે કે, ‘હું યહોવા, મારા જીવના સમ ખાઇને કહું છું કે, દુષ્ટ માણસ મરી જાય એમાં મને આનંદ નથી આવતો. હું ઇચ્છું છું કે દુષ્ટ માણસ પોતાના ભૂંડા માગોર્થી પાછો ફરે અને જીવતો રહે, પાછા ફરો તમારા દુષ્ટ માગોર્થી પાછા ફરો, હે ઇસ્રાએલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’
12 “હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓને કહે કે, ‘કોઇ પુણ્યશાળી માણસ પાપ કરે તો તેનું પુણ્ય તેને બચાવી નહિ શકે. જો કોઇ દુષ્ટ માણસ તેનો દુષ્ટ રસ્તો છોડી દે તો તેનાં કરેલા પાપો તેને પડવા નહિ દે, અને કોઇ પુણ્યશાળી માણસ પાપ કરવાનું શરૂ કરે તો તે જીવતો નહિ રહે.’
13 “હું કોઇ પુણ્યશાળી માણસને કહું કે, તું જીવશે, અને તે મારું પુણ્ય મને બચાવશે એમ માનીને પાપ કરે, તો તેનું કોઇ પુણ્ય સંભારવામાં નહિ આવે, પણ તેણે પાપ કર્યું એટલે તે મરવાનો જ.
14 “હું દુષ્ટ માણસને કહું કે તું મૃત્યુ પામશે, પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે યોગ્ય તથા ભલું છે તે કરે.
15 જો એ ગીરો રાખેલી વસ્તુ પાછી આપે, ચોરેલી વસ્તુ પાછી સોંપી દે અને કશું ખોટું ન કરતાં સાચા જીવનના નિયમો પાળે તો તે જરૂર જીવશે, મરશે નહિ,
16 એણે કરેલું કોઇ પણ પાપ સંભારવામાં નહિ આવે; કારણ કે તેણે નીતિમત્તા અને ન્યાયનો માર્ગ અનુસર્યો છે એટલે એ ચોક્કસ જીવશે.
17 “તેમ છતાં તારા દેશબંધુઓ કહે છે કે, ‘યહોવાનો વ્યવહાર ન્યાયી નથી.’
“પણ હકીકત એ છે કે તેઓનો પોતાનો વ્યવહાર ન્યાયી નથી.
18 હું ફરીથી કહું છું કે જો ન્યાયી માણસ પોતાના ન્યાયી કૃત્યો મૂકી દઇને ભૂંડાઇઓ તરફ વળશે તો તે મૃત્યુ પામશે.
19 પણ જો કોઇ પાપી માણસ પાપનો રસ્તો છોડીને નીતિમત્તા અને ન્યાયના માગેર્ ચાલે ત્યારે તેણે કરેલા સત્કમોર્ને કારણે તે જીવશે.
20 છતાં તમે ઇસ્રાએલી લોકો કહો છો એ યહોવાનો વ્યવહાર ન્યાયી નથી, પરંતુ હું તમારામાંના દરેકનો ન્યાય તમારાં કામ પ્રમાણે કરીશ.”
યરૂશાલેમ લઇ લેવાયું
21 અમારા દેશવટાના બારમાં વરસમાં દશમાં મહિનાના પાચમા દિવસે યરૂશાલેમથી નાસી છૂટેલો એક માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું, “નગરનું પતન થયું છે.”
22 તે આવ્યો તે પહેલાની સાંજે મને યહોવાની શકિતનો અનુભવ થયો હતો અને સવારમાં તે મારી પાસે આવ્યો તે પહેલાં યહોવાએ મારું મોં ખોલી નાખ્યું હતું. મને વાચા પ્રાપ્ત થઇ ચૂકી હતી અને પછી હું મૂંગો નહોતો.
23 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું:
24 “હે મનુષ્યના પુત્ર, યહૂદાના બચી ગયેલા લોકો ખંડિયેર થયેલા નગરોમાં રહે છે. તેઓ એમ કહે છે, ‘ઇબ્રાહિમ એક જ માણસ હતો છતાં તેણે સમગ્ર દેશનો કબ્જો મેળવ્યો! અમે તો ઘણા છીએ, એટલે એ દેશ અમારો જ છે.’
25 “માટે તું તેઓને કહે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘તમે લોહીવાળું માંસ ખાઓ છો, મૂર્તિપૂજા કરો છો અને ખૂન કરો છો. છતાં શું તમે એમ માનો છો કે હું તમને દેશ પાછો આપીશ?
26 તમે તરવાર પર આધાર રાખો છો, ધૃણાસ્પદ રિવાજો પાળો છો, એકબીજાની સ્ત્રીઓ જોડે વ્યભિચાર કરો છો, છતાં તમે દેશનો કબજો તમારી પાસે રહે એમ ઇચ્છો છો!’
27 “ ‘તેઓને કહે; “યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, જેઓ ખંડિયેર નગરોમાં રહે છે, તેઓ સર્વ તરવારથી ચોક્કસ માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓ જંગલી પ્રાણીઓનું ભોજન બનશે, જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ રોગથી મૃત્યુ પામશે.
28 હું આ દેશને ઉજ્જડ કરીશ અને તેના અભિમાની સાર્મથ્યનો અંત આવશે. પર્વત પર વસાવેલા ઇસ્રાએલના નગરોને હું ઉજ્જડ કરીશ, જેથી કોઇ ત્યાંથી પસાર થશે નહિ.
29 તેમણે આચરેલા ધૃણાસ્પદ આચારોને કારણે હું દેશને વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ ત્યારે તે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”
30 “ ‘હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓ કોટની રાંગે અને ઘરના બારણા પાછળ તારે વિષે વાતો કરે છે; “ચાલો, યહોવાનો શો સંદેશો છે તે સાંભળીએ તો ખરા!”
31 એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે.
32 “ ‘તેઓ તારી સામે એવી રીતે જુએ છે, જાણે તું કોઇ સુંદર અવાજવાળો ગાયક હોય અથવા જાણે તું કોઇ કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય. તારા સંદેશાઓ તેમના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ તેઓ કરતા નથી, ને તેના તરફ ધ્યાન પણ આપતા નથી!
33 પરંતુ જ્યારે તમારાં વચનો સાચા પડશે અને ચોક્કસ તેમ થશે જ, ત્યારે તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક આવ્યો હતો.’ ”